તરકપુર-પાંદડા વચ્ચેના સેતુ માટે ‘સેતુ’ કોણ બનશે?

અમદાવાદ : ગુજરાત એટલે સમુદ્ધ ગામડાંઓનું રાજ્ય. એમાં પણ ચરોતરને તો એનઆરઆઇ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંના ગામડાંની વાતો કરવાની હોય એટલે તંત્ર આ ગામ ડિજિટલ છે. અહીં આટલો વિકાસ છે જેવા અનેક સમાચારો મસમોટા અક્ષરોમાં છપાવે છે ને જ્યારે કોઇ સમસ્યાની વાત આવે એટલે  હોતા હૈ… ચલતા હૈની નીતિ અપનાવે છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તરકપુર ગામ આવેલું છે. આ ગામની અંદાજિત વસતી ૩૫૦૦થી વધુ છે. અહીં લોકો ખેતી પર નિર્ભર છે. જ્યારે ગામમાં વિકાસના નામે મીંડું છે. તરકપુર ગામના  રહેવાસીઓ તેમના ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા પાંદડા ગામ સાથે રોજિંદા વ્યવહારના સંપર્કમાં છે.

તરકપુર ને પાંદડા ગામને જોડતો એકમાત્ર  વર્ષો જૂનો પુલ ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ ધરાશાયી થઇ ગયો અને સાથે જ તરકપુર ગામના તમામ રોજિંદા વ્યવહાર પણ જાણે કે તૂટી ગયા. બ્રિજ તૂટતાં તેમનાં રોજિંદાં કાર્ય ખોરવાઇ ગયાં છે તો બીજી બાજુ આ બ્રિજના સહારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં સપનાં પણ ચકનાચૂર થઇ ગયાં છે.

તરકપુર ગામથી પાંદડા ગામમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પુલ તૂટવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ પુલ તૂટી જવાની રજૂઆત સરપંચે તમામ સરકારી વિભાગને કરી હોવા છતાં પણ થઇ જશે, થશે  જેવી ઢીલી નીતિનો અભિગમ સરકારી અધિકારીઓે અપનાવી રહ્યા છે. આ બ્રિજ તૂટી જતા ગામલોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના કારણે ચિંતિત
તરકપુર ગામને પાંદડા ગામ સાથે જોડતો પુલ તૂટી જતાં ગામ પર અનાયાસે એકાએક મોટી મુસીબત આવી પડી છે. આ મુસીબતમાં સૌથી વધુ તો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. તરકપુર ગામમાં ૧થી ૮ ધોરણ સુધીની જ પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓએ પાંદડાં ગામમાં જઇને કરવો પડે છે.

પાંદડા ગામમાં ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલ આવેલી છે. પુલને તૂટ્યે આજે એક માસથી વધુ સમય થઇ ગયો છે. ગામના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે નાવમાં બેસીને પાંદડા ગામે જાય છે. મહત્ત્વની વાત એ છે કે ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે.

ત્યારે આ બ્રિજનું વહેલી તકે વૈકલ્પિક ધોરણે સમારકામ કરી આપવામાં આવે તેવી ગ્રામજનોની પ્રાથમિક તબક્કાની માગ છે. જો વિદ્યાર્થીઓ નાવમાં બેસીને ન જાય તો તેમને ૨૫ કિલોમીટર ફરીને પાંદડા ગામમાં જવું પડે તેમ છે. જો તેઓ ૨૫ કિલોમીટર ફરીને પાંદડા ગામમાં જાય તો તેમનો ઓટોરિક્ષાના શટલમાં ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે એટલે કે સ્કૂલમાં અવરજવરના રોજ ૪૦ રૂપિયાનો ખર્ચ થાય.

માસિક ૧૨૦૦નો ખર્ચ થાય. જે ગરીબ ખેડૂતોનાં બાળકોને પોસાય તેમ નથી એટલે તે નાવમાં બેસીને પાંદડા ગામમાં ભણવા માટે જાય છે અને આ ગામ આર્થિક રીતે પણ ઘણું પછાત છે. પ્રશાસનને માત્ર સ્થળની મુલાકાત લેવામાં રસ છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં રસ નથી. તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ગામના વિદ્યાર્થીઓ પોતાનો જીવ જોખમમાં નાખીને ભણવા જાય છે. જે શરમજનક ઘટના કહેવાય. તંત્રએ સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.

