પત્નીનું ગળું દબાવી અાપઘાતમાં ખપાવવા પહેલા માળેથી ફેંકી દીધી

અમદાવાદ: સામાન્ય રીતે ઘરમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ-તકરાર થતાં જ હોય છે, પરંતુ તકરાર ક્યારેક મોટું સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. વેજલપુર વિસ્તારમાં ઝલક ડુપ્લેક્સ નજીક આવેલી સંજરી પાર્ક સોસાયટીમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી પહેલાં માળેથી નીચે ફેંકી દઇ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. વેજલપુર પોલીસે આત્મહત્યા અંગે અકસ્માતે મોત નોંધી તપાસ કરી હતી, જેમાં મૃતકનું ગળું દબાવી બાદમાં રાત્રે નીચે ફેંકી દીધી હોવાનું બહાર આવતાં પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં આવેલા ઝલક ડુપ્લેક્સની સામે સંજરી પાર્કમાં રહેતી સાનિયા મહંમદહુસેન શેખ (ઉ.વ.ર૬) પતિ મહંમદહુસેન અને સિંગની લારી ચલાવતા પિતા સૈદુલ વજુદ્દીન શેખ સાથે રહેતી હતી. મહમંદહુસેન જુહાપુરામાં ખાણીપીણીની લારી ચલાવે છે. જ્યારે સાનિયા ઘરકામ કરતી હતી. ગત ૧૪ મેના રોજ વેજલપુર પોલીસને જાણ થઇ હતી કે સંજરી પાર્કમાં રહેતી સાનિયા નામની યુવતીએ પોતાના ઘરે પહેલા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જેથી વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી અકસ્માતે મોત નોંધી ફરિયાદ લીધી હતી.

પોલીસે આત્મહત્યા અંગેની તપાસ કરી લાશના પીએમનો પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો હતો. જેમાં સાનિયાના ગળાના ભાગે નિશાન જોવા મળ્યાં હતાં. તેનું ગળું દબાવવામાં આવ્યું હોવાનાં લક્ષણો દેખાતાં પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. સાનિયાના પિતા સૈદુલ અને પતિ મહમંદહુસેનની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં મહમંદહુસેને પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મહમંદહુસેને બે લગ્ન કર્યાં છે. જેમાં તેની પ્રથમ પત્ની બિહાર ખાતે રહે છે અને બીજાં લગ્ન સાનિયા સાથે તેણે કર્યાં હતાં. બે લગ્નને લઇ સાનિયા અને મહંમદહુસેન વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. મહંમદ હુસેનનું ઘર ન હોઇ લગ્ન બાદ બંને પતિ-પત્ની સૈદુલ શેખ સાથે જ રહેતી હતી. વારંવાર બંનેની પ્રથમ પત્નીને લઇ બોલાચાલી થતી અને પ્રથમ પત્નીને તલાક આપી દેવા માટે જણાવતી હતી. આ બાબતને લઇ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોઇ મહમંદે પોતાની પત્નીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ૧૪ મેના રોજ રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

જેમાં મહંમદે ઉશ્કેરાઇ સાનિયાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં મોડી રાતે ઉપરના માળેથી નીચે ફેંકી દઇ સાનિયાએ આત્મહત્યા કરી લીધી હોવાનું ઉપજાવી કાઢ્યું હતું. મૃતક યુવતીના પિતા સૈદુલ શેખે જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાના બનાવો બનતા હતા પરંતુ સાનિયા કંઈ પણ કહેતી ન હતી. મહંમદહુસેનની પહેલી પત્ની બિહાર ખાતે રહે છે. પતિ-પત્ની વચ્ચેના અવારનવાર થતાં ઝઘડાના કારણે હત્યા કરવામાં અાવી છે. વેજલપુર પોલીસે આરોપી મહંમદહુસેન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like