મોદી સરકારની પ્રાથમિકતા બદલવાની નીતિ સફળ રહેશે?

નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના કેન્દ્રીય સામાન્ય બજેટને એનડીએ સરકારના પોલિટિકલ કોર્સ કરેકશનના પ્રયાસ તરીકે જોઇ શકાય. આ બજેટ પરથી એવું લાગે છે કે મોદી સરકારની પ્રાથમિકતાઓ બદલાઇ ગઇ છે. બજેટમાં જે રીતે કૃષિ, ગ્રામીણ અને સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે અત્યાર સુધી મોદી સરકારની જે પ્રાથમિકતા હતી તે અચાનક બદલાઇ ગઇ છે. ભાજપને હવે સમજાઇ ગયું છે કે મૂડીવાદીઓ એનઆરઆઇ અને મધ્યમ વર્ગને સાથે રાખવાની રણનીતિ તેને રાજકીય રીતે ફાયદાકારક પુરવાર થશે નહીં. એટલા માટે મોદી સરકારે સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા આર્થિક સુધારાનો મોહ ત્યાગીને હવે કિસાનો અને ગરીબોની નજીક આવવાનો પ્રયાસ કર્યો છે.
જે મનરેગાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હજુ ગઇ સાલ જ કોંગ્રેસી કુશાસનનું સ્મારક ગણાવ્યું હતું અને જેને ધીમે ધીમે નાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો તે જ મનરેગા માટે આ બજેટમાં રૂ.૩૮,૦૦૦ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. ધનિકો અને કેટલીક હદે મધ્યમ વર્ગના ખિસ્સામાંથી પૈસા કાઢીને ગ્રામીણ અને કૃષિ સમુદાયને ખુશ રાખવાની રણનીતિ હવે મોદીએ અપનાવી છે.
કેન્દ્રીય સામાન્ય બજેટમાં કૃષિક્ષેત્ર અને ગ્રામીણ વિકાસ માટે અનેકવિદ્ય યોજનાઓની જાહેરાત કરીને નાણાપ્રધાન અરુણ જેટલીએ દેશના કૃષિ અને ગ્રામ્ય વિકાસને વધુ પ્રોત્સાહન અને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે તેમનું બજેટ નવ સ્તંભ પર આધારિત છે જેમાં ફાઈનાન્સિયલ ફેક્ટર, ટેક્સ રિફોર્મ, એગ્રીકલ્ચર, રુરલ, સોશિયલ, રોજગાર, ધિરાણ, મૂડીરોકાણ અને ગવર્નન્સનો સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્ર માટે નાણાપ્રધાન અરુણ જેટલીએ રૂ. ૩૫,૯૮૪ કરોડ ફાળવ્યા છે. ગ્રામ્ય ક્ષેત્ર માટે રૂ. ૮૭,૭૬૧ કરોડના બજેટની ફાળવણી કરી છે. એ જ રીતે મનરેગા માટે રૂ. ૩૮,૫૦૦ કરોડની જંગી ફાળવણી કરી છે. સાથે સાથે નાણાપ્રધાન અરુણ જેટલીએ પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૯૭,૦૦૦ કરોડ ફાળવ્યા છે. એટલું જ નહીં ગ્રામ્ય વીજળીકરણ અંગે મહત્ત્વની જાહેરાત કરતા કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે ૧ મે, ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી જશે. એ જ રીતે નાણાપ્રધાન અરુણ જેટલીએ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ.૨,૨૧,૨૪૬ કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત સિંચાઈ પ્રોજેક્ટ માટે
રૂ.૧૭૦૦૦ કરોડ ફાળવવામાં
આવ્યા છે.
ગરીબ મહિલાઓને એલપીજી કનેકશન આપવા માટે રૂ. બે હજાર કરોડનો મેગા પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત જન ઔષધિ યોજના હેઠળ લોકોને સસ્તા ભાવે દવા આપવા માટે ૨૦૧૬-૧૭માં ૩૦૦૦ સ્ટોર ખોલવામાં આવશે. નેશનલ ડાયાલિસિસ સર્વિસ પ્રોગ્રામ હેઠળ જિલ્લા હોસ્પિટલોમાં ખાસ ડાયલિસિસ સુવિધા કેન્દ્રો ખોલવામાં આવશે. ૧૦૦ ગામોનું વિદ્યુતીકરણ કરવામાં આવશે તેમજ ગ્રામ્ય ક્ષેત્ર માટે ૮૭,૭૬૧ કરોડની ફાળવણી થઇ કરવામાં આવી છે. જ્યારે ડિજિટલ લિટર્સી સ્કીમ હેઠળ છ કરોડ ગ્રામીણવાસીઓને જોડવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને વધારાની રૂ. ૩૦,૦૦૦ની રાહત સ્વાસ્થ્ય સેવામાં આપવામાં આવશે.
આ ઉપરાંત પીએમ ગ્રામ્ય સડક યોજના હેઠળ દેશના રોડ પ્રોજેક્ટ માટે સરકારે ૯૭,૦૦૦ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. રોડ અને રેલવે પર વિક્રમજનક ૨.૧૮ લાખ કરોડનો ખર્ચ કરવાનો સરકારનો ઇરાદો છે. હાલમાં ભારતીય ઇકોનોમીનો વર્તમાન ગ્રોથ ૭.૬ ટકા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય વીમા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરશે તેમજ વિવિધ દાળનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહન આપવામાં આપશે. આ ઉપરાંત સિંચાઇ સ્કીમ પાછળ ૧૭૦૦૦ કરોડ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે.
આમ હવે ખાસ કરીને દેશના કિસાનો અને ગ્રામીણોનો સ્નેહ સંપાદિત કરવા મોદી સરકારે ટ્રેક બદલ્યો છે. આ પ્રકારની પ્રાથમિકતા બદલવા પાછળના બે મુખ્ય હેતુઓ જણાય છે. એક હેતુ રાજકીય છે. તેની પાછળનું ગણિત ચૂંટણીમાં ગ્રામીણ મતદારોને ભાજપ તરફ વાળવાનો છે. બીજો હેતુ આર્થિક પણ જણાય છે.
ગ્રામીણ ક્ષેત્રમાં માગને પ્રોત્સાહન આપવાથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળશે એવું એક ગણિત છે. સાથે સાથે મોદી સરકાર હવે સૂટ-બુટવાળી સરકાર છે એવી ઇમેજ બદલવાનો પ્રયાસ કર્યો છે. જોકે મોદી સરકારે પોતાની રણનીતિમાં સફળતા મેળવવી હશે તો બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી છે તેનો અમલ કરવા માટે સક્રિય બનીને વ્યવસ્થિત તંત્ર ગોઠવવું પડશે.

You might also like