ગુજરાતના CM કોણ બનશે તે જેટલી-સરોજ પાંડે નક્કી કરશે, જાણો કોણ છે ચાર દાવેદાર?

ગુજરાત અને હિમાચલપ્રદેશમાં ભાજપે જીતનો ઝંડો લહેરાવી દીધો છે. જો કે જીતના ટંકારવ બાદ હવે પાર્ટી સામે બન્ને રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી કરવી તે મોટો પડકાર છે. ગુજરાતમાં હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે કે કેમ તેના અણસાર ઓછા દેખાઈ રહ્યા છે.

જો કે ખુદ વિજય રૂપાણી કહી ચૂક્યા છે, કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય પાર્ટીની પરંપરા મુજબ હાઈકમાન્ડ કરશે. નવા સીએમનો નિર્ણય સંસદીય બોર્ડ અને ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાશે.

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ પણ કહ્યું કે ગુજરાત અને હિમાચલમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા વિચારણા કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે નાણામંત્રી અરૂણ જેટલી અને સરોજ પાંડે ગુજરાતમાં આવશે. આ બંને નેતાઓ ધારાસભ્યો સાથે મળીને મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે નિર્ણય લેશે.

પાર્ટીના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી વિજય રૂપાણીને ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવાના મુડમાં નથી. અગાઉ વિજય રૂપાણીની સાથે સાથે સીએમ પદ માટે નીતિન પટેલના નામ પર ચર્ચા થઈ રહી હતી. એવામાં નીતિન પટેલને ગુજરાતમાં સીએમની ખુરશી સોંપવામાં આવે તો કોઈ નવાઈ નહીં. જોકે ભાજપના કેન્દ્રીય નેતાઓની ચર્ચા વિચારણા બાદ જ જાણી શકાશે કે આખરે ગુજરાતના સીએમ કોણ બનશે.

જો કે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ચાર દાવેદારના નામ જાણવા મળી રહ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, વજુભાઈવાળા, મનસુખ માંડવિયા અને હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ સામેલ છે.

You might also like