ડેબિટ કાર્ડની પાછળ પિન કેમ લખ્યો હતો? ફરિયાદ નહીં લેવાય

અનિરુદ્ધસિંહ મકવાણા, અમદાવાદ: સામાન્ય રીતે કોઇ પણ ચોરી કે લૂંટફાટ જેવા બનાવ બને તો તાત્કાલીક ધોરણે ફરિયાદ નોંધવી તેવું પોલીસ મેન્યુઅલમાં જણાવાયું છે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ પોતાની આડોડાઇના કારણે ફરિયાદ નોંધતા નથી અને ગુનેગારોને ગુના માટે પ્રોત્સાહિત કરતા હોય છે. પિક પોકેટિંગ બાદ એટીએમમાંથી પૈસા ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાવવા ગયેલા ફરિયાદી અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પી.આઇ. રાઠવાએ ‘ડેબિટ કાર્ડનો પિન પાછળ કેમ લખ્યો હતો ? ફરિયાદ નહીં લેવાય કહી તગેડી મૂ્ક્યા હતા. જોકે ફરિયાદીએ રેલવે એસ.પી.ને અરજી કરતાં તાત્કાલીક ધોરણે ફરિયાદ નોંધાઇ હતી. પ૦ દિવસ સુધી ર૦ ધક્કા ખાધા બાદ આ ફરિયાદ નોંધાઇ હતી.

મોટેરા સંગાથ-૪માં રહેતા અને વેપાર-ધંધો કરતા હેમંતભાઇ રમણભાઇ શાહ રપ-૧૦-૧૬ના રોજ સવારે ૬-પ૦ના રોજ ગાંધીધામ ધંધાર્થે જવા નવી બુકિંગ ઓફિસથી ટિકિટ લઇ એસ્કેલેટર પર જતા હતા દરમ્યાન બે ગઠિયાએ પાછળના ખિસ્સામાંથી પર્સ ચોરી લીધું હતું. ચોરી થયાની ૧૦ જ મિનિટમાં તેમનાં બે એટીએમમાંથી રૂ.૩૩,૦૦૦ નીકળ્યા હતા. હેમંતભાઇએ કન્નડ ભાષામાં એટીએમ પિન લખ્યો હોવા છતાં એટીએમમાંથી પૈસા ઉપડી ગયા હતા. આ અંગે હેમંતભાઇ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે રેલવે પી.આઇ. રાઠવાએ ડેબિટ કાર્ડનો નંબર પાછળ કેમ કહી ફરિયાદ લેવાની ના પાડી અને માત્ર અરજી લીધી હતી. હેમંતભાઇએ જાતે તપાસ કરી તો બંને એટીએમમાં જે સમયે પૈસા ઉપડ્યા તેના સીસીટીવી ફૂટેજ પણ બેન્કમાંથી લઈ અને પોલીસને અાપ્યા હતા. છતાં પોલીસે કાર્યવાહી કરી ન હતી.

અનેક ધક્કા ખવડાવ્યા બાદ રેલવે એસ.પી.ને તેઓએ અરજી કરતા ૧૬-૧ર-૧૬ના રોજ તેઓની ફરિયાદ એસ.પી.ના આદેશથી રેલવે પોલીસે લીધી હતી. ફરિયાદી હેમંતભાઇએ જણાવ્યું હતું કે રેલવે પી.આઇ.એ ફરિયાદ જ લેવાની ના પાડી હતી. ક્રાઇમ બ્રાંચ સહિતમાં ધક્કા ખાધા બાદ રેલવે એસ.પી.ની સૂચનાથી ફરિયાદ લેવાઇ હતી. રેલવે પોલીસ સ્ટેશનના પીઅાઈ રાઠવાઅે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ચોરીની ફરિયાદ નોંધાવવા અાવે તો ફરિયાદ લઈ લેવામાં અાવે છે. એટીએમનો પીન નંબર પાછળ કેમ લખ્યો અને ફરિયાદ ન લેવાય તેવું કહ્યું ન હતું.

home

You might also like