યુ.પી.-પંજાબમાં કોંગ્રેસીઓ વિજય માટે નિશ્ચિંત્ત કેમ છે?

૨૦૧૭માં પંજાબ અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવાનું બીડું ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે ઝડપ્યું છે. પ્રશાંતે આ કામ માટે વૉર-રૂમ કાર્યરત કરવા જગ્યા માગી છે. અત્યારે દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ ખાતે પક્ષનો વૉર-રૂમ ચાલે છે. એ અને અન્ય એકાદ-બે સ્થળો તેમને બતાવવામાં આવ્યાં છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસના ખજાનચી મોતીલાલ વોરાને અઢીસો લોકોની એક યાદી આપી છે. અને કહ્યું છે કે આ લોકો મારી ટીમમાં કામ કરશે, તેના માટે બેસવાની વ્યવસ્થા કરવાની છે. આટલા લોકો બેસી શકે એવી જગ્યા હજુ ફાઈનલ થઈ નથી, પરંતુ મોતીલાલ વોરાને તો વૉર-રૂમ માટેની જગ્યા ઉપરાંત આ અઢીસો લોકોને દર મહિને વેતન ચૂકવવા માટેનાં નાણાં ક્યાંથી લાવવાં તેની ચિંતા પણ સતાવવા લાગી છે.

કોંગ્રેસ અત્યારે ભંડોળની અછત અનુભવે છે. બીજી બાજુ હાલના ગુરુદ્વારા રકાબગંજ ખાતેના વૉર-રૂમમાં કામ કરતાં પક્ષના નિષ્ઠાવાન લોકોને એ ચિંતા સતાવે છે કે જો પ્રશાંત કિશોરની ટીમ વૉર-રૂમ સંભાળશે તો તેમનું શું થશે? આસામના મુખ્યપ્રધાને તો તેમની સેવા લેવાની ના પાડી દીધી. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ પહેલેથી જ તેમની સેવા લઈ રહ્યા છે. કહે છે કે પંજાબના કોંગ્રેસીઓ હવે નિશ્ચિંત બની ગયા છે. કોઈ પૂછે તો કહે છે કે પ્રશાંત કિશોર નામના કોઈ મહાનુભાવ છે, એ જિતાડી દેશે, કેવી રીતે જીત અપાવશે- એ ખબર નથી!

You might also like