કોને પસંદ કરશે દીપિકા પદુકોણ

થોડા દિવસ પહેલાં દીપિકા પદુકોણ અને રણવીરસિંહનાં માતા-પિતા એકબીજાને મળ્યાં. બંનેનાં માતા-પિતાની મુલાકાત સારી રહી. ઘણી વાર સુધી તેઓ એકબીજા સાથે વાતચીત કરતાં જોવા મળ્યાં. રણવીરસિંહ અને દીપિકા પદુકોણને બેસ્ટ અભિનેતા અને અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. આ પુરસ્કાર બંનેને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ માટે મળ્યો. જ્યારે આ બંનેમાંથી કોઇ પણ એક સ્ટેજ પર હોય તો બીજું તાળીઓના ગડગડાટથી તેનો ઉત્સાહ વધારતું. બંનેએ આ સમારંભમાં ખૂબ ધમાલ કરી. એક મહિના પહેલાં જ્યારે રણબીર-કેટરિનાનું બ્રેકઅપ થયું ત્યારે લોકો કહેવા લાગ્યા કે જૂના પ્રેમીઓ રણબીર અને દીપિકા ફરી એક થઇ શકે છે. રણબીર- દીપિકાનું એકબીજાને મળવાનું પણ વધી ગયું હતું. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રી માટે આ સારી વાત છે, જોકે ફિલ્મ ફેર એવોર્ડમાં તો બધું બદલાઇ ગયું.

દીપિકાએ રણવીરસિંહ સાથેની નિકટતાને ક્યારેય જાહેરમાં સ્વીકારી નથી. દીપિકાએ વાતને ટાળી છે અથવા તો તેને અવગણી છે. હંમેશાં બંને મીડિયાની નજરોથી બચતાં રહ્યાં છે, પરંતુ ફોટોગ્રાફર્સે તેમને ઘણી વાર કેમેરામાં કેદ કર્યાં છે. રણવીરસિંહનાં માતા-પિતા દીપિકાના પિતા પ્રકાશ પદુકોણને મળીને ખૂબ ખુશ દેખાઇ રહ્યાં હતાં. તેમણે રણવીર અને દીપિકાની વિવાહના બંધનમાં બંધાવાની વાત તો સ્વીકારી નથી, પરંતુ ફરી મળવાનો સમય માગ્યો છે. પ્રકાશ પદુકોણે પણ તેમને ફરી મળવાનો વાયદો કર્યો છે. દીપિકા અને રણવીરના નજીકના લોકો પણ મીડિયા સામે શું કહેવું તેની મૂંઝવણમાં છે તો બીજી તરફ એવોર્ડ મેળવ્યા બાદ રણવીર અને દીપિકા પબ્લિકની સામે એકબીજાને ગળે મળીને અભિનંદન આપે છે. હવે દર્શકો સામે એ સવાલ છે કે દીપિકા રણવીર કે રણબીર બેમાંથી કોની તરફ પસંદગીનો કળશ ઢોળે છે. •

You might also like