કોઈ પણ પીચ પર જીતવા સક્ષમ છીએઃ કેપ્ટન વિરાટ

ઇન્દોરઃ ટીમ ઇન્ડિયાનાે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ખુશખુશાલ છે કે તેના બોલર્સ ન્યૂઝીલેન્ડની ટીમને એવી પીચ પર હરાવવામાં સફળ રહ્યા, જે સંપૂર્ણપણે ઉછાળભરી નહોતી, પરંતુ આના પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિરાટની સેના કોઈ પણ પીચ પર હરીફ ટીમને ધૂળ ચટાડવા સક્ષમ છે. વિરાટ કોહલીએ મેચ બાદ પત્રકારોને જણાવ્યું, ”અમે શ્રેણી પહેલાં જાણતા હતા કે લોકો પીચ અંગે વાત કરવાનું શરૂ કરી દેશે. અમે જાણતા હતા કે પીચ સૂકી નહીં હોય, કારણ કે દરેક જગ્યાએ ચોમાસું ચાલું હતું અને ખાસ કરીને કોલકાતામાં, જ્યાં પીચ નવી બનાવવામાં આવી હતી. અમે અમારી કાબેલિયતને જાણતા હતા અને અમે એ પણ જાણતા હતા કે કોઈ પણ પીચ પર અને કોઈ પણ ટીમ સામે સારું પ્રદર્શન કરવા માટે વધુ સારું પ્રદર્શન કરવું પડશે.”

કોહલીએ કહ્યું, ”અમે યોગ્ય પગલાં ભર્યાં છે. અમને અમારા કૌશલ્ય પર િવશ્વાસ છે. અમે ખુદને વ્યક્ત કરવા ઇચ્છતા હતા. અમે બે મેચ ચાર દિવસની અંદર જીતી લીધી તેથી અમારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે.” હરભજનસિંહના ટ્વિટ અંગે વિરાટને પૂછવામાં આવતાં કોહલીએ કહ્યું, ”નાગપુરમાં રમાયેલી ટી-૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર્સે આ જ ભારતીય ટીમ બોલર્સની સરખામણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જો આ ટર્નિંગ વિકેટ હોત તો પણ તમારે સારી બોલિંગ કરવી પડે છે. ફક્ત પીચથી જ ટર્ન નથી મળતો. એ નિર્ભર કરે છે કે તમે બોલને કેટલો ટર્ન કરી શકોછો અને તમારે ખભાનો ઉપયોગ પણ કરવાનો હોય છે. જ્યારે અમે વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા હતા, મને યાદ છે કે અચાનક ન્યૂઝીલેન્ડના સ્પિનર શાનદાર બોલર બની ગયા હતા, પરંતુ હવે કોઈ એ અંગે વાત નથી કરી રહ્યું.

વિરાટે વધુમાં જણાવ્યું, ”આ જ ન્યૂઝીલેન્ડના સ્પિનર ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યા છે, તેઓ શા માટે વિકેટ ઝડપી ના શક્યા? અમારા ફાસ્ટ બોલર્સે દરેક સ્થળે વિકેટ ઝડપી છે. આ ટીમની રમત છે. મારા માટે શ્રેણીની બે સૌથી મહત્ત્વની ચીજ રહી, એ હતી જાડેજાની કાનપુરમાં પહેલી ટેસ્ટમાં બેટિંગ અને બીજી ટેસ્ટમાં રિદ્ધિમાન સાહાની બેટિંગ અને એ જ ટેસ્ટમાં શામીનું બોલિંગ સ્પેલ. અમે નાનાં નાનાં યોગદાનો પર ધ્યાન રાખીએ છીએ.”

You might also like