૧૩૯ વર્ષથી પોતાની પરંપરાઓ પર અડીખમ વિમ્બલ્ડન

લંડનઃ ધ ચેમ્પિયનશિપ વિમ્બલ્ડન, જેને સામાન્ય રીતે વિમ્બલ્ડન કહેવામાં આવે છે, દુનિયાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ છે. વિમ્બલ્ડન, લંડનની ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં ૧૮૭૭થી રમાઈ રહી છે. વિમ્બલ્ડન ચાર ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંની એક છે. ૧૯૮૮માં ઓસ્ટ્રેલિયન ઓપનના હાર્ડકોર્ટ પર રમાયા બાદ આ એકમાત્ર ગ્રાસ કોર્ટ ટૂર્નામેન્ટ બચી છે. આ વર્ષે આ ટૂર્નામેન્ટ ૨૭ જૂન, સોમવારથી શરૂ થઈ રહી છે.

વિમ્બલ્ડનના આયોજનની જવાબદારી ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રોક્વેટ ક્લબ લિમિટેટ ‘ધ ક્લબ’ કરે છે. આની સ્થાપના ૨૩ જુલાઈ, ૧૮૬૮ના રોજ ધ ઓલ ઈંગ્લેન્ડ ક્રોક્વેટ ક્લબના નામથી થઈ હતી. ઘણી વાર નામ બદલાયું, છેવટે તા. ૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ આને કંપનીમાં બદલી નાખવામાં આવી.

ટેસ્ટ ક્રિકેટની જેમ ફક્ત વ્હાઇટ ડ્રેસ ફરજિયાત
ટેસ્ટ ક્રિકેટની જેમ અહીં પણ દરેક ખેલાડીએ વ્હાઇટ ડ્રેસ પહેરવો ફરજિયાત છે. સમયની સાથે તેમાં થોડી છૂટ આપવામાં આવી છે ખરી, પરંતુ કપડાં પર કોઈ પણ સ્પોન્સર કે બ્રાન્ડના લોગોની
છૂટ નથી. આમાં ફક્ત કિટ બનાવનારી કંપનીના લોગોની જ છૂટ છે. દરેક ખેલાડીએ આ નિયમ પાળવો પડે છે.

કેટલીક પરંપરાઓ વિવાદાસ્પદ
સૌથી પહેલાં સેન્ટર કોર્ટ પર આવતા અને જતા સમયે ખેલાડીએ રોયલ બોક્સ તરફ ઝૂકીને શાહી પરિવારના સભ્યોનું અભિવાદન કરવું પડતું હતું, પરંતુ હવે ફક્ત મહારાણીની હાજરીમાં જ આવું કરવું પડે છે.

ખાસ આમંત્રિતો માટે ડ્રેસ કોડ
૭૪ બેઠકવાળા રોયલ બોક્સનો ઉપયોગ ૧૯૯૨થી વિમ્બલ્ડનના મહેમાનો અને મિત્રો માટે થાય છે, એમાં બ્રિટિશ શાહી પરિવાર ઉપરાંત વિદેશના મહેમાન પણ સામેલ હોય છે. પુરુષોએ સૂટ અને ટાઇ પહેરવી, જ્યારે મહિલાઓએ પણ સભ્ય વસ્ત્રોમાં આવવું ફરજિયાત છે.
• 253 કરોડ રૂપિયા ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ છે.
• 20 કરોડ રૂપિયા સિંગલ્સ ખિતાબ વિજેતાને મળે છે.
• 10 કરોડ રૂપિયા રનર-અપ ખેલાડીને મળે છે.
• 05 કરોડ રૂપિયાની ઇનામી રકમ સેમિફાઇનલિસ્ટને મળે છે.

સૌથી વધુ મિક્સ ડબલ્સ ખિતાબ પેસે જીત્યા છે
ગત વર્ષે સાનિયા મિર્ઝાએ માર્ટિના હિંગિસ સાથે મહિલા ડબલ્સનો અને લિએન્ડર પેસે હિંગિસ સાથે મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. પેસ અને ઓસ્ટ્રેલિયાના ઓવેન ડેવિડસનના નામે અહીં સંયુક્તરૂપે ઓપન એરામાં સૌથી વધુ મિક્સ ડબલ્સ ખિતાબ (૪-૪) જીતવાનો રેકોર્ડ છે.

You might also like