Ahmedabad શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ 11.2 ડિગ્રી

અમદાવાદ: રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં ગઇકાલથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે ઠંડીની તીવ્રતામાં સહેજ વધારો થયો હોઇ ગઇકાલની તુલનામાં શહેર વધુ ઠંડુગાર બન્યું છે. શહેરમાં આજે ઠંડીનો પારો ગગડીને ૧૧.ર ડીગ્રીએ સેલ્શિયસે જઇને અટકતા નાગરિકો ધ્રુજી ઉઠ્યા હતા.

શહેરમાં શિયાળાએ જમાવટ કરી હોઇ મોર્નિંગ વોકર્સમાં ઉત્સાહ ફેલાયો છે. મોર્નિંગ વોકીંગ કરતાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પીણાની ડિમાંડ વધી છે. બીજી તરફ ફલેટ, સોસાયટી કે સ્લમ વિસ્તારમાં તાપણા કરીને હાડ થિજાવતી ઠંડી સામે લોકો રક્ષણ મેળવી રહ્યા છે.

ઠંડા પવનના કારણે સવારથી શહેરીજનો ધ્રુજી ઉઠે છે. ખાસ કરીને સવારે શાળા-કોલેજ જનારા વિદ્યાર્થીઓ અને દુધ લેવા જનારી ગૃહિણીઓને ઠંડી વધુ આકરી લાગી રહી છે આજે શહેરનું લઘુત્તમ તાપમાન ૧૧.ર ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા બે ડિગ્રી ઓછું હતું. જ્યારે મહત્તમ તાપમાન પણ ર૬ ડિગ્રી સેલ્શિયસ રહેવાની શકયતા હોઇ આજે દિવસભર ઠંડીની અસર વર્તાશે. આગામી ચાર દિવસમાં ઠંડી દશ ડિગ્રી થવાની શકયતા પણ સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ દર્શાવી છે.

દરમ્યાન રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની ઠંડીની વિગત જોતા વડોદરા ૧ર.૧, સુરત ૧૭.૮, રાજકોટ ૧ર.પ, ભુજ ૧ર.૪ અને ગાંધીનગરમાં ૧૧.ર ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં ગઇકાલની ઠંડીની તુલનામાં રાહત મળી હોઇ ત્યાં ૯.૮ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

You might also like