નવા CBI ડાયરેકટર કોણ? આજે પીએમના અધ્યક્ષપદે બેઠક

(એજન્સી) નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઇ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. એક બાજુ આજે સીબીઆઇના નવા ડાયરેકટરની પસંદગી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાઇપાવર સિલેકશન કમિટીની આજે સાંજે બેઠક મળનાર છે. તો બીજી બાજુ સીબીઆઇના વચગાળાના ડાયરેકટરની નિમણૂક વિરુદ્ધ દાખલ થયેલી પિટિશનની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનાર છે.

સીબીઆઇના નવા ડાયરેકટરની પસંદગી માટે વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. આ અગાઉ ૧૦ જાન્યુઆરીએ પણ સિલેકશન કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં સીબીઆઇના ડાયરેકટર આલોક વર્માને હટાવવાનો નિર્ણય કરાયો હતો અને ત્યારથી સીબીઆઇના ડાયરેકટરની બેઠક ખાલી છે.

નવા ડાયરેકટરની નિમણૂક માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ૧૯૮૩, ૧૯૮૪ અને ૧૯૮પની બેચના ૧૭ સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઇના ડાયરેકટર પદ માટેની રેસમાં મુખ્યત્વે ૧૯૮૩ની બેચના રિના મિત્રા કે જેઓ હાલ ગૃહ મંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી છે. ૧૯૮૪ની બેચના રાજેશ રંજન (ડીજીસીઆઇએસએફ), ૧૯૮૪ની બેચના વાય.સી. મોદી (ડીજીએનઆઇએ) અને રજનીકાંત મિશ્રા (બીએસએફના ડીજી) તેમજ ૧૯૮પની બેચના સુબોધકુમાર જયસ્વાલ (મુંબઇ પોલીસના વડા)નો સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર સીબીઆઇના નવા ડાયરેકટર તરીકેની રેસમાં વાય.સી. મોદીનું નામ સૌથી આગળ છે. જોકે સરકાર હવે સીબીઆઇના નવા વડા તરીકે કોઇ વિવાદાસ્પદ અધિકારીની નિમણૂક કરવા માગતી નથી. સીબીઆઇની ઈમેજને નવી ઊંચાઇએ લઇ જાય એવા અધિકારીની પસંદગી કરવામાં આવશે. આ યાદીમાં ૧૯૮૩ની બેચના અધિકારી શિવાનંદ ઝા (ગુજરાતના ડીજીપી)ના નામનો પણ સમાવેશ થાય છે.

You might also like