હીરક જયંતીની નજીક આર્ય સમાજને લોકો કેમ ભૂલી ગયા છે?

ભારતીય સુધારકોમાં સ્વામી દયાનંદ સરસ્વતીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. તેમની ૧૯પમી જન્મ જયંતીએ તે વાતનું મુલ્યાંકન કરવું જોઇએ કે સમાજ માટે તેમનું શું સ્વપ્ન હતું અને તે સાકાર કરવામાં આર્ય સમાજ કેટલો સફળ થયો છે. ૧૮૭પની ૧૦મી ઓપ્રિલે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. દેશનાં ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ક્ષેત્રે આર્ય સમાજે ખાસ્સી અસર પાડી હતી.

જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, બાળલગ્ન, સામાજિક અસમાનતા જેવા દૂષણો દૂર કરવા તે તેમનું લક્ષ્ય હતું. દેશમાં જે સામાજિક અને અધ્યાત્મિક આંદોલનો થયાં તેમાં આર્ય સમાજનો મોટો ફાળો રહ્યો છે. સામાન્ય લોકોને સમજાય તે રીતે વેદોનું સરળીકરણ, હિન્દી, સંસ્કૃત અને દેવનાગરીનો પ્રસાર, ગુરુકુળોની સ્થાપના તેમના મહત્વના કાર્યો છે. આર્ય સમાજે યોગદર્શનમાં જેનું વર્ણન છે તે યમ-નિયમ, આસન-પ્રાણાયામ, ધ્યાન સમાધિ કે જેનાથી મનુષ્ય જ્ઞાની બનીને ઇશ્વરને પ્રાપ્ત કરી શકે છે તે દિશામાં પ્રશંસનીય કામ કર્યું છે. આર્ય સમાજના આ આંદોલનથી સમાજ અને દેશમાં પરિવર્તનો પણ આવ્યા છે.

સ્વામી શ્રદ્ધાનંદની પ્રેરણા અને સંકલ્પના કારણે અને હિંદુ શુદ્ધિ સભાની સ્થાપના થઇ હતી. જેનો આશય વિદેશી આક્મણખોરો દ્વારા બળજબરીપૂર્વક ધર્માંતર કરેલા લોકોને તેમના મૂળ હિંદુ ધર્મમાં સન્માનપૂર્વક પાછા લાવવાનો હતો. આ શુદ્ધિકરણ ચળવળના પરિણામે લાખો લોકો કે જેમણે ધર્માંતર કર્યું હતું તેઓ હિંદુ ધર્મમાં પરત ફર્યા હતા. જોકે આ ચળવળ અત્યારે ધીમી પડી ગઇ હોય તેમ લાગે છે. સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત લેખરામ તથા રાજપાલ જેવા સુધારકોએ તે માટે ઇસ્લામિક જેહાદીઓનો ખોફ વ્હોરી બલિદાન આપવું પડયું હતું. આર્ય સમાજ થોડા વર્ષો પછી જ હીરક જયંતી ઉજવશે.

છેલ્લા ૧૪૪ વર્ષમાં દયાનંદ સરસ્વતીના સ્વપ્નોને પૂર્ણ કરવા માટે આપણે કેટલી પ્રગતિ કરી છે. આગામી છ વર્ષમાં એટલે કે ૧પ૦મી જન્મજયંતી. પહેલા સમાજમાં બદલાવ લાવવાનું શું આયોજન છે તે જોવું પડશે. દરેક આર્ય સમાજના મંદિરોમાં દરરોજ યજ્ઞ, હવન, અને વેદોનું પઠન થાય છે, પરંતુ આપણા પાડોશીઓ, મિત્રો કે સ્વજનો તેમાં સહભાગી થાય છે ખરા? હકીકતમાં હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો અત્યારે વધુ પ્રભાવી છે. આર્ય સમાજ અત્યારે તો બહુ ઓછા લોકો સુધી સીમિત થઇ ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સમાજમાં જબરદસ્ત અસર કરે તેવા કોઇ કાર્યક્રમો કે ચળવળ ચલાવી હોય તેવું ધ્યાનમાં આવતું નથી. આર્ય સમાજ હવે તેના કેન્દ્રો અને મંદિરો પુરતું જાણે સીમિત થઇ ગયો છે. આર્ય સમાજે જે પ્રશંસનીય કામ કર્યું હતું કે જે વેદોનાે સરળ ભાષામાં પ્રસારનું હતું, વેદો હિંદુ ધર્મ ને સંસ્કૃતિનું મૂળ છે.

અન્ય સંપ્રદાયો દ્વારા અત્યારે વેદોના પ્રચાર-પ્રસારને ખાસ મહત્વ અપાતું નથી. ત્યારે આર્યસમાજે હવે ફરીથી સમાજમાં હજુ પણ વ્યાપ્ત કુરિવાજો અને બદીઓ સામે આહલેક જગાવવી પડશે. આર્ય સમાજ મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. વ્યાપક હિંદુ સમાજને પોતાની સાથે જોડવામાં આ સિદ્ધાંત સૌથી મોટો અવરોધ છે,કેમકે હિંદુઓ મુળભૂત રીતે મૂર્તિપૂજક છે.

ભારતમાં અનેક દેવી-દેવતાઓની પૂજા થાય છે. મૂર્તિ એ હિંદુઓ માટે સાક્ષાત ભગવાનનું સ્પરૂપ છે. આપણે ત્યાં તો રાજય બદલાય તેમ ભગવાનનું સ્વરૂપ પણ બદલાય છે અને પૂજાની વિધિ પણ. આર્ય સમાજ જોકે મૂર્તિ પૂજાના વિરોધમાં જડતા કે ઉગ્રતા દાખવતો નથી. તેમ છતાં મૂર્તિ પૂજાનો તેમનો વિરોધ મોટાભાગના હિંદુઓને તેમનાથી દૂર રાખે છે.

દુખની વાત એ પણ છે કે હિંદુ ધર્મમાં સુધારાનો પવન ફુંકનાર આર્ય સમાજ વિશે આજની પેઢી પણ ખાસ કંઇ જાણતી નથી. કેટલાક આર્ય સમાજને ભારતનો એક ઇતિહાસ હોય તેમ માને છે. આર્ય સમાજ લોકો સુધી પહોંચવાના પણ ખાસ પ્રયત્નો થતાં નથી. હીરક જયંતી નજીક છે ત્યારે આર્ય સમાજ સમક્ષ હવે લોકો સુધી પહેંચવાનો પડકાર સૌથી મોટો છે.

You might also like