હીનાની લાશ પર કપડાં જ ન હતાં, મોબાઈલ પણ ગાયબ

અમદાવાદ: થલતેજના બારોટવાસમાં રહેતી પરિણીતાની તેના પતિએ ગળું દબાવી હત્યા કરી લાશને હેબતપુર ફાટક નજીક બાવળની ઝાડીઓમાં ફેંકી દીધી હતી, જેમાં પોલીસે આરોપી પતિ ચેતનની ધરપકડ કરી છે, પરંતુ આ હત્યા કેસમાં હજુ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ ચેતને જ્યારે હત્યા કરી ત્યારે હિનાએ કપડાં પહેરેલાં હતાં, પરંતુ જ્યારે તેની લાશ મળી ત્યારે શરીર ઉપર એકેય કપડું હતું નહીં. ઉપરાંત તેનો મોબાઇલ પણ ગાયબ છે.

મૃતક હિના બારોટનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ચેતન ઘણું બધું જાણે છે, પરંતુ હકીકત છુપાવી રહ્યો છે. ચેતન સાથે હિના ગુમ થવા બાબતે વાતચીત દરમ્યાન અનેક વખત વિરોધાભાસ જણાતાં પરિવારજનોને ચેતને કંઇક અજુગતું કર્યાની ૧૦૦ ટકા ખાતરી થઇ હતી. જે રાત્રે ચેતને હત્યા કરી તેના બાદ બારોટવાસમાં રહેતા એક યુવક પાસેથી તેણે ર૦૦ રૂપિયાની માગ કરી હતી. સુપરવાઇઝરની પોસ્ટ ધરાવતા ચેતન પાસે રૂ.ર૦૦ ન હતા અને શા માટે તેણે માગ્યા તેના ઉપર પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.

હિનાનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે ચેતને હત્યા બાદ લાશનો નિકાલ કરવા અંગે પ્રયત્નો કર્યા હોઇ શકે જ્યારે તેની લાશ મળી ત્યારે તેના શરીર ઉપર કપડાં ન હતાં તેમજ તેનો મોબાઇલ પણ ગાયબ હતો. આ તમામ બાબતે ચેતન પોતે કંઇ જાણતો ન હોવાનું રટણ કરી રહ્યો છે. જ્યારે હિનાની લાશ મળી ત્યારે હિનાના શરીર પર કેળનાં સૂકાં પત્તાં અને અમુક ઘાસચારો પણ હતો જેથી તેને ઢાંકી દેવાઇ અને ઓળખ ન થાય તેવો પ્રયાસ કરાયો હોઇ શકે. લાશનો નિકાલ કરવા માટે મોડી રાત્રે ચેતન લાશની પાસે પણ જતો હોવાની શંકા પણ વ્યક્ત કરાઇ રહી છે. આરોપી ચેતન ઘણું સત્ય જાણે છે, પરંતુ હકીકત છુપાવી રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે.

You might also like