ઠંડીનું અપ-ડાઉનઃ અમદાવાદીઓ બીમાર પડ્યા!

અમદાવાદ: અત્યારે સમગ્ર શહેર તીવ્ર ઠંડીના મોજામાં ફસાયું છે. વધઘટ થતી ઠંડીની સિઝન સાથે ગરમી-ઠંડીની બેવડી ઋતુથી ઘેર-ઘેર લોકો વાઇરલ તાવ, શરદી, ગળામાં ઇન્ફેક્શનના રોગોથી પીડાઇ રહ્યા છે. દવાખાનાંઓ દર્દીઓથી ચિક્કાર થઇ રહ્યાં છે.

વહેલી સવાર અને સાંજના સમયે ફુંકાતા ઠંડા પવન અને બર્ફીલી ઠંડીના બે દિવસ પૂર્વે જાણે ઠંડીની વિદાય નિશ્ચિત થઇ ગઇ હતી. ગરમીની શરૂઆત અને ઓચિંતી ઠંડી વધવાના કારણે મેલેરિયા, ઝેરી મેલેરિયા, તાવ, વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી, ગળામાં સોજો આવવો જેવા અનેક બીમારીના કેસો વધી રહ્યા છે. ડબલ સિઝનના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. સાંધાને જકડી લેતા ચિકનગુનિયાના કેસ પણ વધી રહ્યા છે.

આ અંગે એલજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે વાઇરસના રેજિસ્ટન્સ હવે વધી ગયા છે. થોડી ગરમી પછી અચાનક ઠંડી વધવાથી મિશ્ર ઋતુમાં બેકટેરિયાનો પાવર વધે છે અને ઝડપથી શરદી, ખાંસી, તાવ, ઇન્ફેક્શનથી દર્દીઓ પીડાય છે. વાતાવરણના પલટાના કારણે જ વાઇરલ ઇન્ફેક્શન વધે છે. માટે દર્દીએ ખાસ કરીને ડોક્ટરનો સંપર્ક કરીને તાત્કાલિક દવા લઇને ન્યુમોનિયા જેવા રોગથી બચવું જોઇએ.

બાળકોને ખાસ સાચવજો
અત્યારે માત્ર સરકારી જ નહીં, ખાનગી દવાખાનાંઓ પણ દર્દીઓની ઊભરાઇ રહ્યાં છે.  છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન વાઇરલ ઇન્ફેક્શન, તાવ, શરદીના કેસોમાં ૧૦થી ૧પ ટકા વધારો નોંધાયો છે. બાળકોની ઈમ્યુનિટી એટલી સ્ટ્રોંગ ન હોવાના કારણે બાળકો ખૂબ જ ઝડપથી વાઇરલ ઇન્ફેક્શનના સકંજામાં આવે છે. બાળકોમાં શરદી, ખાંસી અને એલર્જીક બ્રોન્કાઇ‌િટસ, વાઇરલ ડાયરિયાની જૂની ફરિયાદો વધી છે. આ સિઝનમાં પોલોન્સ એલર્જી વધે છે. વાતાવરણમાં ફેરફારના કારણે નોવાર્ક વાઇરસ સક્રિય બને છે.

અમદાવાદમાં ઠંડી વધી: ૯.૬ ડિગ્રી
અમદાવાદીઓ માટે છેલ્લા બે દિવસથી કડકડતી ઠંઠીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા હિમ પ્રપાતથી અમદાવાદ થથર્યું છે. આજે તો ગઇ કાલ કરતાં પણ ઠંડીની તીવ્રતા વધુ નોંધાઇ છે. હજુ બે દિવસ હાડ થિજાવતી ઠંડીના રહેશે.
ગઇ કાલે શહેરનું લઘુતમ તાપમાન ૧૦.ર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. જ્યારે સાંજે ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી ગગડ્યો હતો.
આજે અમદાવાદમાં ૯.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. ગઇ કાલે ર૬.૬ ‌ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. આમ સમગ્ર દિવસ દરમ્યાન શહેરીજનોને ઠંડી અનુભવાઇ હતી.
દરમ્યાન છેલ્લાં ૧૦ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ઠંડીનો રેકોર્ડ તપાસતાં ગત તા.૯ ફેબ્રુ. ર૦૧રમાં અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને છેક પ.ર ડિગ્રી સેલ્સિયસે અટક્યો હતો. આજ દિન સુધી આ રેકોર્ડ અકબંધ છે. જોકે ફેબ્રુઆરી મહિનાની ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ ર.ર ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન છે. ગત તા.૬ ફેબ્રુઆરી ૧૯ર૦એ અમદાવાદીઓએ ર.ર ડિગ્રી સેલ્સિયસમાં ઘરઆંગણે કાશ્મીરની કાતિલ ઠંડી અનુભવીને રીતસરના ધ્રુજાવી દીધા હતા.
છેલ્લાં દસ વર્ષની ફેબ્રુઆરી માસની ઠંડી
વર્ષ              ઠંડી          તારીખ
ર૦૧૬        ૧૦.૪        ૧૪
ર૦૧પ       ૧૦.૭        ર૭
ર૦૧૪        ૭.૮          ૧૦
ર૦૧૩        ૧૦.૩       ૧૭
ર૦૧ર        પ.ર          ૦૯
ર૦૧૧        ૧ર.૬        ૧૭
ર૦૧૦        ૧૧.૬        ૧૯
ર૦૦૯        ૧૧.૬        ૦૪
ર૦૦૮        ૦૭.૦        ૦૭
ર૦૦૭        ૧ર.૪         ૦૩
ઓલટાઇમ રેકર્ડ ર.ર 0૬-0ર-૧૯ર૦

http://sambhaavnews.com/

You might also like