ઘરનાં દાદરા પરથી પત્ની લપસીને પતિ પર પડતાંં બંન્નેનાં મોત, પુત્રવધૂ ઘાયલ

રાજકોટ : રાજકોટમાં કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ પાછળ રહેતા લોહાણા પરિવારમાં ઘણો વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં પત્નીને બચાવવા જતા પતિએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેનાં પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ઘરમાં જ થયેલ સામાન્ય અકસ્માતમાં પતિ અને પત્ની બંન્નેનું મોત નિપજ્યું હતું.

રાજકોટનાં રાજધામ સોસાયટીમાં રહેતા લોહાણાં પરિવારમાં મંજુલાબેન વિઠ્ઠલાણી અને પતિ નટવરલાલ વિઠ્ઠલાણીનું સીડી પરથી પડી જતા મોત નિપજ્યું હતું. મંજુલાબેનનાં પુત્રને છાતીમાં દુખતું હોઇ તેમની પત્ની ગરમ પાણીનાં શેકની થેલી લઇને ઉપર ચડી રહી હતી. મંજુલાબેન અને નટવરલાલ પણ પાછળ પાછળ સીડી ચડી રહ્યા હતા. જો કે મંજુલાબેનની સાડી દાદરાની રેલિંગમાં ફસાતા તેઓએ પોતાનું સંતુલન ગુમાવ્યુ હતું અને તેઓ પડ્યા હતા. પાછળ રહેલા વિઠ્ઠલભાઇ તેમને બચાવવા જતા અડફેટે ચડ્યા હતા. તે બંન્નેને પકડવા જતા પુત્રવધુ પણ પટકાઇ હતી.

દાદરેથી એકી સાથે ત્રણ લોકો પડ્યા હતા. જેમાં મંજુલાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નટવરલાલ અને પુત્રવધુ નિશાને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નટવરલાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે નિશાબેનની હાલ સારવાર ચાલી રહી છે. જો કે નિશાબેનની સ્થિતી હાલ ખતરાની બહાર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.

You might also like