આ બકરાએ તો ભારે કરી! પોલીસ સ્ટેશનમાં કેમ ચાલી ચર્ચા….

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાંથી ચોરાયેલા બકરાએ મેઘાણીનગર પોલીસને સુરત સુધી દોડાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોરાયેલા બકરાને મુંબઈ લઈ જવાતો હોવાની માહિતીના આધારે પોલીસ સુરત રેલવે સ્ટેશનથી અમદાવાદ લઈ આવી હતી.

ફરિયાદીને બોલાવી બકરાની ઓળખ કરાવતાં તેણે પોતાનો બકરો ન હોવાનું કહેતાં પોલીસ જે બકરાને લઇ આવી હતી તેના મૂળ માલિકને બકરો પરત સોંપી દીધો હતો. બકરાએ મેઘાણીનગર પોલીસને છેક સુરત સુધી દોડાવી પરંતુ છેવટે બકરો ચોરીનો ન હોવાનું સામે આવતા બકરાએ તો ભારે કરી તેની ચર્ચા પોલીસ સ્ટેશનમાં જાગી હતી.

આ અંગેની વિગત એવી છે કે અસારવા વિસ્તારમાં રહેતા એક પરિવારનો બકરો થોડા દિવસ અગાઉ ગાડીમાં કોઈ ચોરી કરી ગયું હતું. પરિવારે પોતાની દીકરીનાં લગ્નમાં આર્થિક મદદ થાય તે માટે બકરાને રાખ્યો હતો. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી.

દરમ્યાનમાં પરિવારના સભ્યને કોઈએ જાણ કરી હતી કે મુંબઈ જતી ટ્રેનમાં તમારો બકરો લઈ જવામાં આવી રહ્યો છે અને ટ્રેન હાલ સુરત ખાતે પહોંચી છે. આ બાબતે તેઓએ મેઘાણીનગર પોલીસને જાણ કરી હતી. ટ્રેન સુરતથી મુંબઈ જવા રવાના પણ થઇ હતી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તાતકાલિક સુરત રેલવે પોલીસને જાણ કરી હતી.

રેલવે પોલીસે માહિતીના આધારે બકરા અને તેની સાથે રહેલી વ્યક્તિને ઝડપી લીધા હતા. અમદાવાદથી પોલીસ સુરત ખાતે બકરાને લેવા પહોંચી હતી. પોલીસ બકરા અને તેની સાથેના માલિકને લઇ અમદાવાદ આવી હતી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બકરાને રાખવામાં આવ્યો હતો. પોલીસે બકરાની સાથે રહેલી વ્યક્તિને બકરા ચોરી બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ બકરો તેણે ખરીદીને લીધો છે.

આ બકરો કોની પાસેથી ખરીદ્યો વગેરેની પૂછપરછ કરવામાં આવી હતી. દરમ્યાનમાં ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી તેના બકરાની ઓળખ પરેડ કરાવતાં ફરિયાદીએ આ બકરો તેનો ન હોવાનું જણાવ્યું હતું. બકરા ચોરીના ડિટેક્શન માટે મેઘાણીનગર પોલીસ હોશે હોશે બકરાને ચોર સાથે અમદાવાદ લઈને આવી હતી.

જો કે ફરિયાદીનો જે બકરો ચોરાયો હતો તે બકરો ન હોવાનું બહાર આવતાં પોલીસ પણ એકદમ નિરાશ થઇ ગઈ હતી. એક બકરા માટે સુરત સુધી દોડી તેની ચર્ચા પોલીસ સ્ટેશનમાં ચાલી હતી.

You might also like