મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો સૂક્ષ્મ પરિચય મેળવીશું. શરૂઆત યુધિષ્ઠિરથી કરીએ. મહાભારતનો મુખ્ય હીરો, નાયક કોણ? એવા પ્રશ્નના ઉત્તરમાં કોઈ કૃષ્ણ કહેશે, કોઈ કર્ણ કહેશે, કોઈ અર્જુન કહેશે, કોઈ ભીમ કહેશે, કોઈ ભીષ્મ કહેશે. યુધિષ્ઠિરને મહાભારતનો નાયક ગણાવવાનું દુઃસ્સાહસ ભાગ્યે જ કોઈ કરશે. મહાભારતનો ખરો અભ્યાસુ સુપેરે જાણે છે કે મહાભારતનો નાયક યુધિષ્ઠિર છે.

યુધિષ્ઠિરને એકાંત ગમે છે અને એકાંતે ધર્મ ચિંતન કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વન વિચરણ છે. એમાં વિચારોની ભુતાવળો વળગી નથી પડતી કે ન તો એકલતાનો થાક લાગે છે. વન વિહારમાં ક્રિયા પણ થાય અને યોગ પણ. એટલે ચરૈવેતિ ચરૈવેતિ વચનો કહ્યાં છે. એવું નથી કે યુધિષ્ઠિરને રાજા બની રાજકારભાર ચલાવવો પસંદ નહોતો. મહાભારતનાં યુદ્ધ પછી તેમણે ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી હસ્તિનાપુરનું શાસન સંભાળ્યું હતું.

પરંતુ વનના એકાંતવાસમાં યુવરાજમાંથી ધર્માત્મા યુધિષ્ઠિર બન્યા તે તેના કોઈ ઋષિ કરતાંય ઘોર તપ અને નીતિ-નિયમથી. કુરુશ્રેષ્ઠ યુવરાજ યુધિષ્ઠિરની એકાંતવાસની શરૂઆત વાર્ણાવતના લાક્ષાગ્રહમાંથી સુરંગ વાટે નીકળ્યા ત્યારથી થઈ હતી. ત્યાંથી એક વનમાંથી બીજા વનમાં ફરતા યુધિષ્ઠિરે જટા વધારી હતી અને વલ્કલ તથા મૃગચર્મનાં વસ્ત્રોપહેર્યાં હતાં. વનના એકાંતવાસમાં પાંડવો બ્રહ્મવેદ, સર્વ વેદાંગો અને નીતિશાસ્ત્રને ભણ્યા હતા.

ભાઈઓ અર્જુન અને ભીમસેનની ભૂજાના બળથી સાગરરૂપી મેખલાવાળી અખિલ પૃથ્વીને જીતવાનું સામ્યર્થ ધરાવતા હોવા છતાં યુધિષ્ઠિરે વારંવાર એકાંતવાસ ઇચ્છ્યો હતો. પૃથ્વીપતિ હોવા છતાં પણ યુધિષ્ઠિરે સતત વનમાં વિહરવાનું પસંદ કર્યું. બંગાળના વિદ્વાન વિવેચક બુદ્ધદેવ બાસુને તો ધર્મરાજ યુધિષ્ઠિરનું જુગટું રમી કૌરવોના દાસ થઈ વનવાસ સ્વીકારવા પાછળ એક જ તર્ક ભળાય છે. તેઓ કહે છે કે રાજ્યસત્તા અને રાજના કાવાદાવામાં અકુશળ યુધિષ્ઠિરે જુગટાં દ્વારા જાતે વન વિચરણનો કાર્યક્રમ ઘડ્યો હતો.

કેમ કે મહાલયોની અટ્ટાલિકાઓમાં એમનો દમ ઘુંટાતો હતો, એમને તો જીવનના ગૂઢ અર્થોને સમજવા વનનું એકાંત જાઈતું હતું, વનવાસી ઋષિ, મહાત્માઓની અનુભવ વાણી સાંભળવી હતી. સિદ્ધો પાસેથી બોધ સાંભળવો હતો. બાસુનો તર્ક કંઈ અકારણ નથી. વનના એકાંતવાસમાં યુધિષ્ઠિર પિતામહ વ્યાસ પાસેથી ધર્મબોધ સાંભળે છે. બાસુ તો તાલ ઠોકીને કહે છે કે મહાભારતના નાયક ન તો કૃષ્ણ છે, ન અર્જુન છે, ન ભીષ્મ કે ન કર્ણ છે. મહાભારતના ખરા નાયક યુધિષ્ઠિર છે. અને યુધિષ્ઠિરને નાયક બનાવતું પ્રમુખ તત્વ હતું તેમનો વર્ષોનો વનનો એકાંતવાસ.

