રોકાણ કરવા માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય કેમ?

ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે શ્રેષ્ઠ રાજ્ય ક્યું? તેનો જવાબ છે ગુજરાત, કારણ કે ગુજરાત પાસે એવી તમામ ક્ષમતાઓ છે જે ધંધાકીય વાતાવરણને અનુકૂળ હોય. આ વાત કોઈ રાજકીય નેતાએ કે સંગઠને નથી કહી પણ વર્લ્ડ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ, ૨૦૧૫ના રિપોર્ટમાં કહેવામાં આવી હતી.

આ રિપોર્ટમાં ભારતનાં તમામ રાજ્યોમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું હતું. આ વાતને હજી થોડા દિવસો થયા ત્યાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચે તાજેતરમાં ભારતનાં રાજ્યોની યાદી બનાવી હતી કે કયું રાજ્ય રોકાણ કરવા માટે સારું છે.

ધ સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઈન્ડેક્સ-૨૦૧૬માં ફરી એક વખત ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું હતું. આ ઈન્ડેક્સની બે યાદી બનાવવામાં આવી હતી. જેમાં એક યાદી ૨૧ રાજ્યોને લઈને બનાવવામાં આવી હતી.

આ રિપોર્ટ તૈયાર કરવા માટે લેબર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈકોનોમિક કન્ડિશન્સ, પોલિટિકલ સ્ટેબિલિટી અને ગવર્નન્સ જેવી મહત્ત્વની પાંચ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી. જો કે જે તે રાજ્યના બિઝનેસ એન્વાયર્નમેન્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું હતું. જ્યારે બીજી યાદી ૩૦ રાજ્યોને લઈને બનાવવામાં આવી હતી પણ એ સરવૅમાં બિઝનેસ એન્વાયર્નમેન્ટના મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હીને પ્રથમ સ્થાન અને ગુજરાતને બીજો નંબર મળ્યો હતો.

સરવૅમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં બિઝનેસ કરવામાં સૌથી મોટો અવરોધ ભ્રષ્ટાચાર છે અને ધંધાની મંજૂરી મેળવવાની રહે છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે ૨૧ રાજ્યોના ૧૦૧૧ ઈન્ડસ્ટ્રીયલ યુનિટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે તે ઈન્ડસ્ટ્રીઝના એમડી, સીઈઓ, એચઆર અથવા હેડનો જવાબ મેળવવામાં આવ્યો હતો.

You might also like