ગરમીનો પારો ચઢ્યો છતાં હોલસેલમાં લીંબુના ભાવ ઘટીને અડધા થઈ ગયા

અમદાવાદ: શહેર સહિત રાજ્યમાં ગરમીનો પારો ઊંચે ચઢી રહ્યો છે. મોટા ભાગના અગ્રણી શહેરમાં ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રીની સપાટીએ પહોંચી ગયો છે, જોકે સામાન્ય રીતે ગરમીની સિઝનમાં લીંબુના ભાવનો પારો પણ આસમાને પહોંચતો હોય છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે આ વર્ષે તેના કરતા ઊલટી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

એક મહિના પૂર્વે હોલસેલ બજારમાં ૬૦૦થી ૧૪૦૦ રૂપિયે ૨૦ કિલોએ પહોંચેલા લીંબુના ભાવ તેનાથી અડધા થઇને ૨૦૦થી ૭૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

માર્કેટયાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહેસાણા તથા ઉત્તર ગુજરાત બાજુથી મોટા પ્રમાણમાં આવકના પગલે આ વખતે હોલસેલ બજારમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે, જોકે રિટેલમાં ખાસ કોઇ ઘટાડાની અસર નોંધાતી જોવા મળી નથી. એક મહિના પૂર્વે રિટેલમાં લીંબુના ભાવ કિલોએ રૂ. ૧૨૦થી ૧૪૦ની સપાટીએ જોવા મળ્યા હતા તેમાં હાલ માત્ર સાધારણ ઘટાડો નોંધાઇ ૧૦૦ રૂપિયાની ઉપર ૧૧૦-૧૨૦ની સપાટીએ પહોંચેલા જોવા મળ્યા છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે ઉનાળાની સિઝનમાં ઠંડાં પીણાં તરીકે લીંબુનો ઉપયોગ વધતો હોય છે અને ગરમીનો પારો ઊંચે ચઢે તેની સાથેસાથે વેપારીઓ પણ લીંબુના ભાવને આપોઆપ ઊંચે ચઢાવી દેતા હોય છે, પરંતુ આ વખતે વધતી બમ્પર આવકને પગલે ભાવમાં ઊલટી ચાલ જોવા મળી છે.

You might also like