મહારાજ યુધિષ્ઠિરે વનના એકાંતવાસમાંથી આખરે શું મેળવ્યું અને એનું પ્રમાણ શું? આ પ્રશ્નનો ઉત્તર આપણને બકપક્ષીએ પૂછેલા પ્રશ્નોના યુધિષ્ઠિરે આપેલા જવાબોમાંથી મળે છે. એ જવાબોમાં ત્રણ ભુવનને ઝળાહળાં કરી મૂકતું યુધિષ્ઠિરનું જ્ઞાન તો ઝળકે જ છે પણ મુઆ ચાર ભાઈઓને જીવિત કરવાનું અસંભવિત કાર્ય પણ યુધિષ્ઠિરના હાથે થાય છે. વનવાસ દરમિયાન એક તબક્કે મહામૃગને પકડવાના પ્રયાસમાં પાંડવો ખૂબ થાકી ગયા અને તૃષાતુર થયા.

નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ એક પછી એક પાંડવો નજીકના અંતરે આવેલાં જળાશયમાંથી પાણી પીવા અને ભરી લાવવા ગયા. બકપક્ષી બનીને આવેલા યક્ષે પોતાના સવાલોના જવાબો આપ્યા પહેલા જળાશયમાં પાણી પીવાની મનાઈ ફરમાવી. તૃષાતુર ચારેય ભાઈઓ આજ્ઞાની અવજ્ઞા કરીને પાણી પીવાના પ્રયાસમાં માર્યા ગયા.

ક્રોધાતુર અર્જુને તો યમની ખબર લેવા ચારે દિશામાં કર્ણી, નાલિક અને નારાચ જેવાં અમોધ શબ્દવેધી બાણો પણ વરસાવ્યાં હતાં. પણ ખેર… પણ આખરે અર્જુન મરાયો. આખરે યુધિષ્ઠિર યક્ષના દરેક પ્રશ્નોના વારાફરતી જવાબો આપે છે અને પ્રસન્ન થઈને યક્ષ તેના ચારેય ભાઈઓને પુનઃ જીવિત કરે છે. એ પ્રશ્નોત્તરી યુધિષ્ઠિરની વનના એકાંતવાસની ઉપલબ્ધ દર્શાવે છે. બક-ધર્મ વચ્ચે થયેલી એ આખી પ્રશ્નોતરી તો શબ્દ મર્યાદા હોઈ, અહીં મૂકી શકાય તેમ નથી. જાેઈએ કેટલાક અંશો.

યક્ષનો સવાલઃ સૂર્યને ઊંચે કોણ ઉદય પમાડે છે, એની આસપાસ કોણ સહાયક સાથીઓ છે અને કોણ તેને અસ્ત પમાડે છે અને તે શેમાં સ્થિત રહે છે? યુધિષ્ઠિરનો જવાબઃ સૂર્યને બ્રહ્મ ઊંચે ઉદિત કરે છે, દેવો તેના સહાયકર્તા સાથીઓ છે. ધર્મ તેને અસ્ત પમાડે છે અને સત્યને આધારે તે પ્રતિષ્ઠિત રહે છે. યક્ષનો સવાલઃ મનુષ્ય શાનાથી શ્રોત્રિય થાય છે, શાનાથી તેને મહત્પ્રાપ્તિ થાય છે, શાથી તે સહાયવાન અને બુદ્ધિવાન થાય છે? ધર્મનો જવાબઃ વેદાધ્યનથી મનુષ્ય શ્રોત્રિય થાય, તપથી તેને મહત્પ્રાપ્તિ થાય, ધૃતિથી સહાયવાન થાય અને વૃદ્ધોની સેવાથી તે બુદ્ધિમાન થાય છે.

યક્ષનો સવાલઃ બ્રાહ્મણોનું દેવત્વ શું છે, તેમનામાં ધર્મ, મનુષ્યભાવ, દુર્જનોનાં જેવું આચરણ શું છે? ધર્મનો જવાબઃ વેદોનો સ્વાધ્યાય બ્રાહ્મણોનું દેવત્વ, તપસ્યા સત્પુરુષોના જેવો ધર્મ, મરણ એ તેમનામાં મનુષ્યભાવ અને નિંદા એ તેમનામાં દુર્જનો જેવું આચરણ છે. યક્ષનો સવાલઃ યજ્ઞ સંબંધી મુખ્ય સામ કયો છે, મુખ્ય યજુર્મંત્ર કયો છે, યજ્ઞને કઈ વસ્તુ સ્વીકારે છે અને યજ્ઞ કઈ વસ્તુનું ઉલ્લંઘન કરતો નથી? ધર્મનો જવાબઃ પ્રાણ યજ્ઞનો મુખ્ય સામ, મન એ મુખ્ય યજુર્મંત્ર, ઋગ્વેદની મુખ્ય ઋચા જ યજ્ઞને સ્વીકારે છે અને યજ્ઞ એ ઋચાનું ઉલ્લંઘન કરતો નથી.

