અમદાવાદ શહેરમાં વહલી સવારે ઠંડીનો ચમકારો, ગાંધીનગર બન્યું રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર

અમદાવાદ: ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે જ સવારથી અમદાવાદીઓને શિયાળાની ઠંડીનો હળવો ચમકારો અનુભવાયો હતો. સવારની શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ મોર્નિંગ વોકર અને દૂધ લેવા જતી ગૃહિણીઓ ઠંડાગાર ફૂંકાતા પવનથી ધ્રૂજી ઊઠ્યા હતા. દરમિયાન આગામી બે દિવસમાં ઠંડીની તીવ્રતામાં વધારો થશે તેવી આગામી સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા કરાઈ છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ૧૫ નવેમ્બરથી મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન – એમ બંને તાપમાનમાં ઘટાડો થયો હતો અને લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાયું હતું.

શહેરમાં ઠંડીના પ્રકોપમાં ઉત્તર-પૂર્વથી પૂર્વની તરફ ફૂંકાતા ઠંડાગાર પવનથી વૃદ્ધિ થશે તેવી પણ હવામાન વિભાગની આગાહી હોઈ ટાઢથી બચવા લોકો હવે ઘરનાં કબાટ કે મેડા પર મૂકેલાં સ્વેટર, મફલર, ટોપી સહિતનાં ગરમ વસ્ત્રોને પહેરવા માટે કાઢે તો તેમાં નવાઈ પામવા જેવું કશું નહીં હોય. જોકે શિયાળાએ હવે જમાવટ કરતાં આરોગ્યપ્રાપ્તિ માટે સવારે ખાસ ચાલવા જનારા મોર્નિંગ વોકર્સમાં આનંદ ફેલાયાે છે. ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, લો ગાર્ડન સહિતનાં જાણીતાં સ્થળોએ મોર્નિંગ વોકર્સ માટે જાતજાતનાં ને ભાતભાતનાં સ્વાસ્થ્યવર્ધક પીણાંની લારીઓ ધમધમવા લાગશે.

દરમિયાન ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે ૧૩.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું હતું. રાજ્યનાં અન્ય મુખ્ય શહેરોની ઠંડી તપાસતાં સુરતમાં ૧૭.૪, વડોદરામાં ૧૫.૪, રાજકોટમાં ૧૯.૩, ભૂજમાં ૧૯.૩, નલિયામાં ૧૬.૦ અને ડીસામાં ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જોકે આ તમામ મુખ્ય શહેરો ઉપરાંત અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કંડલા અને મહુવામાં પણ આજે ઠંડીનો ચમકારો જોવાયો હતો.

You might also like