છ વર્ષથી વિકિલિક્સના સંસ્થાપક અસાંજે એક નાનકડા રૂમમાં રહે છે

લંડન: વિકિલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડનમાં ઇકવાડોરિયમ એમ્બેસીમાં આ મહિને છ વર્ષ પૂરાં થયાં છે. જૂલિયન અસાંજે અહીં ૩ બાય ૬ મીટરના રૂમમાં રહે છે. આ એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ છે. માર્ચ ર૦૧૮થી તેમનું ઇન્ટરનેટ કનેકશન પણ કાપી નાખવામાં આવ્યું છે.

અમેરિકાનો સિક્રેટ ડેટા પોતાની વેબસાઇટ પર લીક કરવાના અને બળાત્કાર જેવા ગંભીર આરોપો બાદ ધરપકડના ડરથી જૂલિયન અસાંજેઅે ર૦૧રમાં ઇકવા‌ડોરિયમ દૂતાવાસમાં આશ્રય લીધો હતો. અમેરિકા તેમની વિરુદ્ધ તપાસ ચલાવી રહ્યું છે. તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી રહી છે.

૪૭ વર્ષીય જૂલિયન અસાંજેને આશ્રય આપનાર ઇકવાડોરનું કહેવું છે કે જૂલિયન અસાંજેના વિચારોની આઝાદી અને પ્રેસ ફ્રિડમને લઇને કોઇ પણ ક્ષણે એવી સ્થિતિ ઊભી થઇ શકે છે કે જ્યારે તેમની જિંદગી ખતરામાં આવી શકે છે.

ઇકવાડોરના પૂર્વ રાષ્ટ્રપતિ રફારલ કોરૈયા જણાવી ચૂકયા છે કે જૂલિયન અસાંજે જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ઇકવાડોરના દૂતાવાસમાં રહી શકે છે. જૂલિયન અસાંજે દૂતાવાસની એક બાલ્કનીમાં આવીને સ્પીચ આપે છે. તેઓ જમીન પર સૂવે છે. તેમના રૂમમાં નીચે એક પથારી, ફોન, સનલેમ્પ, કમ્પ્યૂટર, શાવર, ટ્રેડમીલ અને કીચન છે. જ્યારથી તેઓ દૂતવાસામાં રહેવા આવ્યા છે ત્યારથી તેઓને મળવા આવતા મહેમાનોની સંખ્યા સતત વધી રહી છે.

જૂલિયન અસાંજેના મુલાકાતીઓમાં લેડી ગાગા સહિતનો સમાવેશ થાય છે. દૂતાવાસને પોતાનો સ્ટાફ વધારીને બમણો કરવો પડ્યો છે. દૂતાવાસની બહાર પોલીસ તહેનાત કરવામાં આવી છે. એક નાનકડા દૂતાવાસનું છેલ્લા છ વર્ષથી મહત્ત્વ વધી ગયું છે. જૂલિયન અસાંજે દરરોજ આઠ કિલોમીટર દોડે છે. લંડનના મશહૂર ટીવી ડાયરેકટર કેલ લોચે જૂલિયન અસાંજેને ટ્રેડમીલ ગિફટ કર્યો છે જેના પર તેઓ આઠ કિલોમીઠર દોડે છે.

You might also like