ધનારક મીનારક શા માટે? પંચાંગ એટલે શું ?

જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગોની માહિતી આપવામાં આવી હોય એને પંચાંગ કહે છે. તે પરથી શુભ-અશુભ મૂહુર્તો, યોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે.

ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે.

આ વધારેલા માસને અધિક માસ કહે છે. ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ ૩૦ દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે.

આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. આ વર્ષે પ્રથમ જ્યેષ્ઠ અધિક માસ છે.

કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઊતરતા સુધીના દિવસોને પંચક કહેવાય. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીના નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, બળતણ લેવું, અગ્નિદાહ દેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું.

વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી ૯ મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને (બાકી આમ તો પંચક ૫ દિવસ જ હોય) મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.

ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન, તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમુરતાં કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામક્ષેત્રમાં હોવાથી કમુરતાંની ગણના કરવાની રહેતી નથી.

ખાસ કરીને ચૈત્ર સુદ ૧ એટલે કે ગુડીપડવો, અક્ષય તૃતીયા, વિજયાદશમી અને કારતક સુદ ૧ (બેસતું વર્ષ) આ ચાર મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની આવશ્યકતા નથી. હિંદુઓમાં વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વીંછુડો કહેવાય છે.

આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભ કાર્ય કરી શકાય છે. સૂર્ય ચંદ્રનો ભોગ સરખો થાય ત્યારે અમાવાસ્યાનો અંત ગણાય છે. સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વિશેષ ઝડપી હોવાથી સૂર્યથી આગળ ચંદ્ર જાય છે. આમ બંને વચ્ચે બાર અંશ અંતર પડવાને જે કાળ લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે. તિથિ બદલાવાનો સમય જુદો જુદો હોય છે, પણ વાર કોઈ દિવસ મધ્યરાત્રીએ બદલાતા નથી. •

You might also like