શ્રુતિ માટે રિસ્ક લેશે કોણ?

તાજેતરમાં રિલીઝ થયેલી ‘રોકી હેન્ડસમ’માં શ્રુતિ હાસનના ભાગે કંઇ ખાસ કામ આવ્યું નથી. હવે તે
‘યારા’ ફિલ્મમાં કામ કરી રહી છે. તે તિગ્માંશુ ધૂલિયાની ‘યારા’ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ ફ્રેન્ડશિપ પર આધારિત છે. શ્રુતિ તે ફિલ્મમાં એકદમ ઇમોશનલ રોલમાં જોવા મળશે. તે કહે છે કે મારા માટે ‘યારા’નું કેરેક્ટર એકદમ ચેલેન્જિંગ રહ્યું. આ ફિલ્મ 2001ની એક ફ્રાન્સિસી ફિલ્મની રિમેક છે.
શ્રુતિ ભલે ગમે તે કહે, પરંતુ તેની કિસ્મત સાથ આપી રહી નથી. તેની ફિલ્મો સાઉથમાં ભલે કમાલ કરતી હોય, પરંતુ બોલિવૂડમાં તેની હજુ એક પણ ફિલ્મ કમાલ કરી શકી નથી. તેના કરતાં તો પહેલી જ ફિલ્મ ‘શમિતાભ’માં તેની બહેન અક્ષરા હાસનની ભૂમિકાને લોકોએ વખાણી હતી. શ્રુતિના ભાગમાં બોલિવૂડમાં નાચવા-ગાવા સિવાયની કોઇ ભૂમિકા આવી નથી. કદાચ અહીં હજુ તેને અભિનય કરવાની તક જ મળી નથી. તેણે પોતાની જાતને કે પોતાની અભિનય ક્ષમતાને પુરવાર કરવી પડે તેવો એક પણ રોલ અહીં હજુ તેને મળ્યો જ નથી. તે કહે છે મારી પાસે તામિલ અને તેલુગુમાં ફિલ્મો છે. બોલિવૂડમાં તેની પાસે માત્ર એક જ ફિલ્મ ‘યારા’ છે. ‘રોકી હેન્ડસમ’ફ્લોપ જઇ ચૂકી છે, એમ પણ જો ‘રોકી’ ફિલ્મ સફળ હોય તો પણ તેની સફળતાનો એક ટકા જશ પણ તેના ભાગે નથી. તે ફિલ્મ માત્ર ને માત્ર જોનની છે.
શ્રુતિ પણ અન્ય અભિનેત્રીઓની જેમ ગાઇ-વગાડીને કહી રહી છે કે હું ફિલ્મોની પસંદગીમાં થાપ ખાવા ઇચ્છતી નથી અને તેથી હું સમજી-વિચારીને ફિલ્મો સિલેક્ટ કરું છું. હું સ્ક્રિપ્ટ વાંચ્યા વગર કોઇ પણ ફિલ્મ સાઇન કરતી નથી. કોઇ પણ ડિરેક્ટરને વગર વિચાર્યે હા કહેતી નથી. જો આ વાત સાચી હોય તો સવાલ એ છે કે શ્રુતિની એક પણ ફિલ્મ હિટ ગઇ કેમ નથી. શ્રુતિ વુમન બેઇઝ્ડ ફિલ્મો કરવા ઇચ્છે છે, પરંતુ કોઇ પણ ટેલેન્ટ સાબિત ન કરી શકનારી શ્રુતિને આવી ફિલ્મો આપવાનું રિસ્ક લેશે કોણ?

You might also like