યક્ષનો સવાલઃ કયો મનુષ્ય લોકમાં પુજાયેલો અને માન પામેલો છતાં જીવતો મરેલો છે? જવાબઃ જે મનુષ્ય દેવ, અતિથિ, પોષ્યવર્ગ, પિતૃઓ અને પોતાનો પંડ એ પાંચને કંઈ જ આપતો નથી તે જીવતો છતાં મરેલો છે. યક્ષઃ કોણ પૃથ્વી કરતાં વધુ ભારે, આકાશ કરતાં વધુ ઊંચો, વાયુ કરતાં વધુ ઝડપી અને તરણાં કરતાં પણ વધારે તુચ્છ છે? યુધિષ્ઠિરઃ માતા પૃથ્વી કરતાં ભારે, પિતા આકાશ કરતાં ઊંચા, મન વાયુ કરતાં ઝડપી અને ચિંતા તરણાં કરતાં પણ વધુ તુચ્છ છે.

યક્ષઃ ભૂત માત્રનો અતિથિ કોણ, સનાતન ધર્મ કયો, અમૃત શું અને આ સર્વ જગત શું છે? યુધિષ્ઠિરઃ અગ્નિ ભૂત માત્રનો અતિથિ, મોક્ષ ધર્મ સનાતન ધર્મ, ગાયનું દૂધ અમૃત અને વાયુ એ સર્વ જગત છે. યક્ષઃ ધર્મ, યશ, સ્વર્ગ અને સુખનું મુખ્ય સ્થાન શું છે? યુધિષ્ઠિરઃ દક્ષતા ધર્મનું, દાન એ યશનું, સત્ય એ સ્વર્ગનું અને શીલ એ સુખનું મુખ્ય સ્થાન છે. યમઃ મનુષ્યનો આત્મા કોણ છે? ધન પ્રાપ્તિમાં ઉત્તમ સાધન, ઉત્તમ ધન, ઉત્તમ લાભ અને ઉત્તમ સુખ શું છે? યુધિષ્ઠિરઃ દક્ષતા ધન પ્રાપ્તિમાં ઉત્તમ સાધન, વિદ્યા ઉત્તમ ધન, આરોગ્ય ઉત્તમ લાભ અને સંતોષ ઉત્તમ સુખ છે.

યક્ષઃ ધર્મ, અર્થ અને કામ એ પરસ્પર વિરોધી છે તો એ નિત્ય વિરોધીઓનો કેવી રીતે એકત્ર સંગમ થાય? યુધિષ્ઠિરઃ જ્યારે ધર્મ અને ભાર્યા(જીવનસંગિની) બંને પરસ્પર અનુકુળ રહીને વર્તે ત્યારે ધર્મ, અર્થ અને કામનો એકત્ર સમાગમ થાય. યક્ષઃ ઋષિઓએ શાને સ્થૈર્ય કહ્યું છે, કોને ધૈર્ય કહ્યું છે, તેમણે ઉત્તમ સ્નાન ક્યું કહ્યું છે અને કોને તેઓ આ લોકમાં દાન કહે છે? યુધિષ્ઠિરઃ સ્વધર્મમાં સ્થિરતાને ઋષિઓએ સ્થૈર્ય કહ્યું છે, ઇન્દ્રિય નિગ્રહને ધૈર્ય, મનના મેલના ત્યાગને ઉત્તમ સ્નાન અને પ્રાણી માત્રનાં રક્ષણને તેઓ આ લોકમાં દાન કહે છે.

યક્ષ-ધર્મ સંવાદમાં યક્ષ યુધિષ્ઠિરને ૧૦૦ કરતાં વધુ સવાલો પૂછે છે અને યુધિષ્ઠિરે દરેક સવાલના જવાબ ક્ષણ માત્રનો વિલંબ કર્યા વગર આપે છે. યુધિષ્ઠિર પાસે પોતિકી એકાંતની સાધના હતી તેથી તે બધા પ્રશ્નોના જવાબો આપી શક્યા. આ પ્રશ્નોત્તરીનું વારંવાર એકાંતે ચિંતન કરવા જેવું છે. નારદ યુધિષ્ઠિર સંવાદ, યુધિષ્ઠિરના માર્કંડેયને પ્રશ્ન વગેરેમાં મહાભારતમાં યુધિષ્ઠિરની તીર્થયાત્રા અને વનપર્વનો મહિમા વાંચતા એ સહજ પ્રતીતિ થાય છે કે યુધિષ્ઠિર આજીવન એકાંતસેવી જ રહ્યા છે.

એને સતી દ્રોપદી, હસ્તિનાપુરની ગાદી, રાજની ખટપટો… કશું જ સ્પર્શતું નથી. રાજ્યશાસનમાં યુધિષ્ઠિર ખીલતા નથી, વન વિચરણમાં ફરજિયાત આવી પડેલા કે જાતે મેળવેલા એકાંતવાસમાં તેઓ અનેકાનેક વિજ્ઞાનીઓને શરમાવે તેવી જિજ્ઞાસા અને ત્વરાથી જીવન અને પરમ તત્વના નિગૂઢ અર્થોને પામવાનો સતત પ્રયાસ કરતા રહે છે. એ જ કારણ હતું કે હેમાળે હાડ ગાળવા સતી સાથે નીકળેલા પાંચેય પાંડવોમાં ધર્મનાં દ્વાર સુધી માત્ર તેઓ એકલા જ પહોંચી શક્યા.

You might also like