શિવજી દેવોના દેવ મહાદેવ કેમ કહેવાય છે?

વેદકાળથી જ શિવજીની ઉપાસના થતી આવી છે. નીલકંઠ, શિવજી, ભૂતનાથ, અર્ધ નરનારીશ્વર જેવાં અનેક નામોથી જાણીતા ભગવાન શંકર સૃષ્ટિના રચિયતા છે. તેમને દેવોના દેવ કહેવાય છે. જ્યાં તે નાના બાળક જેવું ભોળપણ ધરાવે છે ત્યાં જ તેમના ક્રોધથી બધા ડરે.

ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે.

અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્ત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરું, ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ, ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.

તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે ભગવાન શિવ, વેદમાં તેમને રુદ્રના નામથી ઓળખવામાં આવે છે. શિવજીના ગળામાં હંમેશાં નાગ દેવતા બિરાજમાન રહેતા હોય છે અને તેમના હાથમાં ડમરું અને ત્રિશૂલ પણ જોવા મળે છે.

ભગવાન સદાશિવ પરમ બ્રહ્મ છે. ભાંગ, ધતૂરો, સાપ અને પ્રેત એ શિવના સાથી છે. આ બધાની ખરાબીને શિવે હરિ લીધી છે એથી જ તેમની સાથે જ રહેવા છતાં શિવ સૌમ્ય છે. આટલા માટે જ શિવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે. તેમની અર્ધાંગી એટલે કે શિવ શક્તિને માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે.

તેઓ પ્રલયનું મૂર્તિમંત સ્વરૂપ છે તેમજ પ્રસન્ન થાય તો અભિવૃદ્ધિ કરનાર તેમજ જલદી પ્રસન્ન થનાર દેવ પણ તેઓ જ છે. વળી યોગીઓમાં શ્રેષ્ઠ એટલે યોગેશ્વર, વૈરાગ્યમાં શ્રેષ્ઠ તેમજ ઉત્તમ તત્વજ્ઞાની એટલે આત્માનંદમાં રમનારા દેવ છે. પૂર્ણ શ્રદ્ધાથી બીલીપત્ર, પુષ્પ, ફળ, જળ, દૂધ ચડાવવાથી તો સહજમાં પ્રસન્ન થાય છે.

વરદાન આપવામાં પણ પાછું વાળીને જોતાં નથી. રાવણને લંકાનું સર્વોપરી રાજ્ય, અશ્વત્થામાને દિવ્ય ખડ્‌ગ, અર્જુનને પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ શિવજી પાસેથી જ થયેલ છે. બાણાસુરને શિવજીનો પ્રતાપ હતો. વિષ્ણુને સુદર્શન ચક્ર આપનાર પણ શિવજી. અથર્વવેદમાં રૂદ્રને મહાદેવ કહેલ છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’માં શિવની ઉપાસના રુદ્ર રૂપથી સૌમ્ય રૂપ તરફ નજરે પડે છે.

રામાયણમાં મહાદેવ, મહેશ્વર અને ત્રંબક આદિ ઉપાધિઓ સાથે શિવ હવે પ્રાણીઓની ઊર્જા બની રહે છે. ‘મહાભારત’માં શિવનું કલ્યાણકારી રૂપ, દ્રોણપર્વમાં વર્ણવવામાં આવ્યું છે.

તેઓનું લૌકિકરૂપ એવું છે કે ત્રણ નેત્ર છે. જે પૈકી ત્રીજું નેત્ર ઊઘડે ત્યારે પ્રલય જ થાય. તેઓ ભૂત, પિશાચ, શાકિની, ડાકિની, રાક્ષસ આદિના અધિપતિ છે. તેમનું સ્થળ કૈલાસ છે. રિદ્ધિ સિદ્ધિ દાતા ગણપતિજી જેવા પુત્ર અને ઓખા જેવી પુત્રી છે. પોતે અજન્મા છે. ભૈરવ એ શિવજીનું રૂપ મનાય છે.

શિવજી સાત્વિક દેવ છે. ભગવાન વિષ્ણુ કારણ પરત્વે વારંવાર અવતાર ધારણ કરે છે તેમ શિવજી પણ અનેકવાર અધર્મનો નાશ કરવા અને ભક્તનું રક્ષણ કરવા ભૂમિ પર પધારે છે. પહેલાં તેઓ થાંભલારૂપે પછી તેઓ મૂર્તિરૂપે પ્રગટ થયા છે. સમુદ્રમંથનના હળાહળ વિષપાનની લીલા કરીને જગતના તમામ જીવ, પ્રાણી, માનવો, દેવો અને અસુરોને જીવનદાન આપીને તેમણે મૃત્યુંજય સ્વરૂપનાં દર્શન કરાવ્યાં.

તેઓ પરમ દરિદ્ર હોવા છતાં તમામ તમામ સંપત્તિઓ તેમનાથી પ્રગટ થાય છે. સ્મશાનાવાસી હોવા છતાં ત્રિલોકના નાથ છે. વિશ્વાત્મા હોવા છતાં વિશ્વરૂપ છે. ગુણાતીત હોવા છતાં ગુણરૂપ છે. આ એક જ દેવ એવા છે કે જેઓ વિવિધરૂપો ધારણ કરી પોતે પોતાના જ સ્વરૂપ સાથે રમણ કરે છે.

આમ એ જ વિશ્વ વિકાસ છે અને એ જ શિવશક્તિનો વિલાસ છે. વસ્તુતઃ તેઓ તમોગુણી નથી, પરંતુ આનંદસ્વરૂપ છે. ૠગ્વેદમાં તેમનું પરાત્પર બ્રહ્મસ્વરૂપનું દર્શન છે. શ્રીમદ્‌ ભાગવતમાં મહર્ષિ વ્યાસે પછી શિવજીને એ જ સ્વરૂપે પ્રશંસા કરી છે. વેદો વણિતિ અને પરાત્પર બ્રહ્મની ઉપમા સમ દેવાધિદેવ-મહાદેવ ત્રિદેવો બ્રહ્મા-વિષ્ણુથી ભિન્ન છે. એટલા માટે તેમને મહેશ્વર-મહાદેવ કહે છે.•

You might also like