પત્ની વધુ સમય અાપે તે માટે ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી

નવી દિલ્હી: પત્નીનું સમગ્ર ધ્યાન પોતાના પર રહે તે માટે અેક ૩૨ વર્ષીય વ્યક્તિઅે પોતાના ત્રણ વર્ષના સાવકા પુત્રને પટકી પટકીને મારી નાખ્યો એટલું જ નહીં, તેણે બાળકનું ગળું ત્યાં સુધી દબાવી રાખ્યું, જ્યાં સુધી તેના શ્વાસ રોકાઈ ના જાય.

રવિવારે કરાવલનગરમાં બનેલી અા ઘટનામાં અારોપી પિતાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મહેશે સવારે ૬ વાગ્યે અર્જુનને સાથે લીધો અને પત્નીને કહ્યું કે તે બપોર સુધી પાછો ફરશે. તેણે એક કઝિનને અા હત્યાની જાણકારી પણ અાપી.

પોલીસને સાંજે ૮ વાગ્યે ઘટનાની જાણ થઈ. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લાશનો કબજો મેળવી લીધો. અારોપી પિતા બાળકને નજીકની અેક ફેક્ટરીમાં લઈ ગયો હતો. પહેલાં તેણેે બાળકને પટકીને તેનું માથું ફોડી નાખ્યું. ત્યારબાદ તેણે ગળું દબાવીને માસૂમનો જીવ લઈ લીધો. તેણે ક‌િઝનને હત્યાની અને લાશને ઠેકાણે લગાવવાની જાણ પણ કરી દીધી.

નોર્થ-ઇસ્ટ ડેપ્યુટી કમિશનર અોફ પોલીસ અ‌િજતકુમાર સિમલાઅે જણાવ્યું કે એસએચઅો કરાવલનગર સુશીલકુમારે ફેક્ટરીએ જઈ લાશ મેળવી લીધી હતી. અેસએચઅો કુમારે પત્ની કિરણને કહ્યું કે મહેશને કોલ કરો અને કહો કે બાળક જીવિત છે. ગભરાયેલા મહેશે ફોન સ્વિચ અોફ કરી દીધો અને અાનંદવિહાર બસ સ્ટેન્ડે પહોંચી ગયો, જ્યાં પોલીસે તેને ઘેરી લીધો.

કિરણે પોલીસને જણાવ્યું કે મહેશ હંમેશાં તેને ગાળો બોલતો હતો. કિરણનો અાક્ષેપ છે કે મહેશ થોડા થોડા દિવસે દારૂ પીને અાવતો હતો અને ઘરના ખર્ચમાં પણ સહયોગ આપતો ન હતો. મહેશે પોલીસને જણાવ્યું કે મને લાગતું હતું કે મારી પત્નીનું સમગ્ર ધ્યાન બાળક પર રહે છે, તે મારી સાથે સમય વિતાવતી નથી.

પોતાના અગાઉના પતિ સાથે વારંવાર મારી તુલના કરતી હતી. અા બધી બાબતો મને ખૂબ જ ગુસ્સો અપાવતી હતી. પત્નીનું ધ્યાન પોતાના તરફ લાવવા માટે મેં અર્જુનની હત્યા કરી. મહેશે એમ પણ કહ્યું કે તે પત્ની પાસેથી એક બાળક ઇચ્છતો હતો, જેના માટે પત્ની ઇન્કાર કરી રહી હતી.

You might also like