દૂધમંડળીમાં ખેડૂતોની દયનીય હાલત
તરકપુરનો બ્રિજ તૂટતાં ખેડૂતોની હાલત દયનીય થઇ ગઇ છે. સહકારી મંડળીમાં દૂધ આપીને આજીવિકા રળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તરકપુર ગામમાં દૂધ સહકારી મંડળી નથી  એટલે કે ગામના ખેડૂતો દૂધ ભરવા માટે પાંદડા ગામમાં જાય છે. આ ગામના ૧૪૫થી વધુ લોકો પાંદડા ગામની સહકારી મંડળીના સભ્યો છે. જ્યારથી પુલ તૂટી ગયો છે ત્યારથી દૂધનો ધંધો પડી ભાંગ્યો છે.

આ ખેડૂતો પોતાની આજીવિકા માટે ખાનગી ડેરીવાળાઓને નીચા ભાવે દૂધ આપીને ઘરનું ગુજરાન ચલાવે છે. આ સંદર્ભે વાત કરતાં દૂધ મંડળીના સભ્ય હમીરભાઇ હરિભાઇ ગોહેલ કહે છે કે,  “આજે એક માસ વીતવા આવ્યો પરંતુ અમારી સમસ્યાનું કોઇ જ નિરાકારણ  નથી આવ્યું. અમારે નીચા ભાવે દૂધ વેચવું પડે છે. જેના કારણે અમારે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે.

ગામ નાનું હોવાથી કોને કહેવા જઇએ, અમારી તકલીફ કોણ દૂર કરે ? બધાને અમારો પ્રશ્ન જટિલ નહીં લાગતો હોય પણ પેલી કહેવત છેને કે’જીસ પર બીતી વો હી જાને’ અમારે પણ એવું જ છે.”  ગુજરાતના વિકાસની વાતો થતી હોય ત્યારે ગામનો એક બ્રિજ તૂટી જતા ખેડૂતો, વિદ્યાર્થીઓની આ પરિસ્થિતિ જોતાં ગુજરાતનાં ગામડાંનો વિકાસ માત્ર કાગળો સુધી જ સીમિત છે એવું કહેવું અતિશયોક્તિ નથી.

માત્ર શહેરનો વિકાસ કરવાથી વિકાસ થાય? ગામડાંના ગરીબ, મધ્યમવર્ગ તથા ખેડૂતોની દુર્દશાનું શું ? ગામડાનો વિકાસ ક્યારે થશે ? જેવા અનેક પ્રશ્ન એક બ્રિજ તૂટવાથી થઇ ગયા છે. આવાં અનેક ગામડાં હશે કે જે વિકાસ માટેે તરસી રહ્યાં હશે. પ્રશાસને વહેલી તકે કોઇ અસરકારક પગલાં ભરીને ગામનો વિકાસ કરવો જોઇએ.

પાંદડા ગામમાં જવા લાંબંુ અંતર

બ્રિજ તૂટી જતાં ગ્રામજનોમાં નિરાશા વ્યાપી છે. ગામનો કરોડરજ્જુ સમાન બ્રિજ તૂટી જતાં તેમની કમર ભાંગી ગઇ  છે. ગામના લોકો બ્રિજના રસ્તે માત્ર ત્રણ કિલોમીટરના અંતરે પંાદડા ગામે પહોંચી જાય છે. એકાએક બ્રિજ તૂટી પડતાં ગામવાસીઓને  ફરીને પાંદડા ગામમાં જવું પડે છે. ગોળ ફરીને જાય તો પાંદડા ગામ ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ગામમાં બીમાર અને પ્રસૂતાઓ માટે જટિલ  પ્રશ્ન  છે. એ બ્રિજથી આવતા ૧૦૮ કે અન્ય કોઇ પણ ખાનગી વાહનમાં બીમાર દર્દીને સારવારઅર્થે હોસ્પિટલ ૧૫થી ૨૦  કિલોમીટરના અંતરે મળી રહે ને તેમને  સત્વરે સારવાર મળે પરંતુ બ્રિજ તૂટી જતાં હવે કોઇ દર્દીને હોસ્પિટલ માટે ૩૫ કિલોમીટર વધારે ફરવું પડે તેમ છે. ગામમાં કોઇ બીમાર પડે તો ગામમાં ૧૦૮ને પહોંચતાં સમય લાગે છે. અન્ય વાહનમાં લઇ જવામાં પણ એક કલાકથી વધુ સમય થાય છે જેના લીધે અનિચ્છનીય બનાવ પણ બની શકે છે.

