ઓસી. ઓપનઃ વિલિયમ્સ બહેનો વચ્ચે રમાશે નવમો ગ્રાન્ડસ્લેમ ફાઇનલ મુકાબલો

મેલબર્નઃ અમેરિકાની વિલિયમ્સ બહેનો સેરેના અને વીનસ વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સનો ફાઇનલ મુકાબલો રમાશે. આ બંને બહેનો વચ્ચે નવમી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ હશે. આ બંને બહેનો વચ્ચે અંતિમ વાર ૨૦૦૯માં વિમ્બલ્ડનની ફાઇનલ મેચ રમાઈ હતી. રેન્કિંગમાં બીજા સ્થાને રહેલી સેરેનાએ બીજી સેમિફાઇનલમાં ક્રોએશિયાની મિરજાના લૂસિકને ૬-૨, ૬-૧થી આસાનીથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તે રેકોર્ડબ્રેક ૨૩મા ગ્રાન્ડસ્લેમ ખિતાબથી માત્ર એક કદમ દૂર છે. સેરેના પોતાના સાતમા ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ તરફ આગળ વધી રહી છે. જો સેરેના આ ખિતાબ જીતી જશે તો તે વિશ્વ નંબર વનનું રેન્કિંગ પણ હાંસલ કરી લેશે. એન્જલિક કર્બરે ગત વર્ષે સેરેનાને ટોચના સ્થાનેથી હટાવી દીધી હતી.

વીનસ વિલિયમ્સે ગઈ કાલે પોતાના જ દેશની કોકો વાંડવેઘેને જોરદાર સંઘર્ષ બાદ હરાવીને ઓસી. ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. વીનસે ૧૪ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ૩૬ વર્ષીય વીનસે સંઘર્ષપૂર્ણ સેમિફાઇનલમાં એક સેટથી પાછળ રહ્યા બાદ વાપસી કરી વાંડવેઘેને ૬-૭, ૬-૨, ૬-૩થી હરાવી. ૧૩મી ક્રમાંકિત વીનસ આઠ વર્ષમાં પહેલી વાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ૨૦૦૩માં ફાઇનલમાં પોતાની નાની બહેન સેરેના સામે હારી ગઈ હતી. ૨૫ વર્ષીય વાંડવેઘેએ સેમિફાઇનલ સુધીની સફરમાં વિશ્વની નંબર વન કર્બર અને ફ્રેન્ચ ઓપન વિજેતા ગર્બાઇન મુગુરુઝાને હરાવી હતી, પરંતુ તે સેમિફાઇનલમાં વીનસને હરાવી શકી નહોતી.

ફેડરર શાનથી ફાઇનલમાં પ્રવેશ્યો
મેલબર્નઃ ૧૭ વારના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ગઈ કાલે અહીં પાંચ સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં સ્વિટ્ઝર્લેન્ડના જ અને પોતાના ખાસ મિત્ર સ્ટેન વાવરિન્કાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના પુરુષ સિંગ્લસની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે તે ૪૩ વર્ષમાં ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચનારો સૌથી ઉંમરલાયક ખેલાડી બની ગયો છે. સૌથી મોટી ઉંમરે ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેન રોઝવેલના નામ પર નોંધાયેલો છે. તે ૩૯ વર્ષ, ૩૧૦ દિવસની ઉંમરે ૧૯૭૪માં યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.
૩૫ વર્ષીય ફેડરરે દુનિયાના ચોથા નંબરના ખેલાડી વાવરિન્કાને ત્રણ કલાક, પાંચ મિનિટમાં ૭-૫, ૬-૩, ૧-૬, ૪-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. હવે તે આગામી રવિવારે રમાનારી ફાઇનલમાં રાફેલ નડાલ અને ગ્રિગોર દિમિત્રોવ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

પેસ-હિંગિસની જોડી બહાર
મેલબર્નઃ ભારતીય દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને તેની જોડીદાર સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસની જોડી ગઈ કાલે મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં હારીને વર્ષની પહેલા ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગઈ છે. ઇન્ડો-સ્વિસ જોડી કોઈ જ સંઘર્ષ કર્યા વિના માત્ર ૫૫ મિનિટમાં સેમ્યુઅલ અને સ્ટોસુરની જોડી સામે ૩-૬, ૨-૬થી મેચ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન જોડીએ શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ જમાવી દઈને ૧૨ એસ ફટકારી હતી, જ્યારે ઇન્ડો-સ્વિસ જોડીએ નવ એસ ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયન જોડીએ મેચમાં કુલ ૨૯ વિનર્સ લગાવ્યા હતા અને કુલ ૯૩ પોઇન્ટમાંથી ૫૬ પોતાના નામે કર્યા હતા. આ જોડીએ સાત બ્રેક પોઇન્ટમાંથી ચાર પોતાના નામે કર્યા. પેસ-હિંગિસની જોડી ઓસ્ટ્રેલિન જોડી સામે મેચમાં ક્યારેય ટકી શકી નહોતી.
http://sambhaavnews.com/

You might also like