…જ્યારે ધોની ભૂલી ગયો કે હવે તે કેપ્ટન નથી

પુણેઃ મહેન્દ્રસિંહ ધોની ભલે ભારતીય ટીમની વન ડે અને ટી-૨૦ની કેપ્ટનશિપ છોડી ચૂક્યો હોય. ધોની બાદ ટીમ ઇન્ડિયાની કમાન ભલે વિરાટના હાથમાં આવી ગઈ હોય, પરંતુ માહીનો જુસ્સો હજુ પણ અકબંધ છે. આવું જ કંઈક ગઈ કાલે પુણેમાં રમાયેલી પ્રથમ વન ડે દરમિયાન જોવા મળ્યું.

ઈંગ્લેન્ડની ઇનિંગ્સની ૨૭મી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના અંતિમ બોલ પર પંડ્યા સામે ઈંગ્લિશ કેપ્ટન મોર્ગન હતો. પંડ્યાનો એ બોલ મોર્ગનના બેટને સ્પર્શીને વિકેટકીપર ધોનીના હાથમાં જઈ પહોંચ્યો. ધોનીએ અપીલ કરી અને અમ્પાયરે મોર્ગનને નોટઆઉટ જાહેર કર્યો. અમ્પાયના નિર્ણય બાદ તરત જ ધોનીએ પોતાના હાથથી ‘ટી’ બનાવી દીધો. (યુડીઆરએસનો સંકેત) એક પળ તો એવું લાગ્યું, જાણે કે ધોની ભૂલી ગયો છે કે હવે તે ટીમનો કેપ્ટન નથી, પરંતુ બીજી જ પળે ધોનીએ વિરાટ તરફ જોયું અને તેને ડીઆરએસ લેવાનું કહ્યું.

વિરાટે પણ ધોનીના આ સૂચનને માન્ય રાખ્યું અને ડીઆરએસ લીધું. જ્યારે થર્ડ અમ્પાયરે ટીવી રિપ્લે જોઈને ફિલ્ડ અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવા કહ્યું અને ફિલ્ડ અમ્પાયરે મોર્ગનને આઉટ જાહેર કર્યો. આમ ધોનીએ ફરી એક વાર પોતાના ચતુર દિમાગનો પરચો આપ્યો અને વિરાટે પણ તેનું સમર્થન કર્યું. એમ પણ વિરાટે પુણે મેચ પહેલાં કહ્યું હતું કે તે ડીઆરએસ માટે ધોની પર સૌથી વધુ વિશ્વાસ કરશે અને મેચ દરમિયાન િવરાટે પોતાનું કહ્યું પાળી બતાવ્યું.

home

You might also like