અમદાવાદ સહિત રાજ્યમાં હવે ગુલાબી ઠંડીનો અનુભવ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં હવે સવારમાં અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. સાથે સાથે તાપમાનમાં પણ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આજ કારણસર બાળકો અને લોકો માંદગીમાં સપડાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહ્યું હતું જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૧૮.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આવી જ રીતે રાજકોટમાં ૧૯.૭, સુરતમાં ૨૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૪.૬ ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં પણ તાપમાનમાં ફેરફારની સ્થિતિ યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

અમદાવાદમાં પારો હજુ ગગડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ઓછા તાપમાનની ચેતવણી જારી કરી નથી પરંતુ તાપમાનમાં ઘટાડો થાય તેવા સંકેત દેખાયા છે. આગામી દિવસોમાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી શકે છે. અમદાવાદમાં હાલમાં બે સીઝન એકસાથે ચાલી રહી છે. જેના પરિણામ સ્વરૂપે લોકો ભારે પરેશાન થઈ ગયા છે. ચારેયબાજુ ઈન્ફેક્શન અને રોગચાળો જોવા મળી રહ્યો છે. જેમાં શરદી, ઉધરસ, તાવ અને ગળાના ઈન્ફેક્શનનો સમાવેશ થાય છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ ઉમટી રહી છે. નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે હાલની શરદી-ગરમીની સીઝનમાં ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. કારણકે, તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

આ સ્થિતિ હાલ યથાવત રહે તેવી શક્યતા છે. ઓછા તાપમાન માટેની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ નવેમ્બર મહિનામાં હવે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી અપેક્ષા મુજબ ઓછી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જોકે રાત્રિ ગાળામાં હળવી ઠંડીનો અનુભવ હવે થવા લાગ્યો છે.

You might also like