ગૂગલ મેપમાં ભારતના રસ્તાઓ સ્ટ્રીટ વ્યૂમાં કેમ નથી?

કવિ ઉમાશંકર જોષીની એક કવિતા છે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…’. એક પ્રદેશનો મુસાફર બીજા પ્રદેશમાં પ્રવાસ કરવા નીકળે ત્યારે તેને જે તે વિસ્તારના સ્થાનિકની મદદ લેવી પડતી હોય છે. કયો રસ્તો ક્યાં જાય છે? ક્યાંથી શોર્ટકટ છે અને ક્યાંથી ફટાફટ પહોંચાશે? એ વિશેની માહિતી સ્થાનિક લોકોને હોય છે. ગુજરાતીમાં તેને વાટ બતાવનાર તરીકે ઓળખવામાં આવે છે પણ હવે તેની જરૂર રહી નથી, કેમ કે દરેકના મોબાઈલ અને કારમાં ગૂગલ મેપ હોય છે.

ગૂગલ મેપ પાસે છેવાડાના ગામડાના રસ્તાની પણ સચોટ દિશા છે. તેમાં પણ ગૂગલ આધુનિકતા લઈ આવ્યું છે. ઘણા સમયથી ગૂગલ રસ્તાને સ્ટ્રીટ વ્યૂથી બતાવે છે. એટલે કે જગપ્રસિદ્ધ એફિલ ટાવર જવું હોય તો જ્યાંથી તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ લૉકેશન આપો ત્યાંથી એન્ડ પોઈન્ટ સુધીની આખી સ્ટ્રીટ આબેહૂબ બતાવે છે.

જગતના અનેક દેશો સ્ટ્રીટ વ્યૂથી જોવા મળે છે પણ ભારતમાં અમુક પ્રવાસન સ્થળોને બાદ કરતાં સ્ટ્રીટ વ્યૂ મેપ જોવા મળતા નથી. તેનું કારણ એવું નથી કે ગૂગલને ભારતના રસ્તા બતાવવામાં રસ નથી પણ ભારતમાં સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ વ્યૂ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

માહિતી પ્રમાણે થોડા મહિના પહેલાં કંપની દ્વારા ‘સ્ટ્રીટ મેપિંગ ફીચર શોઈંગ’ની અરજી કરવામાં આવી હતી પણ રક્ષા મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો. રક્ષા મંત્રાલયના આંતરિક વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે ગૂગલ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને અમે નકારી કાઢ્યો છે પણ અંતિમ નિર્ણય વર્ષના અંતમાં લેવામાં આવશે. ભારતમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂથી આગ્રાનો તાજમહાલ અને દિલ્હીનો કુતુબમિનાર જોઈ શકાય છે.

You might also like