રામ રહીમના લાખો સમર્થકોએ ભોજનની વ્યવસ્થા સાથે પંચકુલામાં અડ્ડો જમાવ્યો

ચંડીગઢ: ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર પોતાની જ બે અનુયાયી પર બળાત્કાર કરવાનો આક્ષેપ છે. આ કેસનો ચુકાદો આવતી કાલે પંચકૂલા સીબીઆઈ કોર્ટમાં આવશે, પરંતુ બે દિવસ પહેલાથી જ તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં ચંડીગઢથી લઈને પંચકૂલા સુધી એકઠા થઈ ગયા છે. તેને જોતાં જ તંત્ર સંપૂર્ણ રીતે હાઈ એલર્ટ પર છે અને હરિયાણા તેમજ પંજાબમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હરિયાણાના પંચકૂલા, શિરસા અને ચંડીગઢ છાવણીમાં બદલાઈ ચૂક્યું છે. કોઈ પણ અપ્રિય સ્થિતિ માટે અર્ધસૈનિક દળની ૧૬૭ કંપની તહેનાત કરાઈ છે. તમામ મોટા અધિકારીઓની રજાઓ રદ કરવાના આદેશ જારી કરાયા છે. ચુકાદા બાદ જો રામ રહીમના સમર્થકો હંગામો કરશે તો તેમને કાબૂમાં કરીને ચંડીગઢ ક્રિકેટ સ્ટેડિયમમાં બંધ કરી દેવાશે. સ્ટેડિયમને અસ્થાયી જેલમાં ફેરવી દેવાયું છે. સાથે જ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

એસએસબીના જવાન અને પોલીસ સખત રીતે તલાશી રહ્યા છે તો બીજી તરફ પંજાબ, હરિયાણા ઉપરાંત હિમાચલ પ્રદેશ અને યુપીની બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે. હરિયાણા અને પંજાબની તમામ સ્કૂલો અને કોલેજો ચુકાદો આવે ત્યાં સુધી બંધ કરી દેવાઈ છે. ખટ્ટર સરકારે પોતાના તમામ પ્રધાન અને ધારાસભ્યોને પોતપોતાના ક્ષેત્રમાં રહેવા અને ડેરા સચ્ચા સોદાના પ્રતિનિધિઓ સાથે મળીને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ આપવાના આદેશ કર્યા છે.

સુરક્ષાનો સખત બંદોબસ્ત
ગુરમીત રામ રહીમની કોર્ટમાં હાજરીને લઈને ચંડીગઢ, હરિયાણા અને પંજાબમાં પેરા મિલિટરીની ૧૬૭ કંપની તહેનાત કરાઈ છે. હજુ વધુ કંપનીઓની માગણી કરાઈ છે. એક કંપનીમાં ૧૦૦ જવાન અને ઓફિસર છે. દરેક કંપનીમાં લગભગ ૩૫ ગન અને બાકી નોન લીથન ગન હોય છે. નોન લીથન ગનમાં ડંડો, ટીયરગેસ, માટીવાળા ગ્રેનેડ, વોટર કેનન જેવાં હથિયાર આવે છે. દરેક કંપનીમાં મહિલાઓ પણ તહેનાત કરાઈ છે. ચંડીગઢમાં ૧૦ કંપની તહેનાત કરાઈ છે. તેમાં ૬ રેપિડ એકશન ફોર્સની છે. ૪૦ કંપનીઓ રિઝર્વ રખાઈ છે. ઈમર્જન્સી સામે લડવા પંચકૂલામાં અહીંથી કેટલાક જવાનો મોકલાયા છે. હરિયાણામાં ૩૫ અને પંજાબમાં ૭૫ કંપની તહેનાત કરાઈ છે. જરૂર પડશે તો સેનાનો સંપર્ક કરવામાં આવશે.હાલમાં પંચકૂલામાં બે લાખથી વધુ સમર્થક આવી ચૂક્યા છે. પંચકૂલાની બહાર ડેરામાં ૪૦થી ૫૦ હજાર સમર્થકો જમા છે જે બેથી ત્રણ દિવસનું રેડીમેડ ફૂડ લઈને આવ્યા છે.

બાબા રામ રહીમ જાતે જ આવશે
સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી મુજબ ડેરા પ્રમુખ જાતે જ કોર્ટમાં રજુ થશે. પોલીસને આ જવાબદારી સોંપાઈ નથી. ડેરાના નામ પર જે પણ લાઈસન્સ હથિયાર છે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી રહ્યા છે કેમ કે સરકાર પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા ઈચ્છતી નથી. જો જરૂર પડશે તો વધુ કેટલાક વિસ્તારોમાં પણ કર્ફ્યુ લગાવવામાં આવશે.

પેટ્રોલ પંપોને મનાઈ ફરમાવાઈ
પંજાબ અને હરિયાણા સરકારે પેટ્રોલ પંપોને ખુલ્લામાં પેટ્રોલ નહીં વેચવાના આદેશ આપ્યા છે. તમામ પંપના માલિકોને બોટલ કે કેનમાં પેટ્રોલ કે ડીઝલ ન આપવાની જાણ કરી દેવાઈ છે અને પેટ્રોલ પંપના માલિકો તેનું સખતાઈથી અમલ કરી રહ્યા છે. તંત્રને શંકા છે કે રામ રહીમના સમર્થકો ઉપદ્રવ મચાવી શકે છે.
http://sambhaavnews.com/

You might also like