અફઘાનિસ્તાન સામે શા માટે જીતનો કોળિયો હોઠ સુધી ના પહોંચી શક્યો?

દુબઈઃ અફઘાનિસ્તાને ગઈ કાલે ભારત સામેની મેચ ટાઇ કરાવીને અપસેટ સર્જી દીધો. ટીમ ઇન્ડિયાએ જોકે પોતાના ટોચના ખેલાડીઓને આરામ આપ્યો હતો. અફઘાન ટીમે ગઈ કાલની મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને જીતવા માટે ૨૫૩ રનનું લક્ષ્ય આપ્યું હતું, નિયમિત અંતરે વિકેટો ગુમાવવાને કારણે ભારતની જીતનો કોળિયો હોઠ સુધી પહોંચી શક્યો નહોતો.

શહઝાદની શાનદાર સદીઃ મોહંમદ શહઝાદે શાનદાર બેટિંગ કરી. ભુવનેશ્વર, જસપ્રીત બૂમરાહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્ટાર બોલર વિના મેદાનમાં ઊતરેલી ભારતીય ટીમના બોલર્સની શહઝાદે જોરદાર ધોલાઈ કરીને તોફાની સદી ફટકારી. શહઝાદે પોતાની કરિયરની પાંચમી સદી ફટકારી હતી.

ભારત સામે સદી ફટકારનારો તે પ્રથમ અફઘાન બેટ્સમેન બની ગયો છે. તેણે માત્ર ૮૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી. આઉટ થતાં પહેલાં શહઝાદે ૧૧૬ બોલમાં ૧૨૪ રન ૧૧ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી બનાવ્યા.

નબીની તોફાની ઇનિંગ્સઃ મોહંમદ શહઝાદની સદી બાદ મોહંમદ નબીએ ઝડપી ૬૪ રનની ઇનિંગ્સ રમી. નબીએ ફક્ત ૫૬ બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૬૪ રન ઝૂડી કાઢ્યા.

નબી ૨૯મી ઓવરમાં જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર પાંચ વિકેટે ૧૩૨ રન હતો. નબી આવતાંની સાથે જ શોટ ફટકારવાનું શરૂ કરી દીધું હતું ૩૫ ઓવર સુધીમાં પોતાની ટીમનો સ્કોર ૧૬૫ રન પહોંચાડી દીધો હતો.

ભારતીય બેટિંગ નિષ્ફળઃ ટીમ ઇન્ડિયા તરફથી ઓપનરો રાયડુ અને રાહુલે અર્ધસદી ફટકારીને શાનદાર શરૂઆત અપાવી હતી, પરંતુ એ બંનેના આઉટ થઈ ગયા બાદ અફઘાન બોલરોએ ભારતના અન્ય બેટ્સમેનોને મોટી ઇનિંગ્સ રમવા દીધી નહોતી.

ભારતનો મિડલ ઓર્ડર અફઘાન બોલર્સ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. એમાંય ત્રણ ખેલાડી રનઆઉટ થતાં ભારતની કમર તૂટી ગઈ હતી. ગઈ કાલે એવું લાગ્યું હતું કે સ્પિન બોલિંગ ભારતીય બેટ્સમેનો માટે કોઈ નવી ચીજ છે.

ધોની-મનીષની કંગાળ બેટિંગઃ
ગઈ કાલે ધોની પાસેથી આશા રાખવામાં આવી રહી હતી કે તે શાનદાર બેટિંગ કરશે, પરંતુ તે વિકેટ પર ટકી શક્યો નહીં અને ફક્ત આઠ રન બનાવની અફઘાન સ્પિનરની જાળમાં ફસાઈ ગયો.

આ જ રીતે મનીષ પાંડે પણ પોતાની વિકેટ બચાવી શક્યો નહીં અને ફક્ત આઠ રન બનાવીને ફાસ્ટ બોલર આફતાબ આલમનો શિકાર બની ગયો. દિનેશ કાર્તિકે જરૂર થોડો સંઘર્ષ કર્યો, પરંતુ તે પણ ૪૪ રન બનાવીને અણીના સમયે આઉટ થઈ ગયો હતો.

અફઘાનોની શાનદાર બોલિંગઃ ગઈ કાલની મેચમાં અફઘાનોએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. બોલરોએ નિયમિત અંતરે વિકેટો ઝડપી. ટીમ ઇન્ડિયાના ઘણા ધુરંધર બેટ્સમેન અફઘાન સ્પિનર્સની ફીરકીમાં ફસાઈ ગયા. રાહુલ, ધોની, કાર્તિક જેવા બેટ્સમેનો એલબી આઉટ થયા.

અંતિમ પાંચ ઓવરમાં ભારતને જીતવા માટે ૨૭ રનની જરૂર હતી. જોકે એ સમયે ભારતે સાત વિકેટ ગુમાવી દીધી હતી. કોઈ બેટ્સમેન ભારતને જીત અપાવી શક્યો નહોતો. આમ ભારતની જીતનો કોળિયો હોઠ સુધી ના પહોંચતા હાથમાં જ રહી ગયો હતો.

You might also like