સરકાર કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવતાં કેમ ડરે છે?: કમલ હાસન

(એજન્સી) ચેન્નઇ: અભિનેતામાંથી નેતા બનેલા દ‌િક્ષણ ભારતના સુપર સ્ટાર કમલ હાસન પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. એક બાજુ દેશમાં પુલવામા હુમલાને લઇને ભારે જનઆક્રોમ ભડકી ઊઠયો છે. તો બીજી બાજુુ કમલ હાસન કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાની વાતો કરી રહ્યા છે. એટલું જ નહીં તેમણે પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે)ને આઝાદ કાશ્મીર હોવાનું જણાવ્યું છે.

કમલ હાસને એક ઇન્ટરવ્યૂમાં દેશની કાશ્મીર નીતિ પર પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ કેમ કરાવતું નથી? ભારત સરકાર કોનાથી ડરે છે? ભારત અને પાકિસ્તાન બંનેના નેતાને જવાબદાર ગણાવતાં કમલ હાસને જણાવ્યું હતું કે જો બંને દેશોના રાજકીય નેતાઓ યોગ્ય વ્યવહાર કરે તો અેક પણ સૈનિક મોતને ન ભેટે.

કમલ હાસને જણાવ્યંુ હતું કે કાશ્મીરના લોકો ભારત સાથે રહેવા માગે છે કે પછી પાકિસ્તાન અથવા અલગ દેશ તરીકે રહેવા ઇચ્છે છે કે કેમ? તે અંગે જનમત સંગ્રહ કરાવવો જોઇએ. સરકાર કોનાથી ડરે છે? શું તેઓ રાષ્ટ્રને વિભાજીત કરવા માગે છે? તમે કાશ્મીરીઓને ફરીથી તેમનો મત કેમ પૂછતા નથી?

જો ભારત પોતાને એક ઉત્તમ રાષ્ટ્ર તરીકે સાબિત કરવા ઇચ્છતું હોય તો તેણે આ પ્રકારનું આચરણ કરવું જોઇએ નહીં. ભારત જે મૂર્ખતાપૂર્ણ વ્યવહાર કરે છે તે યોગ્ય નથી. કમલ હાસને વધુમાં જણાવ્યું હતું કે મને એ વાતનું દુઃખ થાય છે કે જ્યારે લોકો એવું કહે છે કે જવાનો તો કાશ્મીરમાં મરવા માટે જ જાય છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સેના એક જૂની ફેશન જેવી છે.

You might also like