મુખ્યપ્રધાનપદના કંટકછાયા પંથે શશિકલાનું પ્રયાણ

નવી દિલ્હી :  જે. જયલલિતાના અવસાન પછી તામિલનાડુના રાજકારણમાં અનુમાન અનુસારના અપેક્ષિત પરિવર્તનનો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીપદે પનિરસેલ્વમની વરણી કામચલાઉ ધોરણે હોવાનું એ સમયે જ કહેવાઈ રહ્યું હતું. પોતાને ચેનમ્મા તરીકે પ્રચારિત કરનારાં દિવંગત જયલલિતાનાં અત્યંત નિકટનાં અને વિશ્વાસુ શશિકલા નટરાજને સૌ પ્રથમ અન્ના ડીએમકે પક્ષનું મહામંત્રી પદ હાંસલ કર્યું.

મહત્ત્વાકાંક્ષી શશિકલા મુખ્યમંત્રી પદ પણ કબજે કરશે એવી નક્કર ધારણા હવે જયલિલતાના અવસાનના બે મહિના પછી વાસ્તવિકતા બનવા જઈ રહી છે ત્યારે અન્ના ડીએમકેના નેતાઓથી માંડીને કાર્યકરો સુધીના દરેક તબક્કે શશિકલાને નેતા તરીકે સ્વીકારવામાં સર્વસંમતિ પ્રવર્તતી નથી.

વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવવાની સાથે જ તેમની વિરુદ્ધમાં અસંમતિના સ્વર પણ ઊઠવા લાગ્યા છે. તેમનાં નેતૃત્વ સામે પક્ષમાંથી પડકાર ઊભો થતાં સમય લાગે એવું બની શકે. પણ સ્વ. જયલલિતાનાં ભત્રીજી દીપાએ તો સમાંતર પક્ષ ઊભો કરીને શશિકલાના નેતૃત્વને પડકારવાનું નક્કી કરેલું છે.

ત્યારે અન્ના ડીએમકેના જ બળવાખોર નેતા અને રાજ્યસભાનાં સભ્ય પી. શશિકલા ચંદ્રન પણ ચિનમ્માના માર્ગમાં અવરોધ ઊભા કરવા તત્પર છે. કરૂણાનિધિના રાજકીય વારસદાર બનેલા ડીએમકેના યુવા નેતા સ્ટાલિન પણ અન્ના ડીએમકે પાર્ટીની ભીતર શશિકલા સામેના અસંતોષને ભડકાવીને શાસક પક્ષની આંતરિક ફૂટનો રાજકીય લાભ લેવા તત્પર બન્યા છે.

આવા રાજકીય માહોલ વચ્ચે શશિકલા તામિલનાડુના મુખ્યપ્રધાન પદનો તાજ ધારણ કરે એ પછી પણ તેમની સામે અનેક પ્રકારે મુશ્કેલીઓ ખડી થતી રહેવાની છે અને તેમાંની એક મુશ્કેલી આવક કરતાં વધુ સંપત્તિના કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસની છે. જે પ્રકારનો કેસ જયલલિતા સામે હતો, એવો જ કેસ શશિકલા સામે પણ છે અને જયલલિતા સાથે જ તેઓ પણ જેલમાં ગયાં હતાં.

શશિકલા ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી દિવંગત જયલલિતાનાં અંતરંગ સાથી અને સહયોગી રહ્યાં હતાં, પરંતુ આ બાબત રાજ્યના મુખ્યપ્રધાન બનવા માટેની લાયકાત ગણાય કે કેમ એ સવાલ છે. એક મહત્ત્વની વાત એ પણ છે કે અત્યંત નિકટતા છતાં જયલલિતાએ ક્યારેય શશિકલાને પોતાની રાજકીય વારસ ગણાવી ન હતી. તેમને ક્યારેય પક્ષ કે સરકારમાં કોઈ હોદ્દો આપ્યો ન હતો. જોકે શશિકલા પક્ષના નિર્ણયોની પ્રક્રિયામાં સામેલ રહેતાં. જયલલિતાની બીમારીના સમયે સારવાર કરતા ડૉક્ટરો ઉપરાંત માત્ર શશિકલાને જ તેમનાં સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ જાણકારી રહેતી હતી.
આ બધી હકીકતો શશિકલાના રાજ્યના મુખ્યપ્રધાન બનવા માટેની યોગ્યતા ગણવામાં આવતી હોય તો એ રાજનીતિમાં નવા પ્રકારની યોગ્યતા ગણાશે, પરંતુ શશિકલા મુખ્યપ્રધાન બની જાય તો પણ પક્ષમાં એક મોટો વર્ગ એવો છે કે જે શશિકલા અને તેમના પરિવારને સારી નજરે નિહાળતો નથી. બલકે જયલલિતા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોના મૂળમાં શશિકલા હોવાનું માને છે.
શશિકલા રાજ્યના મુખ્યપ્રધાન તો બનશે પરંતુ વહીવટના અનુભવનો અભાવ તેમને ડગલે ને પગલે નડવાનો છે, કેમ કે ભૂતકાળમાં સરકારમાં તેમની કોઈ ભૂમિકા રહી નથી. તેઓ ધારાસભ્ય પણ ક્યારેય રહ્યાં નથી એથી વહીવટીતંત્ર અને સંસદીય કામગીરીનો કોઈ અનુભવ તેમને નથી. આ કામગીરી તેમના માટે સાવ નવી બની રહેશે. ભારતનાં સારા પ્રશાસનવાળાં રાજ્યોમાં તામિલનાડુનો સમાવેશ થાય છે, એવા રાજ્યને તદ્દન બિનઅનુભવી મુખ્યપ્રધાન કઈ દિશામાં લઈ જશે એ જોવાનું રહેશે. તામિલનાડુ આજકાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રે સંકટને
કારણે ખેડૂતોની આત્મહત્યાનો ગંભીર પ્રશ્ન છે. સરકારે અગાઉ મફત સોગાદનાં આપેલાં વચનો કેવી રીતે પૂરાં કરવાં એ સવાલ છે. આંશિક દારૂબંધીને કારણે રાજ્યની આવકને ફટકો પડ્યો છે. કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં
સંતુલન જાળવવાનું કપરું કામ પણ તેમણે કરવું પડશે. આ સંજોગોમાં શશિકલાની સૌપ્રથમ કસોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં થશે. ઉપરાંત મુખ્યપ્રધાન બન્યા પછી તેમણે રાજ્ય વિધાનસભામાં ચૂંટાવું પડશે. શશિકલાને જનમતનું કેટલું સમર્થન છે તેનું આકલન આ ચૂંટણી દ્વારા થશે.

You might also like