તંત્રને જાણ છતાં અજાણ

તરકપુરનાં સરપંચ વિલાસબહેન રણજિતભાઇ ડાભી કહે છે કે,”ધડાકાભેર બ્રિજ તૂટી જતા અમે ખંભાત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ને પ્રાંત અધિકારીને  સત્વરે જાણ કરી દીધી હતી.  આ બ્રિજ અમારા માટે ખૂબ ઉપયોગી હતો. જેના ઉપયોગથી અમે દિવસમાં ચારથી પાંચ વખત રોજિંદા કામ માટે પાંદડા ગામમાં જતા હતા. સૌથી મોટી સમસ્યા હાલ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની છે. તંત્ર વહેલી તકે બ્રિજનું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સમારકામ કરાવી આપે અને નવો બ્રિજ બનાવી આપે તો ગામલોકોનું જનજીવન સામાન્ય બને તેમ છે. આ બ્રિજ ખારલેન્ડ ડેવલપમેન્ટ બોર્ડે બનાવડાવ્યો હતો જે વર્ષો પહેલાં બનેલો છે હવે તેને ફરી બનાવવો જરૂરી બની ગયો છે.”

વધારે મુશ્કેલી અમારે

બ્રિજ તૂટતાં અમારી સમસ્યા વધી ગઇ છે. ભણવા જવું તો છે પરંતુ એટલા બધા પૈસા ખર્ચીને કેવી રીતે જઇએ એટલું બોલતાં જ ધોરણ ૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી  ચિરાગ પરમાર ઉદાસ થઇ જાય છે. તે કહે છે કે, “અમે અભ્યાસ કરી આગળ વધીએ તેવું અમારા પરિવારજન પણ ઇચ્છે છે પરંતુ રોજના ૪૦ રૂપિયા ખર્ચીને કેવી રીતે અભ્યાસ કરવો. અમારી મુશ્કેલી કોઇ સમજતું જ નથી. હવે બોર્ડ પરીક્ષાની તૈયારી કરીએ કે આ સમસ્યા સામે લડીએ? મારા જેવા જ અનેક વિદ્યાર્થી છે જે આ પ્રશ્નને લઇને ચિંતિત છે. અમારા વડીલો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક સરકારી ખાતામાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી માત્ર વાતો જ સંભળાય છે કે બ્રિજ માટે પગલા લેવાશે પરંતુ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રને અભ્યાસની વાતો કરતાં જ આવડે છે. તેના માટે કશું કરતાં નથી આવડતું.”

બ્રિજને બનતા સમય લાગશે

તરકપુર ગામનો બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને અચાનક  તૂટી પડ્યો હતો. ગામના લોકો માટે ઉપયોગી એવા આ બ્રિજને સત્વરે રિપેર કરાવવાનો લોકજુવાળ ઊભો થયો હતો ત્યારે પ્રાંત અધિકારીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી. પ્રાંત અધિકારી લલિત પટેલ  બ્રિજ તૂટવાના સંદર્ભે  કહે છે કે, “માર્ગ-મકાન વિભાગ પંચાયત, રાજ્ય અને મામલતદારની ત્રણ સભ્યોની ટીમ દ્વારા બ્રિજની મુલાકાત લેવામાં આવી છે. જેના દ્વારા વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને અંદાજિત ખર્ચની માહિતી આપતો રિપોર્ટ તૈયાર કરી જેમ બને તેમ વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે.” જોકે અહીં અન્ય એક વાત પણ સ્પષ્ટ છે કે બ્રિજ માટે ગ્રાંટ કેટલી ફાળવવી તેનો અંદાજ નીકળશે ત્યારબાદ મંજૂરી મેળવવામાં આવશે ને ત્યારબાદ કામ સોંપવાની ટેન્ડર પ્રક્રિયા થશે. બાદમાં જે તે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવશે એટલે બ્રિજ પૂર્ણ થતાં ઘણો સમય નીકળી  જાય તો નવાઇ લગાડવા જેવું નથી. ગામલોકોએ ૩ કિલોમીટરનો પાંદડા ગામ જતા બ્રિજનો રસ્તો ભૂલવો પડશે, કારણ કે બ્રિજ બનતા ૬ માસ કે એક વર્ષનો સમય તો લાગી શકે છે. એટલે તરકપુરના લોકોએ ૨૫ કિલોમીટર ફરીને પાંદડા ગામમાં જવાની આદત કેળવવી પડશે. બંને ગામને જોડતા રસ્તાના સમારકામ માટે પણ રૂ.૧.૫ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે પરંતુ બ્રિજ ન રહ્યો તો રસ્તો ક્યાંથી બનશે?

તરકપુર નાનકડું ગામ છે. જેની તકલીફો ત્યાંથી શરૂ થઇ ત્યાં જ પતી જાય છે. છતાં આવી અનેક મુશ્કેલીનો સામનો ગામવાસીઓને કરવો પડે છે. આ તો આ ગામની વાત થઇ, આવાં તો અગણિત ગામો હશે જેની સમસ્યા કોઇ સુધી પહોંચતી જ નહીં હોય.

You might also like