શા માટે મીઠું ઓછું ખાવું જોઈએ?

આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ કે મીઠું ઓછું ખાવું. ખાસ કરીને બ્લડપ્રેશર હોય તેવી વ્યક્તિઓને મીઠું સાવ ઓછું ખાવાની અથવા તો બંધ કરી દેવાની સલાહ આપવામાં આવતી હોય છે. તો આપણને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે મીઠું આટલું નુકસાનકારક કેમ? આાજકાલ  કૂદકે અને ભૂસકે રોગ વધી રહ્યા છે. કેટલાક રોગ સાઇલન્ટ કિલર કહેવાય છે. આવો જ એક સાઇલન્ટ કિલર રોગ છે બ્લડપ્રેશર. મોટાભાગે ૪૦ વર્ષની ઉંમર બાદ આ રોગ જોવા મળે છે. ઓછું મીઠું ખાવાની જરૃર માત્ર બ્લડપ્રેશરના દર્દીઓને જ હોય છે એવું બિલકુલ નથી. દરેક વ્યક્તિએ સોલ્ટનું ઇન ટેક ઘટાડવું ખૂબ જરૃરી છે. ગર્ભસ્થ શિશુથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકે બહુ ઓછું મીઠું ખાવું જોઇએ. શું તમે જાણો છો રોજ આપણા શરીરમાં કેટલા મીઠાની જરૃર છે? માત્ર ચારથી પાંચ ગ્રામ!

ઉપરથી મીઠું ક્યારેય નહીં
આપણે છાશ, સલાડ, દહીં, રાયતું, ફળો, સૂપ, જ્યૂસ વગેરેમાં ઉપરથી મીઠું નાખતા હોઇએ છીએ. કેટલીક વ્યક્તિઓ તો આ બધી વસ્તુમાં નાખવા માટે સ્પેશિયલ મીઠાં વાળો મસાલો બનાવે છે. ઘણા લોકોને તો કોઇ પણ ભોજનમાં ઉપરથી મીઠું ખાવાની ટેવ હોય છે. આપણે મીઠું ઓછું કરવા માટે સૌથી પહેલાં તો કોઇ પણ ફ્રૂટ કે સૂપ-સલાડનો ઓરિજિનલ ટેસ્ટ માણતા શીખવું પડશે અને આ માટે આપણે સૂપ, જ્યૂસ કે છાશમાં ચાટ મસાલો કે અન્ય કોઇ પણ મસાલો નાખવાની આદત છોડવી પડશે. પરંપરાગત આદતો બદલો

ઘણાં ઘરોમાં જમવા સાથે અથાણાં, પાપડ, સંભારો ખાવાની આદત હોય છે. તો કેટલાક લોકો રોટલી પર મીઠું, મરચું અને તેલ નાખીને ખાય છે. ઘણાં ઘરમાં રોટલી કે ભાત બનાવતી વખતે તેમાં મીઠું નાખવામાં આવે છે. જનરલ ફિઝિશિયન ડૉક્ટર મિતેશ શાહ જણાવે છે કે, “પાપડ અને અથાણાંમાં મેક્સિમમ મીઠું હોય છે. તેથી આ બે વસ્તુઓથી સાવ દૂર રહેવું. ઘણી વાર આપણને કેટલીક વાનગીઓમાં ઉપરથી મીઠું ભભરાવવાની ટેવ હોય છે તેને છોડવી. ફ્રૂટ કે સલાડ ચાટ મસાલો કે અન્ય કોઇ પણ પ્રકારનો મસાલો નાખીને ન ખાવાં. મીઠાનું પ્રમાણ જો શરૃઆતથી જ ઓછું હશે તો ભવિષ્યમાં બ્લડપ્રેશરથી બચી શકાશે. રસોઈ બનાવતી વખતે ઘણાંને શાક ચઢે એ પહેલાં મીઠું નાખવાની ટેવ હોય છે. આ આદત ખોટી છે. આમ કરવાથી શાકમાં વધુ મીઠું નાખવું પડે છે. શાક ચઢી જાય પછી મીઠું નાખશો તો પણ ચાલશે. કેટલીકવાર લોકો મીઠાંના બદલે સિંધાલુન સારું એમ માનીને તેનો બેફામ ઉપયોગ કરતા હોય છે, પરંતુ તે પણ આરોગ્ય સાથે ચેડાં જ છે. તેના બદલે ડો. શાહ લો સોડિયમ મીઠું વાપરવાની સલાહ આપે છે.

ખાવાનો સોડા કે ફ્રૂટ સોલ્ટ ન વાપરો
ગુજરાતી વાનગીઓ હાંડવો, ઢોકળાં, ભજિયાં, મૂઠિયાં બધામાં આપણે ખાવાનો સોડા નાખતા હોઇએ છીએ. આપણે તો કઠોળમાં પણ ખાવાનો સોડા નાખીએ છીએ. જ્યારે આપણે ખોરાકમાં ખાવાનો સોડા કે ફ્રૂટ સોલ્ટ નાખીએ છીએ ત્યારે તે ખાદ્ય પદાર્થના બધા જ ન્યુટ્રિશિયન્સ ખતમ થાય છે. તેના બદલે તમે ઇનો વાપરી શકો છો.

પ્રોસેસ્ડ ફૂડમાં મીઠાનું વધુ પ્રમાણ
બજારમાં છૂટથી વેચાતાં અને ખરીદાતાં પેક્ડ ફૂડ, ટિન ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડમાં ભરપૂર સોલ્ટ વપરાય છે. બહારના ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટે પ્રિઝર્વેટિવ્સની જરૃર પડે છે. બહારનાં પિકલ્સ, ચીઝ, બટર વગેરેમાં પણ મીઠું વધુ પડતું હોય તેવું આપણે અનુભવ્યું હશે. બધી જ વસ્તુઓને લાંબો સમય ટકાવી રાખવા તેમાં નખાતા પ્રિઝર્વેટિવમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તેથી આવાં ફૂડ ઍવોઇડ કરીને મીઠાનો ઇન્ટેક ઘટાડી શકાય છે.

ભૂમિકા ત્રિવેદી

You might also like