લોન અપાવવાના બહાને શાહીબાગની મહિલાઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા

અમદાવાદ: ધંધાના વિકાસ માટે શ્રમજીવી મહિલાઓને પચાસ હજાર રૂપિયાની લોન આપવાની લાલચ આપીને ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ ૯પ હજાર રૂપિયાની છેતર‌િપંડી આચરી હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. લોન લેવા માટે ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ ૪૯ મહિલાઓ પાસેથી ૧૯પ૦ રૂપિયા લીધા હતા. નિયત કરેલી તારીખ પ્રમાણે મહિલાઓના ખાતામાં રૂપિયા જમા નહીં થતાં તેમની સાથે છેતર‌િપંડી થઇ હોવાનું સામે આવ્યું હતું.

એક મહિના પહેલાં શાંતિપુરા મનુભાઇની ચાલીમાં સત્ય સાંઇ ફાઇના‌િન્શયલ સર્વિસીસના નામે પેમ્ફ્લેટ લઇને અમિત હરભજનસિંહ સાહની અન્ય ત્રણ વ્યકિતઓને લઇ આવ્યા હતા. અમિતે ચાલીમાં રહેતી તમામ મહિલાઓને ધંધાના વિકાસ માટે પાંચ હજાર રૂપિયાની લોન જોઇતી હોય તો તે આપવા માટેની લાલચ આપી હતી.

પચાસ હજારની લોન લેવા માટે અમિતે તમામ મહિલાઓને ૧૦નું ગ્રૂપ બનાવવાનું કહ્યું હતું અને ફોર્મ ભરવા પેટે ૪૯ મહિલાઓ પાસેથી ૧પ૦ રૂપિયા લીધા હતા. અમિતે તમામ મહિલાઓને લોન લેવી હોય તો ૧૮૦૦ રૂપિયા ભરવા પડશે તેવો મેસેજ કર્યો હતો.

લોન મળશે તેવું વિચારીને ૪૯ મહિલાઓએ ૧૮૦૦ રૂપિયા અમિતની ઓફિસે જમા કરાવી દીધા હતા. પચાસ હજાર રૂપિયાના હપ્તા ભરવા માટે તમામ મહિલાઓને કાર્ડ પણ આપ્યાં હતાં અને તેમના બેન્કના એકાઉન્ટમાં ર૦ એપ્રિલ સુધીમાં રૂપિયા જમા થઇ જશે તેવું કહ્યું હતું.

મહિલાઓના ખાતામાં રૂપિયા જમા નહીં થતાં તેમની ઓફિસે પહોંચી હતી. મહિલાઓ ઓફિસ પહોંચે તે પહેલાં અમિત અને તેના સાગરીતો ઓફિસ ખાલી કરીને નાસી ગયા હતા.

You might also like