અક્ષત શા માટે શ્રેષ્ઠ છે પૂજનમાં

કોઇ સ્ત્રીને સર્વગુણસંપન્ન પતિ મળ્યો હોય ત્યારે એમ કહેવાય છે કે આ સ્ત્રી જ્યારે કન્યા હશે ત્યારે તેણે આખા બાસમતી ચોખાથી દેવપૂજન કર્યું હશે. ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહેવાય છે. બધાં જ ધાન્યમાં ચોખા સૌથી સફેદ અને ધવલ હોવાથી તેને ખૂબ પવિત્ર અને પૂજન માટે શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ મનાયા છે. બાસમતી ચોખાને સર્વશ્રેષ્ઠ મનાયા છે. ચોખાનો એક પ્રકાર સાઠી ચોખા તરીકે પ્રખ્યાત છે, જે ૬૦ દિવસે પાકીને તૈયાર થાય છે. જે ચોખા શિયાળામાં પાકે અને ખાંડ્યા વગર ધોળા રહે છે તેને શાલિ ચોખા કહેવાય છે. જેને પકવતી વખતે પાણીથી ભરપૂર તેના ક્યારામાં રાખવામાં આવે છે. ચોખાને તાંદુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તાંદુલની જાતના ચોખા સુદામાની પત્નીએ ભગવાન શ્રીકૃષ્ણને ભેટ આપવા સુદામા સાથે મોકલાવ્યા હતા. તે વાતથી સર્વ લોકો અજાણ નથી. સુદામા તથા શ્રીકૃષ્ણ જ્યારે આશ્રમમાં સાંદીપનિ ગુરુને ત્યાં રહી ભણતા હતા ત્યારે તે બંનેને ખેતરમાં કામ કરતા ભૂખ લાગે તો ગુરુમાતા તાંદુલની પોટલી આપતા હતા.

સ્વસ્તિક એ સૌભાગ્ય, વૈભવ, સમૃદ્ધિની અઢળકતાનું પ્રતીક છે. આ પ્રતીકને ચિત્રિત સ્વરૂપ આપવાનો વિચાર જ્યારે આપણા પૂર્વજોને આવ્યો હશે ત્યારે સૌપ્રથમ કુમકુમ (કંકુ)નો વિચાર જ આવ્યો હશે, પરંતુ કંકુનો ઉપયોગ શરૂ કરાયો તે પહેલાં તેઓ પાસે સરળ રીતે મળતા અક્ષત હતા. સૌપ્રથમ જ્યારે ભગવાન સમક્ષ સ્થાપન કરવામાં આવ્યું ત્યારે સ્થાપન ઉપર અક્ષતનો જ સ્વસ્તિક બનાવવામાં આવ્યો હતતો. આમ, સ્વસ્તિક અને ચોખા જાણે ફક્ત એકબીજા માટે જ બન્યા હોય તેમ જણાય છે.

કપાળમાં જ્યારે કુમકુમનું લાલ તિલક કરવામાં આવે છે ત્યારે તેના ઉપર અક્ષત લગાવવામાં આવે છે. તેની પાછળ ઘણાં કારણ છે. લાલ રંગના તિલકમાં સફેદ ચોખા ખૂબ સુંદર લાગે છે. બીજું કારણ એ કે ચોખાને શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ ધાન્ય મનાયું છે. અક્ષત અર્થાત્ ચોખા દેવતાઓને પણ ખૂબ પ્રિય છે. તમે જોયું હશે કે ઘણા હવનમાં આહુતિ તરીકે બાસમતી ચોખાનો ‘પાયસ’ તરીકે ઉપયોગ કરાય છે. મહાલક્ષ્મી માતાનો હવન કરવાનો હોય કે તમામ ક્ષેત્રે સફળતા અપાવે તેવો ખૂબ મોંઘો ‘રાજસૂય યજ્ઞ’ કે અશ્વમેધ યજ્ઞ કરવાનો હોય ત્યારે તેમાં આહુતિ દ્રવ્ય તરીકે ચોખાની ‘પાયસ’ જ આહુતિમાં વપરાય છે. આમ, ચોખા દેવોને પણ ખૂબ પ્રિય છે.

ૐ સોમાય નમઃ સ્વાહા ઇદં સોમાય નમમ્ કે પછી ૐ ઇન્દ્રાય નમઃ સ્વાહા ઇદં ઇન્દ્રાય નમમ્ મંત્રથી આહુતિ અપાતી હોય ત્યારે તેમાં આહુતિ દ્રવ્ય પાયસ જ હશે. આ બધાં કારણ સાથે હિંદુ સમાજમાં ક્યાંય પણ શુભ પ્રસંગ હોય ત્યારે વર, વધૂને કે સંત મહાત્મા તથા વડીલોને ચોખા વડે જ વધાવાય છે. જે વસ્તુ દેવતાઓને ખૂબ પ્રિય છે તે વસ્તુનું સ્થાન આપણા મસ્તક ઉપર જ હોવું જોઇએ, કારણ કે આપણું મસ્તક આપણી વિચારશક્તિ ધરાવતા મગજને સાચવે છે.

કલ્યાણના પ્રતીક તરીકે સ્વસ્તિક, ઉત્સાહ અને શક્તિ તરીકે સિંદૂર ભોગ તથા બલિના પ્રતીક તરીકે શ્રીફળ, પાવનકારી વસ્તુઓ તરીકે ગંગાજળ તથા તુલસીદળ તથા સર્વોત્તમ ધાન્ય તરીકે ચોખાને ગણાયા છે. આથી ઘણા લોકો એમ કહેતા જોવા મળે છે કે, “આ જગતમાં ઇશ્વરે બે જ વસ્તુ સૌથી શ્રેષ્ઠ બનાવી છે, જેમાં સૌપ્રથમ ચોખા અર્થાત્ અક્ષત અને બીજી વસ્તુ છે સાકર અર્થાત્ ખાંડ. આમ, ચોખાની શ્રેષ્ઠતા અપાર છે. ઘણા વિદ્વાનો ચોખાનું દાન કરે છે. કોઇ વ્યક્તિ મીઠું નાખીને ચોખાના ભાત રાંધીનો પાેતાનું પેટ ભરી શકે છે. ચીન જેવા દેશમાં ચોખાના ભાત બનાવી તેના લાડુ પણ બનાવી લોકો હોંશે હોંશે ખાય છે. જો કોઇ વ્યક્તિ નિઃસંતાન હોય તો તેણે દૂધમાં અક્ષત નાખીને ભગવાન શિવ ઉપર તેનો અભિષેક કરવો અથવા ડાંગરનો રોટલો ભરી શિવાલયમાં જઇ શિવજી ઉપર મૂઠીની ધારમાંથી શિવમહિમ્નનાં ગાન સાથે કે દિવ્યરુદ્રાભિષેકના ગાન સાથે શિવજી ઉપર ૧૧ અભિષેક કરવા. આ એક અદ્ભુત પ્રયોગ છે. જેના પ્રતાપે ઘણાં પ્રૌઢ નિઃસંતાનને ત્યાં સંતાન ઉત્પન્ન થયેલાં જોવા મળ્યાં છે.

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like