મહાપાલિકાની ચૂંટણીમાં ગુજરાતી પોલિટિક્સ કોને ફળશે?

અમદાવાદ : એક જમાનો હતો, જ્યારે ગુજરાતી માણસ રાજકારણમાં રસ નહોતો દાખવતો, હું ભલો ને મારું કામ ભલુંની માનસિકતા ધરાવતો હતો પણ આજે પરિસ્થિતિ એકદમ બદલાઇ ગઇ છે. સારા એવો જામેલો વ્યવસાય છોડીને પણ ગુજરાતી લોકો પોલિટિક્સમાં જોડાવા લાગ્યા છે. મુંબઇ માટે તો આ વાત એકદમ સાચી સાબિત થઇ રહી છે.

ભાજપ-કોંગ્રેસની વાત તો ચાલો માની લઇએ કે અલગ છે પણ શિવસેના અને મનસેએ પણ ગુજરાતી ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. એટલું જ નહીં ઘાટકોપરમાં તો બે ગુજરાતી ઉમેદવારો વચ્ચે જ અસલી જંગ ખેલાઇ રહ્યો છે. મનપા(મુંબઇ મહાનગરપાલિકા)ની ૨૨૭ બેઠકો માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ૨૩ ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ આવવાનું છે.

ત્યારે તો ગુજરાતી મત અને ગુજરાતી ઉમેદવારોની સાચી પરિસ્થિતિ અને અસર કેવી છે તેની ખબર પડી જ જશે પણ આજની સ્થિતિ એવી છે કે ભાજપ તરફથી ૧૮, કોંગ્રેસ તરફથી ૨૨, શિવસેના તરફથી ૭ અને મનસે તરફથી ૩ ગુજરાતી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ જ આંકડો ૫૦નો થઇ રહ્યો છે. બાકી અપક્ષ ઉમેદવારોને તો ગણતરીમાં જ નથી લીધા આપણે.

મુંબઇમાં ૨૨ ટકા મતદારો ગુજરાતી છે. દરેક પક્ષ આ ગુજરાતી મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. આમ તો ગુજરાતી સમાજને ભાજપનો પરંપરાગત મતદાતા માનવામાં આવે છે. જોકે, આજે પરિસ્થિતિ થોડી અલગ છે. વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સેના-ભાજપની યુતિ તૂટી ગઇ. ગુજરાતી મતદારોએ ભાજપને સાથ આપ્યો.

કદાચ આ એક મોટું કારણ હતું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક સમયે નાના ભાઇની ભૂમિકા નિભાવતો અને સેનાની ફટકાર સાંભળનાર ભાજપ વધારે બેઠકો મેળવીને મોટા ભાઇની ભૂમિકામાં આવી ગયો. હવે આ મોટા ભાઇની દાદાગીરીને વળતો જવાબ આપતાં શિવસેનાએ સેના-ભાજપના ગઠબંધનને તોડીને એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હવે કોંગ્રેસ, ભાજપ, સેના, મનસે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ બધાં પક્ષો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે.

મુંબઇમાં રાષ્ટ્રવાદીની જોઇએ એવી તાકાત નથી. પરિણામસ્વરૂપ અહીં બાકીના ચાર પક્ષો વચ્ચે જ મોટો જંગ ખેલાઇ રહ્યો છે. એમઆઇએમ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા પક્ષ પોતાના દાયરા સુધી સીમિત છે. તેમ છતાં દલિત મુસ્લિમ મતદારોની પોતાની આગવી અસર હોય છે. પરપ્રાંતીયોના મતોની અસર પણ દેખાઇ ચૂકી છે. હવે પહેલી વાર ગુજરાતી મતોની અસરનો ખ્યાલ આવશે.

આ વખતની ચૂંટણીની સૌથી રસપ્રદ લડાઇ ઘાટકોપર(પૂર્વ)માં જોવા મળી રહી છે. કોંગ્રેસના મહાપાલિકાના જૂથનેતા અને પૂર્વ નગરસેવક પ્રવીણ છેડાની સામે ભાજપે પરાગ શાહને ઊભા રાખ્યા છે. પરાગ શાહ બિલ્ડર છે. ઘોષણાપત્રમાં પરાગ શાહે પોતાની સંપત્તિ ૬૯૦ કરોડ બતાવી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ છેડાનું કહેવું છે કે આવો અબજોપતિ માણસ લોકોની પાણી, ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઉપલબ્ધ થશે ખરો? પ્રજા આ માણસને મળી શકશે ખરી? તો બીજી તરફ પરાગ શાહનું કહેવું છે કે એ પોલિટિકલ સિસ્ટમને બદલવા માટે પોલિટિક્સમાં ઊતર્યા છે.

