ગીર ગઢડામાં સાવજની જોવા મળી દયનીય હાલત, પરેશાન કરતો VIDEO વાયરલ

ગીર ગઢડાઃ જેની એક ઝલક માટે દેશ-વિદેશનાં પ્રવાસીઓ છેક અહીં ગીર સુધી દોડી આવે છે. જેની એક ત્રાડથી માણસનાં પગ નીચેથી જમીન સરકી જાય છે. તેવાં ગીરનાં જ એક રાજા સાવજની આજે દયનીય હાલત જોવાં મળી રહી છે. સિંહ દર્શનનાં તો અનેક વીડિયો તમે જોયાં હશે.

પરંતુ સિંહની પજવણીનો આ વીડિયો જોઈને તમારા રુંવાટા ઊભા થઈ શકે છે. આ વીડિયો ગીરગઢડાનાં જંગલ વિસ્તારનો છે. જ્યાં વાડી વિસ્તારમાં કેટલાંક લોકો માનવતા ભૂલીને સાવજની પજવણી કરી રહ્યાં છે. હાથમાં મરઘી બતાવીને વારંવાર તેઓ સિંહને લાલચ આપી રહ્યાં છે.

સિંહ પાસે પહોંચે એટલે તેને ડરાવીને ફરી ફરી દૂર જવા મજબૂર કરે છે. સિંહ પણ ભૂખનો માર્યો મરઘીને દબોચવાની સતત કોશિશ કરી રહેલ છે. તે લોકો દ્વારા વારંવાર તે સિંહને લાલચ આપવામાં આવે છે. જો કે અંતે સિંહ તરફ મરઘી ફેંકવામાં આવે છે અને તે સિંહ પણ તરાપ મારીને તેને દબોચીને ભાગી જાય છે.

પરંતુ આ પ્રકારની ઘેલછામાં ક્યારેક જીવ પણ જઈ શકે છે. જો કે આ વીડિયો સામે આવ્યાં બાદ વન વિભાગે આ શખ્સોને ઝડપી પાડ્યાં છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You might also like