હાર્દિકને સુરતથી અમદાવાદ લવાયો

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલને આજે સુરતની લાજપોર જેલમાંથી અમદાવાદની જેલમાં લાવવામાં આવ્યો છે. આવતીકાલે સોમવારે હાર્દિક ભરતભાઈ પટેલ, દિનેશ ભગવાનભાઈ બાંભણિયા, ચિરાગ ભરતભાઈ પટેલ અને કેતન લલિતભાઈ પટેલને રાજદ્રોહના કેસમાં કોર્ટમાં રજૂ કરાશે.

હાર્દિક પટેલ સહિત ચાર આરોપીઓ સામે ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ રજૂ કરતાની સાથે કોર્ટે તમામ આરોપીઓને ૩૦મીના રોજ હાજર રાખવા જેલ તંત્રને આદેશ કર્યો હતો. જોકે, તે સમયે હાર્દિકને કોર્ટમાં રજૂ કરાયો ન હતો ત્યારે સોમવારે આરોપીઓને પહેલીવાર મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ માટે પહેલાંથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોર્ટમાં આવતીકાલે તમામ આરોપીઓને ચાર્જશીટની નકલ આપશે અને ત્યારબાદ કેસ કમિટ સહિતની કાર્યવાહી કરશે.

ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિતના ૪ પાટીદાર આગેવાન સામે આજીવન કેદ થઈ શકે તેવી ૧૨૧(એ), ૧૨૪(એ) સહિતની ગંભીર કલમો સાથે ૨૭૦૦ પાનાંની ચાર્જશીટ ફોજદારી કોર્ટમાં રજૂ કરી હતી. આરોપીઓ સામે રાજ્ય સરકારને અસ્થિર કરવાના સહિતના ગંભીર આક્ષેપો કરાયા છે.

વિજાપુરમાં જુલાઈ, ૨૦૧૫માં પાટીદાર સમાજે ઓબીસીમાં સમાવેશ કરાવવા માટે રાજ્યભરમાં ઠેર ઠેર ધરણાં, સભા, થાળીઓ વગાડવી, ઘંટનાદ સહિતની વિવિધ કાર્યક્રમો આપી રાજ્ય સરકારને ભીંસમાં લેવાના પૂર્વયોજિત કાવતરાના અનુસંધાને ભડકાઉ ભાષણો કરી અનામત આંદોલનને આગળ ધપાવ્યું છે. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૩ માસની તપાસના અંતે ૫૦૩ સાક્ષીનો સમાવેશ કર્યો છે.

પાટીદાર આંદોલન અંતર્ગત રાજ્યભરમાં ફાટી નીકળેલાં તોફાનોમાં પશ્ચિમ રેલવેને ૫૨ લાખ, ફાયર બ્રિગેડનાં વાહનોને ૨૯ લાખ, એએમટીએસને ૪ કરોડ, બીઆરટીએસને ૩ કરોડ અને એસટી નિગમને ૩૪ કરોડ મળી કુલ ૪૪ કરોડનું નુકસાન થયાનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચે રાજ્યભરમાં જ્યાં તોફાનોની ઘટના બની છે ત્યાંના ૭૭ સ્થાનિક તપાસ અધિકારીનો પણ સાક્ષી તરીકે સમાવેશ કર્યો છે.

You might also like