હજયાત્રા માટે ખાનગી ટ્રાવેલ્સને અપાતો કવોટા રદ કરવા માગણી

અમદાવાદ : સેન્ટ્રલ હજ કમિટી ઓફ ઈન્ડિયાની મુંબઈ ખાતે તાજેતરમાં કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના હજ કમિટીના ચેરમેનો અને સચિવોએ ઉપસ્થિત રહી વિવિધ રજૂઆતો કરી હતી.મુંબઈ ખાતે મળેલી આ કોન્ફરન્સમાં ગુજરાત હજ કમિટીના ચેરમેન પ્રિન્સિપાલ મોહંમદઅલી કાદરી અને સચિવ ઉસ્માન પટેલે ઉપસ્થિત રહી ગુજરાતના હાજીઓને નડતી સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ રજૂઆતો કરી હતી.

ગુજરાત હજ કમિટીના ચેરમેન કાદરીએ હજયાત્રા માટે વર્ષ- ૨૦૧૧ની વસતી ગણતરીને ધ્યાનમાં લેવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું. હજયાત્રા માટે ગુજરાતમાંથી સૌથી વધુ ૫૦ હજારથી પણ વધારે અરજીઓ આવે છે. તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું. મક્કા દુર્ઘટનામાં ગુજરાતના જે ૩૬ હાજીઓ શહીદ થયા તેમાં ૩૪ હાજીઓ ખાનગી ટૂરવાળા હતા, તેને ધ્યાને લઈને કાદરીએ ખાનગી ટ્રાવેલ્સવાળાઓને આપવામાં આવતો હાજીઓનો કવોટા, રદ કરવો, જેથી લેભાગુ સંચાલકો પર લગામ લાવી શકાય તેવો અનુરોધ કર્યો હતો.

કોન્ફરન્સમાં એવી પણ રજૂઆત કરાઈ હતી કે, ૭૦ વર્ષની વ્યક્તિના સાથે એકના બદલે બે વ્યક્તિઓને હજ માટે લઈ જવાની છૂટ આપવામાં આવે કારણ કે જો વૃધ્ધપિતા સાથે યુવાન પુત્ર એકને મોકલવામાં આવે તો બીજા વર્ષે પુત્ર વધૂને હજ માટે જવું હોય તો મેહરમ વિના પ્રશ્નો ઊભા થાય છે તેનું નિરાકરણ લાવી શકાય.

કમિટી દ્વારા હજયાત્રા દરમિયાન કુદરતી આફત કે માનવ સર્જિત આપત્તિમાં શહીદ થનાર પ્રત્યેક હાજીને વળતર આપવા અંગે, યાત્રા દરમિયાન આરોગ્યપ્રદ ભોજનની સુવિધા અંગે, કુરબાની અંગે સમયસર સંદેશો મળે તેવી વ્યવસ્થા તેમજ ફિલ્ડટ્રેનરને વધુ વળતર આપવા પણ રજૂઆત કરાઈ હતી.

You might also like