શા માટે કરવાં જોઇએ વ્રત ઉપવાસ?

સનાતન કાળથી આપણા ધર્મશાસ્ત્રોએ મનુષ્યને નીતિના માર્ગે ચાલે, અનીતિ આદરે નહીં, પુણ્યમય જીવન જીવે તથા પાપ કર્મથી દૂર રહે તે માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રત, જપ, તપ, ઉપવાસ કરવાથી મનુષ્યને ઘણી શાંતિ મળે છે. સામાન્ય રીતે વ્રત, જપ, તપ, ઉપવાસ આત્માનો ખોરાક માનવામાં આવે છે. આમ કરવાથી મનુષ્ય દિવસ દરમિયાન ખૂબ જ તાજગીનો અહેસાસ કરે છે. નિયમિત વ્રત, જપ, તપ, ઉપવાસ કરનાર હરહંમેશ પ્રસન્ન રહે છે. તેનું મન સંપૂર્ણ આનંદથી ભરેલું અને છલકાયેલું રહે છે. વ્રતનો અર્થ થાય છે સંકલ્પ કે દૃઢ નિશ્ચય અને ઉપવાસનો અર્થ થાય છે પરમાત્માકે પ્રભુ પાસે બેસવું.

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું કેટલું મહત્ત્વ છે તેનો ખ્યાલ એ વાત પરથી આવી જાય છે કે દરેક દિવસે કોઇને કોઇ વ્રત હોય છે. એવું માનવામાં આવે છે કે વ્રત, જપ, તપ, ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે વ્યકિત કોઇને કોઇ પ્રકારના વ્રત ચોકઢકસ કરે છે. વ્યકિતનો ધર્મ કોઇ પણ હોય, પરંતુ તે વ્રત, જપ, તપ, ઉપવાસ પોતાની પરંપરા અનુસાર ચોક્કસ કરે છે. હકીકતમાં વ્રત, જપ, તપ, ઉપવાસ આપણા શરીર અને મન સાથે સંકળાયેલા છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. શાસ્ત્રોમાં પણ વ્રતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.

વ્રત એટલે સંકલ્પ. જો આપણે સવાર સવારમાં કોઇ કાર્યનો સંકલ્પ કરીએ તો તે કાર્ય નિશ્ચિતરૂપથી સફળ થાય છે. ભીષ્મ પિતામહ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શાંતનુ પુત્ર દેવવ્રતે અખંડ બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું. તેઓ પોતાની પ્રતિજ્ઞા પર આજીવન દૃઢ રહ્યા હતા. એટલે તેઓ ભીષ્મ કહેવાયા. કહેવાનો અર્થ એ છે કે વ્રત સફળતાનું પહેલું ચરણ છે. ભગવાન શ્રીરામનું જીવન પણ દૃઢ વ્રતનો પર્યાય છે. ભગવાન શ્રી રામ કહે છે કે જો કોઇ એક વખત પણ શરણમાં આવીને એમ કહે કે, “હું તમારો છું” તો તેની રક્ષા હું કરું છું. વ્રત, ઉપવાસથી આપણું શરીર સ્વસ્થ રહે છે. નિરાહાર રહેવું, એક વખત ભોજન કે ફળાહાર કરવાથી પાચન તંત્રને આરામ મળે છે. તેનાથી કેટલાય રોગો દૂર થાય છે. અરુચિ, અજીર્ણ, પેટનું દર્દ, માથાનો દુઃખાવો, તાવ જેવા સામાન્ય રોગ નિયમપૂર્વક વ્રત કરવાથી દૂર થાય છે. તેના સિવાય આત્માની શુદ્ધિ પણ થાય છે. જ્ઞાનશકિત, વિચારશકિત, બુદ્ધિ અને પવિત્રતા વધે છે.

એટલે વ્રત અને ઉપવાસથી વિજ્ઞાન સફળ છે. આજ કારણે આપણા ઋષિ મુનિઓએ વ્રત, ઉપવાસને આપણી દિનચર્યાનો ભાગ બનાવ્યો છે. સામાન્ય રીતે સન્યાસી, રોગી, બાળક, ગર્ભવતી સ્ત્રી તેમજ વૃદ્ધો વ્રત ન કરે તે સારું છે, પરંતુ વ્રત, ઉપવાસ કરનારી અન્ય વ્યકિતએ આ કાર્ય ન કરવાં જોઇએ જેમ કે,
• કોઇ પ્રકારની હિંસા ન કરવી.
• વારંવાર પાણી ન પીવું
• ખોટું ન બોલવું, કોઇ પણ પ્રકારની બુરાઇ ન કરવી.
• તમાકુ કે તેનાથી બનેલા કોઇ પણ પદાર્થનું સેવન ન કરવું.
• દિવસે ન સૂવું તથા સંયમથી રહેવું.
• ભ્રષ્ટાચાર ન કરવાનો સંકલ્પ કરવો.
• માંસ ન ખાવું અને જુગાર વગેરે વ્યસનોથી દૂર રહેવું.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વ્રત, ઉપવાસ કરનારના મકાનમાં ઘણી વાર જાત જાતના વિચાર આવતા હોય છે. આથી વ્રત, તપ, ઉપવાસ કરનારે સંયમથી કામ લેવું જોઇએ.•

You might also like