ભારતના પરાજય માટે જવાબદાર કોણ?: હવામાન કે બેટ્સમેન?

લંડનઃ ટીમ ઇન્ડિયાના વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં ભારતના બેટ્સમેનોની હાલત ઘણી ખરાબ છે. લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસ સુધી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન અંગે કહેવામાં આવી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અને હવામાન એવું છે કે ત્યાં બેટિંગ કરવી ઘણી મુશ્કેલ છે.

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની મામૂલી અંતરથી હારનો હવાલો આપવામાં આવ્યો હતો, પરંતુ આ દલીલની પણ હવે હવા નીકળી ગઈ. બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના બોલરોએ સમગ્ર મેચ દરમિયાન પરિસ્થિતિ અને હવામાનનો જોરદાર ફાયદો ઉઠાવ્યો. ભારતીય ટીમના પરાજયનાં કારણો પર અહીં એક નજર કરીએઃ

ભારતીય બેટિંગની નિષ્ફળતાઃ
બીજી ટેસ્ટમાં ભારતીય બેટિંગ, ખાસ કરીને ટોચના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બીજા દિવસે જો રૂટે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો. સ્પષ્ટ થઈ ગયું હતું કે ટીમ ઇન્ડિયા માટે આ ટેસ્ટ આસાન નથી રહેવાની.

જે લડાયક માનસિકતા ટીમ ઇન્ડિયાને દેખાડવાની જરૂર હતી એ જુસ્સો સંપૂર્ણપણે ગાયબ રહ્યો. પરિણામ એ આવ્યું કે ઈંગ્લેન્ડ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યું અને ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૦૭ રન જ બનાવી શકી.

ભારતીય બોલર્સની નિષ્ફળતાઃ
પહેલી ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડા બોલર્સે જબરદસ્ત પ્રદર્શન કર્યું, પરંતુ એવું ભારતના બોલર્સ બિલકુલ કરી શક્યા નહીં,. ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય બોલર્સે લંચ પહેલાં ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી લીધી, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેનો પર દબાણ લાવવામાં ભારતીય બોલર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.

લંચ બાદ બેરિસ્ટો અને ક્રિસ વોક્સની ૧૮૯ રનની ભાગીદારીએ ભારતીય બોલર્સની પોલ ખોલી નાખી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે ઈંગ્લેન્ડે ભારત સામે ૩૯૭ રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો. બીજી બાજુ ટીમ ઇન્ડિયાના પરાજયમાં ઈંગ્લેન્ડના બોલર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. ઇંગ્લિશ બોલરોએ હવામાન અને પીચનો ભરપૂર ફાયદો ઉઠાવીને ટીમ ઇન્ડિયાને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી હતી.

બેટિંગ-કેપ્ટનશિપમાં કોહલીની નિષ્ફળતાઃ
બીજી ટેસ્ટમાં કોહલીની બેટિંગ અને કેપ્ટનશિપ બહુ નબળી સાબિત થઈ. વિરાટ પહેલી ઇનિંગ્સમાં ૨૩ અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૭ રન બનાવીને આઉટ થઈ ગયો. એજબેસ્ટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વિરાટે શાનદાર સદી સાથે કુલ ૨૦૦ રન બનાવ્યા હતા, જ્યારે લોર્ડ્સ ટેસ્ટમાં માત્ર ૪૦ રન જ બનાવી શક્યો. એ ઉપરાંત કેપ્ટનશિપ મામલે પણ તે નબળો પુરવાર થયો. બોલિંગમાં પરિવર્તન, કુલદીપને મેદાનમાં ઉતારવાનો નિષ્ફળ દાવ જેવી બાબતે વિરાટ નિષ્ફળ સાબિત થયો.

You might also like