ભારત કેમ પાકિસ્તાનીઓને વિઝા નથી આપતું?

અમેરિકા અને બ્રિટન ભારતીયોને વિઝા આપવામાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. ભારતની મુલાકાતે અનેક દેશના પ્રવાસીઓ આવે છે અને સરળતાથી વિઝા મળી રહે છે પણ આ વર્ષે ભારતે હજારો પાકિસ્તાનીઓની વિઝા એપ્લિકેશન નકારી દીધી છે. માહિતી અનુસાર આ વર્ષે ૫૩ ટકા પાકિસ્તાનીઓની વિઝા અરજી પર રિજેક્ટેડનો સિક્કો ભારત તરફથી મારવામાં આવ્યો છે. આ ટકાવારીનું પ્રમાણ છેલ્લાં વર્ષોની સરખામણીએ બમણાથી પણ વધારે છે. ૨૦૧૫માં ૧૭ ટકા અને ૨૦૧૪માં ૧૭ ટકા પાકિસ્તાનના લોકોને વિઝા આપવામાં નહોતા આવ્યા.

૩૧ મે, ૨૦૧૬ સુધીમાં પાકિસ્તાનના ૩૩,૧૯૧ નાગરિકોએ ભારત આવવા માટે વિઝા માગ્યા હતા. જેમાંથી ૧૭,૫૮૧ લોકોની અરજીને નકારી દેવામાં આવી હતી. જે રીતે પાકિસ્તાનીઓની વિઝા અરજી નકારવામાં આવી છે તે બાબતે ચિંતા વ્યક્ત કરતાં યુનિયન હોમ સેક્રેટરી રાજીવ મેહરિશીએ કહ્યું હતું કે, “જે વિઝા અરજી નકારવામાં આવી છે તેનું કારણ દર્શાવવામાં આવે તે જરૂરી છે. જો કોઈ તર્કસંગત કારણ ન હોય તો જેની અરજી નકારાઈ છે તેના પર ફરી વિચારણા કરો અને અરજીકર્તાઓને મદદ કરો.”

અરજીઓ નકારવાની બાબતે અધિકારીએ કહ્યું હતું કે, “પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પઠાણકોટ એરફોર્સ બેઝ પર થયેલા હુમલાની દ્વિપક્ષીય સંબંધો પર અસર થઈ છે.” બીજી તરફ પાકિસ્તાની સૈનિકો તરફથી સરહદો પર અથડામણ કરવામાં આવી રહી છે. સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે છે તેવું જાણવા મળ્યું હતું.

You might also like