જેલમાં વાયરલેસ સેટ બાબા આદમના જમાનાના અને તેમાંય અડધા બંધ

અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઇમર્જન્સી સમયે એક બીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે તે માટે આપવામાં આવેલા ૫૦ વાયરલેસ સેટ પૈકી ૨૬ વાયરલેસ સેટ બંધ હાલતમાં પડ્યા છે. ૨૫ વર્ષ પહેલા જેલમાં ૫૦ વાયરલેસ સેટ આપવામાં આવ્યા હતા. જેમાં હાલ માત્ર ૨૪ વાયલેસ સેટ મૃતઃપાય અવસ્થામાં ચાલી રહ્યા છે.

ત્યારે હવે જેલ અધિક્ષકથી લઇને જેલ સિપાઇ ઇરમ્જન્સી સમયે અથવા તો કોઇપણ સમયે બરાબર કોમ્યુનિકેશન કરી શકે તે માટે અધ્યતન ટેકનોલોજી વાળા ૧૦૦ વાયલેસ સેટ ખરીદવામાં આવશે. આ વાયલેસ સેટની ખાસીયત એ છેકે સાબરમતી સેન્ટ્રલ જેલથી ગુજરાતની કોઇપણ જેલમાં નેટવર્ક કપાયા વગર આસાનીથી વાત કરી શકશે.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે ત્યારે હવે જેલમાં કોઇપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇને પૂરતું ધ્યાન આપી રહ્યા છે. જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરે તે માટે 4જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પેનિક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યાં છે. ત્યારે ખૂંખાર કેદીઓથી લઇને તમામ કેદીઓ પર નજર રાખી શકાય તે માટે ૫૩૫ હાઇડેફિનેશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે. જેમાં ૨૬૦૦ કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ બંધ છે. દિવસમાં નવ કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે તે સમયે કેદીઓની પૂરતી સલામતી રાખવામાં આવે છે. સેન્ટ્રલમાં જેલ અધિક્ષક સહિત ૪૦૦ જેલ સિપાહી, હવાલદાર, સુબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિધિ પર નજર રાખતા હોય છે.

સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે પાકા અને કાચા કામના કેદીઓ એકબીજાને મળીને પોતાના મનસુબા પાર પાડવા માટેના કાવતરાં પણ સેન્ટ્રલ જેલમાં ધડતાં હોય છે.

જેલ સિપાહી, હવાલદાર કે પછી સુબેદાર નોકરી પર આવે ત્યારે તેમના ફોન બંધ કરીને જેલના ગેટ પર જમા કરાવી દેવાના હોય છે. કોઇ પણ કેદીઓ એકાબીજા સાથે ઝઘડો કરે અથવા તો મારામારી કરે, કેદીઓની તબિયત લથડી હોય તો જેલ સિપાહી તરત તેમની પાસે રહેલા વાયલેસ સેટ દ્વારા તેના ઉપરી અધિકારી કે હોસ્પિટલને જાણ કરતા હોય છે.

૨૫ વર્ષ પહેલાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૫૦ વાયરલેસ સેટ વસાવ્યા હતા. આજે ૫૦ વાયરલેસ પૈકી ૨૬ વાયરલેસ સેટ બંધ હાલતમાં છે ત્યારે ૨૪ વાયલેસ સેટ મૃતઃપાય અવસ્થામાં ચાલી રહ્યા છે. વાયરલેસ સેટ જૂના હોવાથી તેની કનેક્ટિવિટીમાં અનેક મુશ્કેલીઓ આવે છે જૂની જેલથી નવી જેલમાં સંદેશો પહોચાડવો હોય તો ઘણી મુશ્કેલીઓ થાય છે. જેના કારણે જૂની જેલથી નજીકની વ્યકિતને વાયલેસ દ્વારા સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ તે નવી જેલમાં સંદેશો મોકલાવે છે.

થોડાક સમય બાદ જેલમાં ૧૦૦ નવા વાયરલેસ સેટ આવશે. જેમાં ગુજરાતની કોઇ પણ જેલમાં આસાનીથી વાતચીત કરી શકાશે. જેલોની મુખ્ય કચેરીએ ગુજરાતની તમામ જેલોમાં માટે વિદેશથી વાયરલેસ સેટ મંગાવ્યા છે જે આવનારા દિવસોમાં આવી જશે. તમામ વાયલેસનો કંટ્રોલ રૂમ પણ મુખ્ય કચેરીએ હશે

You might also like