કોણ સાચો હીરો? અઝહર કે રામાનુજન!

સોશિયલ મીડિયા માત્ર ગોસિપનું જ માધ્યમ નથી. ફેસબુક, ટ્વીટર પર બૌદ્ધિક ચર્ચાઓ પણ થાય છે. હાલમાં ભારતમાં એ મુદ્દે ચર્ચા થઈ રહી છે કે ભારતીય દર્શકોને મેચ ફિક્સર મોહમ્મદ અઝહરુદ્દીનની બાયોપિકમાં રસ પડવો જોઈએ કે જેમણે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું તેવા મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનમાં?

રસપ્રદ બાબત એ પણ છે કે શ્રીનિવાસ રામાનુજન પર હોલિવૂડ નિર્માતાઓ અને દિગ્દર્શકને ફિલ્મ બનાવવાનો વિચાર આવે પણ ભારતીય ફિલ્મકારોને કેમ નથી આવતો? તાજેતરમાં જ રીલિઝ થયેલી રામાનુજનના જીવન પરની ‘ધ મેન હૂ ન્યૂ ઈન્ફિનિટી’ ફિલ્મ દુનિયાભરમાં પ્રશંસા મેળવી છે. ભારતના જ નહીં પણ વિશ્વના સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞમાં તેમની નામના છે. તેમના જન્મદિને એટલે કે ૨૨ ડિસેમ્બરને ભારતમાં નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. ભારતમાં તેમના જીવન પર ૨૦૧૪માં તમિલ ફિલ્મ બનાવવામાં આવી હતી.

એક વિવેચક કહે છે કે, “ભારતમાં મોટાભાગના ફિલ્મ નિર્માતાઓને રોકડી કરી લેવામાં જ રસ છે. ભારતીય ઇતિહાસમાં અનેક અમરકથાઓ અને મહાન પાત્રો છે પણ કોઈને મહેનત નથી કરવી. દર્શકોની સામે બીબાંઢાળ અને ગ્લેમર્સ ફિલ્મો ધરીને પૈસા ખંખેરી લેવા છે. ભારતમાં પણ રામાનુજનની ફિલ્મ હિટ જાય પણ તેના માટે સારી ટીમ બનવી જોઈએ. જો કે ભારતમાં દાઉદ ઈબ્રાહિમ, લતીફ અને ભટકલ જેવા અન્ડરવર્લ્ડ ડોન કે બુટલેગર પર પુષ્કળ ફિલ્મો બને છે પણ બહુ ઓછી ફિલ્મો ભારતની મહાન વ્યક્તિઓ પર બને છે.”

You might also like