શ્રીગણેશ ઉત્સવ ચતુર્થીને દિવસે જ શા માટે?

ગણેશ ઉત્સવનું માહાત્મ્ય ‘ચતુર્થી’ જ સમજી શકાય તેથી તો કદાચ ગણેશ ઉત્સવ ‘ચતુર્થી’ને દિવસે નહીં આવતો હોય ને? એવું કદીક મનમાં થઈ આવે છે. ગણેશ ઉત્સવ ચતુર્થીને દિવસે આવે છે તે કદાચ ગણપતિની ચતુર્થી અવસ્થા સુધીની સિદ્ધિનો નિર્દેશ કરે છે. સામાન્ય જીવમાત્રની જાગ્રતાવસ્થા, સુષુપ્તાવસ્થા અને સ્વપ્નાવસ્થા એમ ત્રણ અવસ્થા હોય છે પરંતુ જીવ જ્યારે સાધના કરતો સિદ્ધિનાં સોપાનો પ્રાપ્ત કરી લે છે, ત્યારે ચતુર્થી અવસ્થા કે તુરિયાવસ્થાને પામે છે. તેથી ચતુર્થી અવસ્થાની ગણેશની સિદ્ધિનું પ્રતિપાદન કરવા જ આ ઉત્સવ ચતુર્થીને દિવસે આવતો હશે.

વળી ચારના આંકડા સાથે સંકળાયેલા સર્વે વિશિષ્ટતાઓનું ગણપતિ એટલે કે નેતા કે જ્ઞાનમૂર્તિ તત્ત્વવેત્તાએ ધ્યાન રાખવાનું છે તેવું પણ હોઈ શકે. નેતાએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વર્ણોને સાથે રાખવાના છે અને જીવનમાં ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરવાના છે. જરૂર પડે નેતાએ કાર્ય સિદ્ધિ માટે સામ, દામ, દંડ અને ભેદ ચારેય ઉપાય અજમાવવા રહે છે. સાધકે જીવનમાં સાધના માટે વેદાંતમાં કહેલ નીચે પ્રમાણેનાં સાધન ચતુષ્ટયનો અમલ કરવાનો છે.
(૧) નિત્યનિત્યવસ્તુવિવેક
(૨) ઈહામૂત્રાર્થફલભોગવિરાગ
(૩) શમદમાદિષટ્સંપત્તિ
(૪) મુમુક્ષુત્વ
જ્યારે જ્ઞાની તત્ત્વવેત્તાએ નીચેના વેદાંતનાં ચાર મહાવાક્યોનું મનન-ચિંતન અને નિદિધ્યાસન સતત કરવાનું છેઃ
(૧) પ્રજ્ઞાનં બ્રહ્મ।
(૨) અહં બ્રહ્માસ્મિ।
(૩) તત્ત્વમસિ।
(૪) અયમાત્મા બ્રહ્મ।

આમ ચારની સાથે સંકળાયેલ કંઈક કેટલીય વિશિષ્ટ બાબતોનો આ ‘ચતુર્થી’ના દિવસે વિચાર કરીએ તેથી જ કદાચ આ ગણેશ ઉત્સવ ચતુર્થીના દિવસે છે.•

You might also like