પીચ ઓળખવામાં વિરાટ કેમ થાપ ખાઈ રહ્યો છે?

લંડનઃ બેટિંગમાં સતત રેકોર્ડ તોડી રહેલો વિરાટ કોહલીની કેપ્ટન તરીકેની પ્રથમ ઓળખ અંતિમ ઈલેવનમાં ફેરફારની રહી છે. તેણે અત્યાર સુધી ૩૯ ટેસ્ટમાં કેપ્ટનશિપ સંભાળી છે, જેમાં સતત ૩૮ મેચમાં તેણે ફેરફાર સાથેની નવી ટીમ ઉતારી છે. સાઉથમ્પ્ટનમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માત્ર એક અપવાદ છે, જ્યારે તેણે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં.

ટીમ બદલવા અંગેના સવાલો પર કેપ્ટન અથવા ટીમ મેનેજમેન્ટનો એક જ જવાબ હોય છે કે તેમણે પીચ, હવામાન અને ખેલાડીના ફોર્મને નજરમાં રાખીને આવું કર્યું. કેપ્ટનના આવા જવાબ પર વિશ્વાસ ના કરવાનું કોઈ કારણ નથી, પરંતુ એટલું તો નક્કી છે કે કમ સે કમ વિદેશ પ્રવાસ વખતે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન પીચને ઓળખવામાં વારંવાર ભૂલ કરી રહ્યા છે.

ટીમ મેનેજમેન્ટ પણ કેપ્ટનનો સાથ નથી દઈ શકતુંઃ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં જોઈ શકીએ છીએ કે ભારતીય ટીમના કોમ્બિનેશનમાં કંઈક ને કંઈક ઊણપ રહેતી જ આવી છે. ખાસ કરીને સ્પિનરને પસંદ કરવામાં ટીમ ભૂલ કરી રહી છે. આ ભૂલ પીચ યોગ્ય રીતે નહીં ઓળખી શકવાને કારણે થઈ રહી છે.

જોકે આના માટે ફક્ત કેપ્ટન કોહલીને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેનો સાથ આપવા માટે ટીમમાં ત્રણ-ત્રણ કોચ હાજર છે. હેડ કોચ રવિ શાસ્ત્રીની તો શાનદાર કોચ-ખેલાડી તરીકે ગણના થાય છે, પરંતુ આ બધા પીચ ઓળખવામાં થાપ ખાઈ રહ્યા છે.

પ્રથમ ટેસ્ટઃ કુલદીપ-પૂજારાને ટીમમાં સામેલ ના કરવા મોંઘા પડ્યાઃ પ્રથમ ટેસ્ટમાં બર્મિંગહમની પીચ સ્પિનરને અનુકૂળ હતી, પરંતુ ટીમ ઇન્ડિયાએ કદાચ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે એક સ્પિનર અને ચાર ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરશે. એ મેચમાં વિરાટ સેનાએ ફક્ત એક જ સ્પિનરના રૂપમાં અશ્વિનને તક આપી. અશ્વિન મેચમાં બંને ટીમ તરફથી સૌથી સફળ બોલર રહ્યો. તેણે મેચમાં સાત વિકેટ ઝડપી.

ભારતને પ્રથમ ઇનિંગ્સની આઠમી અને બીજી ઇનિંગ્સની ચોથી ઓવરમાં જ સફળતા અપાવી, પરંતુ અશ્વિનની મદદ કરવા માટે અન્ય કોઈ સ્પિનર ટીમમાં હાજર નહોતો. એનું પરિણામ એ આવ્યું કે ભારત એ ટેસ્ટ ૩૧ રને હારી ગયું. એમ તો એ મેચમાં ચેતેશ્વરને પણ રમાડવામાં નહોતો આવ્યો. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટના આ બે નિર્ણય ભારતને મોંઘા પડ્યા હતા.

બીજી ટેસ્ટઃ જરૂર નહોતી ત્યારે બીજો સ્પિનર રમાડ્યોઃ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે રમત શક્ય બની નહોતી. બીજા દિવસે પણ વાદળ છવાયેલાં હતાં. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ પરિસ્થિતિને ગંભીરતાથી લીધી નહીં અને ટીમમાં બે સ્પિનર મેદાનમાં ઉતારી દીધા.

અશ્વિનની સાથે કુલદીપ યાદવને તક મળી. પીચમાંથી સ્પિનરને કોઈ મદદ મળી નહીં અને ઉપરથી વરસાદી વાતાવરણ. કુલદીપ તો શું, મેચમાં એક પણ વિકેટ સ્પિનરને મળી નહીં. એ મેચ બાદ કુલદીપને ટીમની બહાર કરી દેવામાં આવ્યો.

ચોથી ટેસ્ટઃ સ્પિનરની ગેરહાજરી નડીઃ સાઉથમ્પ્ટનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં બંને ટીમની અંતિમ ઈલેવનમાં કહેવા પૂરતો એક જ ફર્ક હતો. એ ફર્ક હતો ટીમના સ્પિનરનો. યજમાન ઈંગ્લેન્ડ એ મેચમાં બે સ્પિનર સાથે મેદાનમાં ઊતર્યું. જ્યારે સ્પિન અેટેકના દમ પર ૧૦૦થી વધુ ટેસ્ટ જીતી ચૂકેલી ભારતીય ટીમમાં એક જ સ્પિનર હતો.

મજાની વાત એ રહી કે મેચમાં સૌથી મોટું અંતર ઈંગ્લેન્ડના પાર્ટટાઇમ સ્પિનર મોઇન અલી (નવ વિકેટ)એ જ ઊભું કર્યું. સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયા પીચ ઓળખવામાં થાપ ખાઈ ગઈ હતી.

You might also like