માનવી સૌથી વધારે કોનો ઋણી છે? એક અનુત્તરીય પ્રશ્ન

ઘણી વાર પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે માનવી સૌથી વધારે કોનો ઋણી છે અને કોના પ્રત્યે સૌથી વધારે જવાબદાર છે? જન્મ્યા પછી માનવી પર માતા-પિતાનું ઋણ ચઢવા લાગે છે. તીવ્ર વેદના સહન કરીને મા તેને જન્મ આપે છે, પોતાના લોહીને દૂધમાં બદલીને તેનું પાલનપોષણ કરે છે. પિતા પોતાનો ખૂનપસીનો એક કરીને બાળકનું પાલન-પોષણ કરે છે, તેની જરૂરિયાતો સંતોષે છે અને તેની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે. આમ જોઇએ તો તેના પર સાૈથી પહેલું ઋણ માતા-પિતાનું છે, પણ તે સૌથી મોટો ઋણી તો સમાજનો જ છે. માતા-પિતા પણ સમાજમાંથી જ આવે છે અને પોતાની જરૂરિયાતોની પૂર્તિ પણ પિતા દ્વારા સમાજ પાસે જ મેળવે છે.

આમ તો માનવી અને સમાજને જુદાં કરવાં મુશ્કેલ છે. બંનેની બાબતમાં એટલું ચોક્કસ કહી શકાય કે માનવી એક છે તો સમાજ માનવીઓનો સમૂહ છે. મકાનમાં એકલી ઇંટો હોય તો તેને મકાન કહી શકાતું નથી. માનવી અને સમાજની સરખામણી આપણા શરીર તથા અંગો સાથે કરવામાં આવે તો શરીરનું અસ્તિત્વ અંગો પર આધારિત છે તો અંગોનું અસ્તિત્વ શરીર પર આધારિત છે.

હાથ, પેટ, હૃદય અને મગજ જેવાં અંગો એકસરખાં ઋણી છે. અંગોના એકબીજા સાથેના સહકાર વિના શરીરનો કોઇ અવયવ બની શકતો નથી. અંગ જે રીતે આખા શરીર પ્રત્યે જવાબદાર છે તે જ રીતે માનવી પણ સમાજ પ્રત્યે જવાબદાર હોવો જોઇએ. શરીરના પ્રત્યેક અવયવ વચ્ચે જેટલો ગાઢ સહયોગ હોય છે તેવો જ ગાઢ સહયોગ માનવીનો સમાજ પ્રત્યે હોવો જોઇએ.

સાધારણ બાબતોમાં પણ માનવી બીજાઓની સગવડનો સહેજ પણ વિચાર કરતો નથી અને પોતાનો સ્વાર્થ સાધવામાં સહેજ પણ અડચણ આવે તો તે ઝેરીલા સાપની જેમ ફુંફાડા મારવા લાગે છે. જે માનવીના હૃદયમાં સમાજનું હિત વસેલું નથી તેના દરેક કાર્યમાં અપરાધપણું જોવા મળે છે. બીજાને નુકસાન પહોંચાડવાથી જ લાભ મેળવી શકાય છે. આમ, જેના મનમાં કોઇ ખરાબ ભાવ નથી હોતો પણ કેવળ સ્વાર્થ હોય છે તે પણ ગુનાઇત છે અને જેના મનમાં ખરાબ ભાવ અને સ્વાર્થ બંને રહેલા છે તે પણ સ્વાર્થી જ ગણાય છે. વાસ્તવમાં માનવી અને સમાજ એકબીજાના પૂરક છે. બંને એકબીજા વગર અધૂરા છે. માનવી દ્વારા સમાજનું નિર્માણ થાય છે અને સમાજ માનવીને જોડે છે. આ સંજોગોમાં કોણ કોનુું ઋણી છે તે પ્રશ્નનો જવાબ આપવો અઘરો જ નહીં, પરંતુ અશક્ય છે. માનવી કોનો ઋણી છે તે પ્રશ્ન સદૈવ અનુત્તરીય રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like