આ બંને ઉમેદવારો જે વિસ્તારમાંથી લડી રહ્યા છે, એ વિસ્તારમાં ગુજરાતી મતદાતાઓની સંખ્યા સૌથી વધુ છે. હવે જોવાનું એ છે કે ગુજરાતી મતદારો કયા ગુજરાતી ઉમેદવારને ચૂંટી લાવે છે. અનુભવી પ્રવીણ છેડાને કે પછી અબજોપતિ પરાગ શાહને? ઘાટકોપર વેસ્ટ પહાડો પર વસેલા ઝૂંપડાંઓનો વિસ્તાર છે. અહીંથી કેતન શાહ ચૂંટણી લડી રહ્યા છે. એમનું કહેવું છે કે ચૂંટાઇ આવ્યા બાદ તેઓ તુરત જ પહાડો પર પાણી અને ગટરલાઇન પહોંચાડવાનું કામ કરશે અને ઝૂંપડાઓની સુરક્ષા માટે સંરક્ષક દીવાલો ઊભી કરશે, જેથી પહાડનું પાણી ઝૂંપડાંઓ પર પડીને ઝૂંપડાંઓને તહસનહસ ન કરે.

કોંગ્રેસ નેતા ઉપેન્દ્ર દોશીએ ‘અભિયાન’ સાથે વાતચીત કરતાં કહ્યું કે અગાઉ તેમનાં પત્ની નયના શેઠ સાયન માટુંગા વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યાં છે. આ વર્ષે તેઓ આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. મહાપાલિકા ક્ષેત્રમાં તેમણે કરેલાં કામથી લોકો પરિચિત જ છે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ વિસ્તારમાંથી કુલ આઠ લોકો ચૂંટણી લડી રહ્યા છે અને આ બધામાં તેઓ જ

એકમાત્ર ગુજરાતી ઉમેદવાર છે. એટલે મરાઠી, સાઉથ ઇન્ડિયનની સાથેસાથે ગુજરાતી સમાજના બધા મત તેમને જ મળશે. મુંબઇમાં જે બેઠકો પર કોંગ્રેસની જીત પાક્કી માનવામાં આવી રહી છે, તેમાં એક બેઠક ઉપેન્દ્ર દોશીની પણ છે.

દહીસરના ભાજપના ઉમેદવાર જગદીશ ઓઝાને વિશ્વાસ છે કે આ વિસ્તારની પચાસ ટકા વસતી કે જે ગુજરાતી છે તે ઓઝાને જ મત આપશે. ભાજપનો પ્રભાવ અને ગુજરાતી વોટ બંને મળીને ઓઝાને જિતાડશે એવો વિશ્વાસ ઓઝા વ્યક્ત કરી રહ્યા છે. ઓઝાની સામે શિવસેના તરફથી ભાલચંદ્ર મ્હાત્રે ઊભા રહ્યા છે.

ચિરા બજાર વિસ્તારમાં પ્રીતિ ગવ્હાણે પટેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી ચૂંટણી લડી રહ્યાં છે. આમ તો આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે પણ પ્રીતિ પટેલનું કહેવું છે કે ગુજરાતી અને મરાઠી વોટોનું કોમ્બિનેશન તેમને જિતાડવામાં મદદ કરશે. શિવસેનાએ પ્રીતિ પટેલ સામે મીના કાંબલીને ઊભાં રાખ્યાં છે. પ્રીતિ ગવ્હાણેનું કહેવું છે કે આ વિસ્તારમાં ટ્રાફિકનો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે અને આ મુદ્દાનું સમાધાન મનસે જ લાવી શકે એમ છે એટલે તેઓ જ જીતીને આવશે એવો તેમને વિશ્વાસ છે.

‘અભિયાને’ જેટલા પણ ગુજરાતી ઉમેદવારો સાથે વાત કરી, એ બધાનો દાવો છે કે તેઓ જ ચૂંટાઇને આવશે. મુંબઇ તો કોસ્મોપોલિટન શહેર છે અને ચૂંટણી માત્ર જાતિ ને પ્રાંતના આધારે નથી જીતી શકાતી.

You might also like