ભાજપનું ‘મિશન બંગાળ’મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરું?

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ર૦૧૯ માટે ‘મિશન બંગાળ’ શરૂ કરવા મિદનાપુરના પ્રવાસે ગયા હતા. જેમાં તેમણે મિદનાપુરમાં એક જંગી રેલીને સંબોધી હતી. રેલીમાં તેમણે ખરીફ પાકના લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાના કેન્દ્રના નિર્ણય અંગે લોકોને માહિતગાર કર્યા ગયા હતા.

મિદનાપુર મુખ્યપ્રધાન મમતા બેનરજીનો ગઢ છે. તેથી લોકસભાની ચૂંટણી પહેલા જ આ વિસ્તારમાં ભાજપનુ સ્થાન મજબૂત કરવા વડા પ્રધાન મોદીએ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘મિશન બંગાળ’નો આરંભ કર્યો છે. મોદી કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષમાં ખેડૂતો માટે હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે પશ્ચિમ બંગાળના લોકોને માહિતગાર કરીને મમતા બેનરજીના સમર્થકોને ભાજપ તરફ આકર્ષિત કરવા પ્રયાસો કર્યા હતા. ત્યારે બીજી તરફ રાજકીય સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપનું આ મિશન ખરેખર સાર્થક નિવડશે ખરું?

મિદનાપુરમાં યોજાયેલી આ રેલીમાં કિસાનો દ્વારા વડા પ્રધાન મોદીનું અભિવાદન કરવામાં આવ્યુ હતું. રેલીમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ જણાવ્યું હતું કે મિદનાપુરમાં વડા પ્રધાન મોદીની આ રેલી ઐતિહાસિક બની રહેશે. મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાતે પક્ષના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહનો સંચાર કર્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે મિદનાપુરમાં મોદીની રેલી એ બતાવે છે કે લોકસભાની ચૂંટણી માટે બંગાળ અમારા સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવતાં રાજ્યોમાંનું એક છે. અમે લઘુતમ સમર્થન મૂલ્ય વધારવા વડા પ્રધાનનું અભિવાદન કરવા માગીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે વડા પ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં હજુ વધુ પાંચ રેલીઓને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત ર૯ જૂને પુરુલિયા જિલ્લામાં જાહેરસભાને સંબોધી હતી અને તેના માત્ર ૧પ દિવસ બાદ જ મિદનાપુરમા વડા પ્રધાન મોદીની આ રેલી યોજાઇ હતી.

અમિત શાહે ગત મહિનામાં સ્થાનિક નેતાઓને રાજ્યની લોકસભાની ૪ર બેઠક પૈકી રર બેઠક પર ‌િવજય હાંસલ કરવાનું લક્ષ્ય આપીને જણાવ્યું હતું કે ભાજપ ચોક્કસપણે રર બેઠક જીતશે. પશ્ચિમ બંગાળનાં વિવિધ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પંંચાયતોની પેટા ચૂંટણીમાં એક મજબૂત પક્ષ તરીકે ઊભરી આવ્યો છે.

બીજી તરફ સંસદનુ મોનસૂન સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી સામે પડકાર ફેંકયો છે કે તેઓ સંસદમાં મહિલા અનામત ખરડો પાસ કરી બતાવે. આ ખરડો આઠ વર્ષથી સંસદમાં અટવાયેલો છે. યુપીએના શાસન વખતે આ ખરડો રજૂ કરાયો હતો.૨૦૧૦માં રાજ્યસભામાં આ ખરડો પસાર કરાયો હતો, પરંતુ ત્યારબાદ લોકસભામાં આ ખરડો પસાર થઈ શકાયો નથી.

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં વડા પ્રધાન મોદીએ ૩૪૦ કિલોમીટરના પૂર્વાંચલ એક્સ્પ્રેસ વેની શિલારોપણ વિધિ કરી ત્યારે કૉંગ્રેસ પર તેઓ વરસી પડ્યા હતા. કૉંગ્રેસને આડે હાથે લેતા વડા પ્રધાને જણાવ્યુ હતું કે કૉંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે. કૉંગ્રેસ જ આ મહિલા આરક્ષણ ખરડાને લોકસભામાં પસાર થવા દેતો નથી અને ભાજપને સંસદ ચલાવવા જ દેતો નથી. તો કોઈ ખરડો કેવી રીતે પસાર કરી શકાય? તેની સામે બીજે દિવસે રાહુલ ગાંધીએ તેનો જવાબ આપ્યો હતો અને વડા પ્રધાનને પડકાર ફેંકયો હતોે.

તો વળી રાજકીય ગલિયારામાં એવી ચર્ચા ચાલે છે કૉંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે એ કહેવામાં રાહુલે ખાસ કાંઈ ખોટું કહ્યું હોય એવું પણ નથી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સમયથી જ કોંગ્રેસની આ નીતિ રહી છે અને કોંગ્રેસના (અત્યારના સમયના) છેલ્લા વડા પ્રધાન મનમોહન સિંહે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે, ‘દેશના કુદરતી સ્ત્રોતો પર સૌથી પહેલો દાવો મુસ્લિમોનો છે.’

તેમનું આ નિવેદન કયા આધારે કરાયું હતું એ કહેવું મુશ્કેલ છે. થોડા સમય પહેલાં એક કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં દેશમાં કોેમી હુલ્લડો થવાની શક્યતા છે. આવાં નિવેદનો કરીને કૉંગ્રેસ ભાજપની અને મોદીની છબિ ખરડવાની કોશિશ કરે છે, પણ તેમનો આ દાવ વિફળ થશે, એમ કહીએ તો એમાં ખોટું નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દા પર લડાઈ હતી, હવે આ ચૂંટણીને કોમી રંગ અપાશે એવી ભીતિ દર્શાવાઈ રહી છે.

You might also like