એક મહિનામાં સાક્ષીઓની હત્યા નહીં કરું તો જાતે જ ગોળી મારી આપઘાત કરીશ

અમદાવાદ: આસારામ અને નારાયણ સાંઇના વિરોધીઓની હત્યામાં સંડોવાયેલા કાર્તિક ઉર્ફે રાજુ કલારચંદ હલદરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કેટલીક ચોંકાવનારી કબૂૂલાત કરી છે. કાર્તિકે આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધકોને એક મહિનામાં ખતમ કરવાની અને જો તેમ ન થાય તો પોતાને ગોળી મારી આપઘાત કરી લેવાની પ્રતિજ્ઞા કરી હતી.

આસારામ અને નારાયણ સાંઇ સામેના બળાત્કાર કેસના મહત્વના ત્રણ સાક્ષીઓની ગોળી મારી હત્યા કરનાર અને ચાર લોકો પર ફાયરિંગ કરીને ખૂનની કોશિશ કરનારા કાર્તિકની શાર્પ શૂટરની એટીએસએ છત્તીસગઢ ખાતે તેના ઘરેથી ધરપકડ કરી હતી. કાર્તિકે રાજકોટ ખાતે અમૃત પ્રજાપતિ, હરિયાણામાં ક્રિપાલસિંહ અને આસારામના રસોઇયા અખિલ ગુપ્તાની મુઝફરનગર ખાતે પોતે જ ગોળી મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય રાજુ ચાંડક અને મહેન્દ્ર ચાવલા તથા લાલા ઠાકોર ઉપર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી છે.

લાલા ઠાકોર ઉપર ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાંચે કાર્તિકની ધરપકડ કર્યા પછી એસઓજી ક્રાઇમે રાજુ ચાંડક પર થયેલા ફાયરિંગ કેસમાં કાર્તિકની ધરપકડ કરી હતી. તાજેતરમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે લાલા ઠાકોર પર થયેલા ફાયરિંગ કેસમાં ગાંધીનગર કોર્ટમાં કાર્તિક વિરુદ્ધમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. ત્યારે રાજુ ચાંડક પર થયેલા ફાયરિંગ કેસમાં પણ એસઓજી ક્રાઇમે ચાર્જશીટ ફાઇલ કરી હતી. તેવામાં કાર્તિકનો વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચનાં સૂત્રો પાસેથી મળેલી ‌િવગત અનુસાર આસારામ અને નારાયણ સાંઇની ધરપકડ પછી આસારામના સાધક સંજુના નેજા હેઠળ દિલ્હીમાં એક મિટિંગનું આયોજન થયું હતું. જેમાં આસારામ સામે પડેલા તેમના સાધકોની હત્યા કરવા માટેની જવાબદારી કાર્તિકને સોંપવામાં આવી હતી. શાર્પપશૂટર કાર્તિકે એક પછી એક આસારામના વિરોધીઓ ઉપર હુમલા કર્યા હતા જોકે આ હુમલા નિષ્ફળ જતા ફરી મિટિંગ બોલાવી હતી. સંજુએ પાણીપતમાં આ મિટિંગ બોલાવી હતી જેમાં સંજુ, દુષ્યન્ત, સંતોષ, નારાયણ પાંડે તથા કાર્તિક હાજર હતા.

તે સમયે સંજુ તથા અન્ય આસારામના સાધકોએ કાર્તિકને કરેલા હુમલા ફેલ થતાં ઠપકો આપ્યો હતો જેમાં કાર્તિકને લાગી આવ્યું હતું અને તેણે મિટિંગમાં પ્રતિજ્ઞા લીધી હતી કે એક જ મહિનામાં બાપુ વિરુદ્ધમાં પડેલા તમામ સાધકોની હત્યા કરીશ અને જો નહીં કરી શકું તો મારી જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લઇશ. આ મિટિંગ બાદ એક પછી એક આસારામ વિરુદ્ધ પડેલા સાધકોની હત્યા કરવાનું શરૂ કરી દીધું હતું.

You might also like